Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં કૃષિ યુનિવર્સિટીની કોલેજની આડેનું ક્યારે હટશે ગ્રહણ...?

27 March



કચ્છના કિસાનોને કૃષિ નિષ્ણાતો, વૈજ્ઞાનિકોનો કાયમી લાભ મળે અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જિલ્લાના ખેડૂતો વધુ પ્રગતિ સાધી શકે તેવા શુભ આશયથી વર્ષ ર૦ર૧માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છમાં કૃષિ યુનિવર્સિટીની કોલેજ શરૂ કરવાની કરી હતી ઘોષણા : ઘોષણાને લાંબો સમય વિતી જવા છતા તે દિશામાં કોઈ પ્રગતિ ન થતાં કચ્છવાસીઓમાં હતાશા


ભુજ : કૃષિ અને બાગાયતી ક્ષેત્રે થયેલા વિકાસથી કચ્છ જિલ્લાના ધરતીપુત્રોના જીવન ધોરણમાં સુધાર થયો છે. સરહદી સૂકા મુલક ગણાતા કચ્છમાં પાણીના મર્યાદિત સ્ત્રોત હોવા છતાં કચ્છના ધરતીપુત્રોએ પોતાની આગવી સૂઝબૂઝ અને પરંપરાગત ખેતી પદ્ધતિથી જિલ્લામાં હરિયાળી ક્રાંતિનું સર્જન કર્યું છે. કચ્છના કિસાનોને કૃષિ નિષ્ણાતો, વૈજ્ઞાનિકોનો કાયમી લાભ મળે અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જિલ્લાના ખેડૂતો વધુ પ્રગતિ સાધી શકે તેવા શુભ આશયથી વર્ષ ર૦ર૧માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છમાં કૃષિ યુનિવર્સિટીની કોલેજ શરૂ કરવાની ઘોષણા કરી હતી. રાજ્યકક્ષાના કિસાન દિવસની ઉજવણી વખતે રાજ્યનાતત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભુજમાં વેટરનરી કોલેજ સાથે જ કૃષિ યુનિવર્સિટીની કોલેજ શરૂ કરવાની જાહેરાત કરતા કચ્છના કિસાનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. જોકે, ઘોષણના ચાર વર્ષ બાદ વેટરનરી કોલેજ શરૂ કરવાની દિશામાં કાર્યવાહી નિર્ણાયક તબક્કામાં પહોંચી છે, પણ કૃષિ યુનિવર્સિટીની કોલેજ શરૂ થવાના કોઈ એંધાણ મળી રહ્યા નથી. જે-તે સમયે વિપક્ષ કોંગ્રેસે આ માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત હોવાનું જણાવ્યું હતું. હવે ઘોષણાને લાંબો સમય વિતી જવા છતા તે દિશામાં કોઈ પ્રગતિ ન થતાં કચ્છવાસીઓને પણ ઘોષણા માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત જ હોવાનું લાગી રહ્યું છે.વર્તમાન સમયે કચ્છ જિલ્લામાં કૃષિ યુનિવર્સિટીની કોલેજની તાતી જરૂરિયાત હોવાનું વેશલપરના પ્રગતિશીલ કિસાન રવિલાલભાઈ વાલાણી જણાવી રહ્યા છે. છેલ્લા ૩ વર્ષની તેમના પંથકમાં કેસર કેરીનો પાક સતત નિષ્ફળ જઈ રહ્યો છે. જો કચ્છમાં એગ્રીકલ્ચર કોલેજ બની હોત તો કચ્છના ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિક અને તજજ્ઞોનો લાભ મળી શક્યો હોત. ચ્છમાં કોલેજ સ્થપાય તો નિષ્ણાતોનુંં માર્ગદર્શન કચ્છના ખેડૂતો માટે બહુઉપયોગી બની શકે. કચ્છમાં કૃષિ અને બાગાયતી ક્ષેત્રે હજુ પણ વિકાસની ખૂબ તકો ઉપલબ્ધ છે. હાલે ખેડૂતો પોતાની સુઝબુઝ અને બાપ-દાદાઓ પાસેથી મળેલ જ્ઞાનના આધારે પરંપરાગત ખેતી કરી રહ્યા છે. કૃષિ વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે. ઓછી જમીન, ઓછા પાણી અને ખાતરના વપરાશથી મબલખ પાક મેળવવા માટેની અનેકવિધ ટેકનિક વિાસવવામાં આવી છે. જો કચ્છના કિસાનોને આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિકોના માર્ગદર્શનનો લાભ મળે તો ખેતી પેદાશોની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થઈ શકે. હાલે તેમના ખેતર-વાડીમાં બાગાયતી અને કૃષિ વિભાગના અધિકારીઓ આવી રહ્યા છે, પરંતુ કોઈ વૈજ્ઞાનિક કે તજજ્ઞો આવતા નથી. કચ્છમાં 
કૃષિ યુનિવર્સિટીની કોલેજ વહેલાસર શરૂ થાય તે જરૂરી છે. કોલેજ શરૂ થતાં કચ્છના કિસાનોને મોટો લાભ થશે સાથે જ કચ્છમાં ઉત્પાદિત થતાચ બાગાયતી પાકોની ગુણવત્તામાં સુધાર થતાં દેશ-વિદેશની બજારોમાં તેની માંગ વધશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા, કોંગ્રેસ અને કિસાન અગ્રણી વી.કે. હુંબલે કચ્છ ઉદય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌથી વધુ રેવન્યુ આપતા કચ્છ જિલ્લાને વિવિધ મોરચે સરકારે સતત અન્યાય જ કર્યો છે. ભાજપ સરકાર દ્વારા કચ્છ માટે કરવામાં આવેલી અનેક જાહેરાતો માત્ર કાગળ પર જ રહી ગઈ છે. ખાસ કરીને શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વ્યાપક અન્યાય કચ્છને થતો રહ્યો છે. કૃષિ યુનિવર્સિટીની કોલેજની જાહેરાત માત્ર લોભામણું આશ્વાસન જ સાબિત થયું છે. તાજેતરમાં સરકારે કચ્છમાં ખાસ શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી વાહવાહી લૂંટી છે, પરંતુ હજુ સુધી તેનું નોટીફિકેશન બહાર પાડ્યું નથી. કચ્છનું હિત કરવું હોય તો માત્ર ઘોષણાઓ જ નહીં, પરંતુ તેની અમલવારી પણ થવી જોઈએ તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.



