આયુષ્ય મર્યાદિત છે, પોતાના યોગક્ષેમ પર ધ્યાન આપે માનવ : આચાર્યશ્રી મહાશ્રમણજી
રાપર : સમુદ્ર કિનારે વસેલો ગુજરાતનો કચ્છ જિલ્લો, જે ક્યારેક કુદરતી આપત્તિનો સાક્ષી રહ્યો છે, પરંતુ વર્તમાનમાં કચ્છ જિલ્લો જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના એકાદશમ અધિશાસ્તા, ભગવાન મહાવીરનાં પ્રતિનિધિ, અહિંસા યાત્રાના પ્રણેતા આચાર્યશ્રી મહાશ્રમણજીનાં વિહાર પ્રવાસનો સાક્ષી બની રહ્યો છે. મહિના કરતાં વધુ સમયથી આ શાંતિદૂતના શ્રીમુખથી નિસૃત અમૃતવાણીથી કચ્છ જિલ્લો ધન્ય બની રહ્યો છે. આવું સૌભાગ્ય મોટાં મહાનગરો કે શહેરો માટે હોય છે, પણ જિલ્લાઓ માટે અતિ દુર્લભ છે. આચાર્યશ્રીની પવિત્ર ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લામાં અનેક સંઘીય કાર્યક્રમો પણ યોજાયા છે અને આ જિલ્લો ગુજરાતના પ્રથમ મર્યાદા મહોત્સવનો સાક્ષી પણ બન્યો.
ગુરૂવારની પ્રભાતવેળાએ યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી ત્રંબોથી મંગલ પ્રસ્થાન કર્યુ હતુ. આકાશમાં સૂર્ય અને ધરતી પર તેરાપંથ ધર્મસંઘના મહાસૂર્ય ગતિશીલ હતા. એક જગતના અંધકારનું હરણ કરવા માટે ઉદયમાન હતા, તો બીજાં માનવમનના તાપ દૂર કરવા માટે ગતિમાન હતા. માર્ગમાં અનેક લોકોએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આચાર્યશ્રી રાપર તરફ ગતિમાન થયા. લગભગ ૧૧ કિમીના વિહાર બાદ આચાર્યશ્રી રાપર પહોંચ્યા, જ્યાં રાપરવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતુ. અનેક સ્થળોએ દર્શન-આશીર્વાદ આપતા આચાર્યશ્રી વર્ધમાન જૈન શ્રાવક સંઘ આરાધના ભવન પહોંચ્યા હતા. અહીં આચાર્યશ્રીનું આ બીજીલારનું આગમન છે. અગાઉ ૨૦૧૩ની સાલમાં મહાવીર જયંતિ પણ અહીં ઉજવાઈ હતી.
વર્ધમાન સમવસરણમાં આયોજિત મંગલ પ્રવચન દરમિયાન આચાર્યશ્રી મહાશ્રમણજી એ ઉપસ્થિત શ્રોતાઓને પાવન પ્રબોધ આપતાં કહ્યું હતું કે શાસ્ત્રકારો કહે છે કે "આયુષ્ય મર્યાદિત છે, તો માનવ પોતાનાં યોગક્ષેમ પર ધ્યાન કેમ નથી આપતો ? " દરેક પ્રાણીનું જીવન એક દિવસ સમાપ્ત થાય છે. તીર્થંકરો, ચક્રવર્તીઓ અને વાસુદેવો પણ સદાય નથી રહેતા. ભગવાન મહાવીરનું આયુષ્ય માત્ર ૭૨ વર્ષનું હતું. આજકાલ લોકો શતાયુ પણ થતા નથી, છતાં માનવ નિર્દોષતાથી બેસી રહે છે અને પોતાના આગામી જન્મ કે સુગતિ માટે વિચારતો નથી. આ સિદ્ધાંત પુનર્જન્મ સાથે સંકળાયેલો છે.જીવ આત્મા જ્યા સુધી મોક્ષ પ્રાપ્ત ન કરે, સતત ચોર્યાસી લાખ યોનિઓમાં ભટકતો રહે છે. કષાય અને મોહનિય કર્મના કારણે પુનર્જન્મ થાય છે. શાસ્ત્રો મુજબ, "માનવે શુભ અને સારા કર્મ કરવા જોઇએ, અનિષ્ટ કાર્યોનો ત્યાગ કરવો જોઈએ. જો ખોટાં કર્મ ન કરાય તો પ્રસ્તુત જીવન પણ સુખમય બની શકે."આચાર્યશ્રીએ કચ્છી પૂજ ડાલગણીજીના જીવન અને તેમની કચ્છ યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે "માનવે પોતાના યોગક્ષેમ માટે પ્રયત્ન કરવો જોઈએ અને આત્મકલ્યાણ માટે જાગૃત રહેવું જોઈએ." આચાર્યશ્રીએ કચ્છ યાત્રાના સમાપન અને રાપર આગમનની મહત્ત્વતા વિશે પણ પ્રવચન આપ્યું હતું. સાધ્વીપ્રમુખાશ્રી વિશ્રુતવિભાજીએ પણ રાપરવાસીઓને શુભાશીર્વાદ આપ્યા હતા.આચાયર્શ્રીના આગમન પ્રસંગે રાપર તેરાપંથ મહિલા મંડળે સ્વાગતગીત ગાયું હતું. લબ્ધિ અને મિલી મહેતાએ તેમની સુંદર રજૂઆત આપી હતી. "બેટી તેરાપંથની" સમિતિના સભ્યોએ પણ સ્વાગત ગીત ગાયું હતુ.તેરાપંથ સંઘના પ્રમુખ રમણીકભાઈ ખંડોને પોતાના ભાવોની અભિવ્યક્તિ આપી હતી.પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા ઉપસ્થિત રહ્યાં હતા. આચાર્યશ્રીએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા હતા. આચાર્યશ્રી સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કે.કે. સંઘવી તેમજ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે. સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે. આચાર્યશ્રી મહાશ્રમણજીનો આજે અને આવતી કાલનો પ્રવાસ વાગડના મુખ્ય શહેર રાપર મઘ્યે તથા ૩૦/૩૧ માર્ચનો પ્રવાસ ફતેહગઢ મધ્યે રહેશે તેવું એક યાદીમાં આચાર્યશ્રી મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કરછના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
----

Comments