Trending News
સ્થાનિક સમાચાર

જ્ઞાન અને આચારનો સમ્યક વિકાસ થવો જોઈએ : આચાર્ય મહાશ્રમણજી

25 March



ગાંધીધામ : જન -જનને આધ્યાત્મિક લાભ આપવા માટે જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિશાસ્તા, ભગવાન મહાવીરના પ્રતિનિધિ, અહિંસા યાત્રાના પ્રણેતા, શાંતિદૂત આચાર્ય મહાશ્રમણજી ગુજરાતમાં સતત ગતિશીલ છે. કચ્છ જિલ્લાનું સૌભાગ્ય છે કે તે હજુ પણ પૂજ્યપાદના અનુગામી બન્યું છે. મંગળવારની પ્રભાત વેળાએ, આકાશમાં ઉગતા સૂર્યની જેમ, ધરાના મહાસૂર્ય પણ તેમની શ્વેત રશ્મિઓ સાથે તેમના આગામી ગંતવ્ય તરફ આગળ વધ્યા. માર્ગમાં અનેક સ્થળોએ ભેગી થયેલી જનતાને મંગળ આશીર્વાદ આપતા આચાર્ય મહાશ્રમણજી લગભગ તેર કિલોમીટરનો વિહાર કરી કૂડા જામપરમાં આવેલી કૂડા જામપર પ્રાથમિક શાળાએ પધાર્યા હતા. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આચાર્યનું હાર્દિક સ્વાગત કર્યું હતુ.શાળા પરિસરમાં આયોજિત મંગલ પ્રવચન કાર્યક્રમમાં આચાર્ય મહાશ્રમણજીએ પાવન પાથેય પ્રદાન કરતા કહ્યું કે જ્ઞાન અને આચાર - આ બે વસ્તુઓ છે. એકબીજા સાથે સંકળાયેલી પણ છે અને અલગ પણ હોઈ શકે છે. તે સંબંધિત એ રીતે છે કે પહેલાં જ્ઞાન મેળવ્યા પછી જ તે આચરણમાં આવે છે. સેવા શું છે, ભક્તિ શું છે, નિષ્ઠા શું છે, શ્રદ્ધા શું છે, આ બધી જ વસ્તુઓનું જ્ઞાન થાય ત્યારે તે આચરણમાં આવે છે. જો જ્ઞાનને એન્જિન માની લો, તો આચાર ડબ્બાની જેમ હોય છે. જ્ઞાન માનવ જીવનને આગળ ધપાવતું હોય છે. માણસે પહેલા જાણવું પડે છે, પછી તે આચરણમાં ઉતારી શકાય.
જે રીતે જો રસોઈ બનાવવી હોય, તો પહેલા રસોઈ બનાવવાનું જ્ઞાન મેળવવું પડે, પછી રસોઈ બનાવી શકાય. આ રીતે જ્ઞાન પ્રાપ્ત થયું હોય, તો સમ્યક આચાર પણ શક્ય બને. જ્ઞાનપૂર્વકનું આચરણ થાય, તો માણસનું જીવન ઉત્તમ બની શકે. માનવ જીવનમાં શિક્ષણ અને ચારિત્ર - આ બંને જુદી જુદી બાબતો છે. શિક્ષણનું જીવનમાં પોતાનું મહત્વ છે, તો ચારિત્રનો સારો વિકાસ પણ જરૂરી છે. ચોરીથી બચવું, પ્રામાણિકતા રાખવી, અહિંસાનું પાલન કરવું, નશામુક્ત રહેવું વગેરે સારા ચારિત્રના નિર્માણમાં મદદરૂપ થાય છે. જ્ઞાન વિના આચાર અને આચાર વિના જ્ઞાન અધૂરી વાત બની શકે. જો જ્ઞાન અને આચારની એકતા હોય, તો જીવન પૂર્ણ બનશે.
તે જ રીતે માનવ જીવનમાં પરસ્પર સહકારની વાત પણ આવે છે. શાસ્ત્રોમાં પણ લખાયું છેઃ "પરસ્પરોપગ્રહો જીવાનામ" એટલે કે માણસે જીવનમાં પરસ્પર એકબીજાના સહયોગી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. કુટુંબ હોય, તો જે શરીરથી સક્ષમ હોય તે બહાર જઈ કમાણી કરે, માતા-પિતા ઘરની સંભાળ રાખે, શિક્ષણ આપે અને બાળકોની સંભાળ રાખે. પરસ્પર સહકારની ભાવના હોવી જોઈએ, જીવનમાં પ્રામાણિકતા હોવી જોઈએ, ફાલતૂ ઝગડા ટાળવાના જોઈએ. જો જીવન નશામુક્ત અને સારા આચરણવાળું હોય, તો સફળતા ચોક્કસ  મળે છે.
એક વિદ્યાર્થીમાં જ્ઞાનરૂપી ધન સાથે આચાર અને આચરણ રૂપી ધન પણ હોય, તો તે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, માનસિક અને ભાવનાત્મક વિકાસ સાથે તેના જીવનમાં ઊંડાણ આવશે. બાળકોનો સારો આધ્યાત્મિક, ધાર્મિક અને નૈતિક વિકાસ થવો જોઈએ.મંગળ પ્રવચન બાદ આચાર્યે હાજર વિદ્યાર્થીઓને સદભાવના, નૈતિકતા અને નશામુક્તિની પ્રેરણા આપીને ત્રણ સંકલ્પ સ્વીકારવા પ્રેરિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ પણ આનંદપૂર્વક આ ત્રણ સંકલ્પ સ્વીકાર્યા હતા. આચાયર્શ્રીના સ્વાગતમાં શિક્ષકશ્રી કિરણભાઈ સોલંકીએ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી.આચાયર્શ્રીએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા હતા. આચાર્ય સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કે.કે. સંઘવી તેમજ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે.સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે.સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે. આચાર્ય મહાશ્રમણજીનો આગામી તારીખ ૨૭/૨૮ માર્ચનો પ્રવાસ વાગડના રાપર શહેર મઘ્યે તથા ૩૦/૩૧ માર્ચનો પ્રવાસ ફતેહગઢ મધ્યે રહેશે. તેવું એક યાદીમાં જણાવ્યું હતું.
-----

 

Comments

COMMENT / REPLY FROM