.........


પ્રાકૃતિક ખેતી જ સાચું ભવિષ્ય : વેલજીભાઈ ભુડિયા


ભુજ : કચ્છ જિલ્લાને બાગાયતી ક્ષેત્રે દેશ-વિદેશમાં નામના અપાવનાર પ્રગતિશીલ ખેડૂત વેલજીભાઈ ભુડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બાગાયતી ખેતી ક્ષેત્રે કચ્છ જિલ્લો રાજ્યમાં મોખરે થયો છે. જિલ્લાના ખેડૂતોને કૃષિ ક્ષેત્રના વૈજ્ઞાનિકો, તજજ્ઞોનો લાભ મળે તે ઈચ્છનીય છે સાથે જ હવે દુનિયા ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળી રહી છે. પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી જ કૃષિનું સાચું ભવિષ્ય છે, તેથી હવે કચ્છમાં પ્રાકૃતિક ખેતી આધારીત એગ્રીકલ્ચર યુનિવર્સિટી - કોલેજની સ્થાપના થાય તે સમયોચિત ગણાશે. પ્રાકૃતિક ખેતીથી જમીનને થતું નુકસાન અટકાવી શકાશે સાથે જ રાસાયણિક ખાતરના ઉપયોગથી લોકોને થતા નુકસાન રોકી શકાશે.

 

Comments

COMMENT / REPLY FROM