Trending News
સ્થાનિક સમાચાર

વ્યક્તિએ શાંતિ અને સમત્વમાં રહેવા પ્રયત્ન કરવો જોઈએ : આચાર્યશ્રી મહાશ્રમણજી્‌

26 March



ભુજ : માનવ-માનવ વચ્ચે સદભાવના, નૈતિકતા અને નશામુક્તિ જેવા સદવિચારોનો પ્રચાર પ્રસાર કરનાર, ગામ-ગામ, નગર-નગર, કસ્બા અને મહાનગરને પાવન બનાવનાર જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના વર્તમાન દેદીપ્યમાન મહાસૂર્ય, શાંતિદૂત, ભગવાન મહાવીરના પ્રતિનિધિ, યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી તેમની ધવલ સેના સાથે ભારતના ગુજરાત રાજ્યની પાવન ભૂમિ પર વિચરણ કરી રહ્યા છે. ગુજરાત રાજ્યનો કચ્છ જિલ્લો પુંજ્યચરણોથી લાંબા સમયથી પાવનતા પ્રાપ્ત કરી રહ્યો છે. બુધવારના પ્રાતઃકાળે સૂર્યોદય પછી મહાતપસ્વી આચાર્યશ્રી મહાશ્રમણજી તેમની ધવલ સેના સાથે રામવાવથી મંગલ પ્રસ્થાન કર્યું હતુ. વધતી ગરમીનો પ્રભાવ લોકોને સ્પષ્ટ રૂપે અનુભવાતા જોવા મળ્યો હતો. આકાશમાં ગતિશીલ સૂર્યની કિરણો હવે સૂર્યોદય પછી થોડી જ વારમાં ધરતીને ગરમ કરવા લાગી છે. વધતી ગરમી જ્યાં સામાન્ય લોકોને પરેશાન કરવા લાગી છે, ત્યાં શાંતિદૂત આચાર્યશ્રી મહાશ્રમણજી તેમના સમત્વભાવ સાથે અવિરત જનકલ્યાણ માટે ગતિમાન છે. તેઓ આશરે ૧૧ કિમીનો વિહાર પૂર્ણ કરી ત્રંબો ગામમાં આવેલ શ્રી ત્રંબો સ્થાાનકવાસી છ કોટિ જૈન સંઘના ભવનમાં પધાર્યા હતા. સંબંધિત લોકોએ ભાવભીનાં સ્વાગતથી તેઓને આવકાર્યા હતા.
શાંતિદૂત આચાર્યશ્રી મહાશ્રમણજીએ પરિસરમાં આયોજિત મુખ્ય મંગલ પ્રવચન કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને પોતાની અમૃતવાણી સંભળાવતા કહ્યું કે, જે જિન, વીતરાગ અને તીર્થંકરોએ ભય પર વિજય મેળવ્યો છે, એમને નમન. જે વ્યક્તિ કોઈપણ પ્રકારના ભયથી મુક્ત હોય, તે ખૂબ સુખી થઈ શકે છે. જે સંપૂર્ણપણે અભય બની જાય, તેને મરણ, રોગ, અપમાન, અંધકાર કે અન્ય કોઈપણ પ્રાણીને લઈને ભય રહેતો નથી. જો કોઈ સંપૂર્ણપણે અભય બની જાય, તો તે સુખના એક નવા આયામને પ્રાપ્ત કરી શકે છે. ડરવું નબળાઈ છે તો ડરાવવું પણ ખોટી વાત છે.માણસે પોતે ન ડરવું જોઈએ અને કોઈને પણ ડરાવવાથી બચવું જોઈએ. અભય થવા માટે એક પાસું છે - પોતે ન ડરવું, અને બીજું પાસું છે - બીજાને ન ડરાવવું. જો આ બંને બાબતો પરાકાષ્ઠા સુધી પહોંચી જાય, તો અભયની પરિપૂર્ણતા પ્રાપ્ત થઈ શકે. માણસની અંદર મોહ, આસક્તિ અને પદાર્થો પ્રત્યેનું આકર્ષણ હોય, તો તેને વિયોગનો ભય થઈ શકે. જ્યાં મોહ છે, રાગ છે, મમત્વ છે, ત્યાં ભય હોઈ શકે. તેથી, માણસે કોઈને ડરાવવું નહીં અને પોતે પણ કોઈથી ડરવું નહીં, જેથી અહિંસાની ભાવના પરિપૂર્ણ બની શકે. કોઇપણ પ્રાણીને બિનજરૂરી ભય ન બતાવવો જોઈએ. વ્યક્તિએ શાંતિ અને સમત્વમાં રહેવા પ્રયત્ન કરવો જોઈએ. જો માણસ અનાવશ્યક હિંસાથી બચવાનો પ્રયત્ન કરે, તો તેની અંદર અહિંસાની ચેતના વધુ મજબૂત થઈ શકે છે અને અભયભાવ પણ વધુ પુષ્ટ બની શકે છે.ગૃહસ્થોએ પણ અનાવશ્યક હિંસાથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ.પાણીનો અપવ્યય  અટકાવવા પ્રયત્ન કરવો જોઈએ. જો અભયભાવ અને પ્રાણીઓ પ્રત્યે મિત્રભાવ હોય, તો અહિંસાની ચેતના વધુ બળવાન બની શકે.
કચ્છ પ્રદેશના લોકોના જીવનમાં ત્યાગ, ધર્મ અને અધ્યાત્મ વધુ પોષાઈ રહે, લોકો પોતાની આધ્યાત્મિક સંપત્તિ વધારતા રહે. આચાર્યશ્રી મહાશ્રમણજીએ તેમના મંગલ પ્રવચન દ્વારા આ આશીર્વાદ આપ્યા. આ અવસરે ત્રંબો ઓસવાલ સમાજ અને જૈન સંઘના અધ્યક્ષ શ્રી લખમસીભાઈ ગાલાએ આચાર્યશ્રીના મંગલ પદાર્પણને લઈ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આચાર્યશ્રીએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા હતા.આચાયર્શ્રી સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કે.કે. સંઘવી તેમજ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે તેવું મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
-------------

Comments

COMMENT / REPLY FROM