Trending News
સ્થાનિક સમાચાર

ગજોડ પાસે ભુજના યુવાનનો દેહ મળ્યો : ઘુંટાતું રહસ્ય

25 March



ગતરોજ તેના પિતાએ એ ડિવિઝનમાં મારામારીની ફરિયાદ લખાવેલી : રાત્રે હતભાગી યુવાને ઈન્સ્ટાગ્રામમાં વીડીયો અને નોટસ અપલોડ કરી પારીવારીક કંકાસ વર્ણવ્યો : સવારે ગજોડ ડેમ પાસે લાશ મળી : નજીકમાં છરી અને પાર્ક એક્ટિવા સાથે બેગ મળી આવ્યું : પ્રાગપર પોલીસે એફએસએલની મદદ લઈ તમામ દિશાઓમાં તપાસ આરંભી


ભુજ : પુરૂષ પરિવારને સાચવવા અને જરૂરીયાત પુરી કરવા માટે કાળી મજુરી કરી લેશે. તેના બદલામાં તેને ઘરમાં શાંતિ અને પ્રેમભાવ જોઈએ. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બની રહેલી ઘટનાઓ પુરૂષોને અંદરથી મરવા માટે મજબુર કરી દે છે. તાજેતરમાં નેવીમાં નોકરી કરતા યુવાનને તેની પત્નિએ પ્રેમી સાથે મળી હત્યા કરી ડ્રમમાં લાશ નાખી સીમેન્ટ પુરી નાખી હતી. આવી ગંભીર ઘટનાઓ વધી રહી છે. પરંતુ પુરૂષો અંદરોઅંદર સહન કરતા હોય છે. તેવામાં આજે પશ્ચિમ કચ્છમાં સામે આવેલી બે ઘટના ચિંતાજનક છે. પરિવાર માટે દિવસ - રાત મહેનત કરતા સુગારીયાનો યુવાન બીમારી સામે જિંદગીની જંગ હારી ગયો અને જે કમાવીને આપતી રોજીરોટી સમાન ટ્રકમાં અંતિમ પગલું ભર્યું હતું. બીજીતરફ ભુજમાં રહેતા યુવાનનો ગજોડ ડેમ પાસે મૃતદેહ મળ્યો છે. જેમાં હત્યા કે આત્મહત્યાના ઘુંટાતા રહસ્ય વચ્ચે આ યુવાને વીડિયો અને લેખીત સંદેશ બનાવી સોશિયલ મીડીયામાં ગત રાત્રે અપલોડ કર્યો હતો અને આજે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જે ઘટનાએ નવો વળાંક સર્જ્યો છે. 
આ બાબતે પોલીસ સુત્રોના કહેવા મુજબ મુંદરાના તુંબડી નજીક ગજોડ ડેમ પાસે આ ઘટના બની હતી. જેમાં રસ્તાની સાઈડમાં ડબલ સ્ટેન્ડ પર એક્ટિવા ચડાવેલી છે અને આગળ બેગ રાખેલું છે અને નજીકમાં છરી મળી આવી અને યુવાન લોહી લુહાણ હતો. જે રીતનું વર્ણન છે તે પ્રમાણે યુવાન નોકરીએ જતો હોય તેવું જણાઈ આવ્યું હતું. તપાસ કરાવતા તે ભુજની લાભશુભ સોસાયટીમાં રહેતો અનશુલ ધીરજભાઈ ગોહિલ હોવાનું સામે આવ્યું હતું. શરૂઆતમાં માનકુવા અને પ્રાગપર પોલીસ વચ્ચે હદની વિસંગતતા થઈ હતી, પરંતુ બાદમાં તુંબડી ગામ હોવાથી પ્રાગપર પોલીસે તપાસ આગળ ધપાવી છે. પીઆઈ ડી.ડી. સીંપીથી વાત કરતા તેમણે જણાવ્યું કે, મૃતદેહને પીએમ માટે મુંદરાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આત્મહત્યા કે હત્યા તે બાબતે એફએસએલની મદદ લેવાઈ હોવાનું ઉમેર્યું હતું. ઘુંટાતા રહસ્ય બાબતે ગઈકાલે રાત્રે ઈન્સ્ટાગ્રામ પર આ યુવાને અપલોડ કરેલો વીડીયો સોશિયલ મીડીયામાં સામે આવ્યો હતો. જેમાં પારીવારીક કંકાસથી તે ત્રસ્ત બન્યો હોવાનું જણાવે છે. વીડીયોમાં અનશુલ કહે છે કે, ભારતના કાયદા સાચા લોકોની સમર્થનમાં નથી, તમે નિર્દોષ છો એટલે જ તમે ગુનેગાર છો. હું છેલ્લા ૧૧ વર્ષથી શારીરિક - માનસિક, સોશિયલ હેરેસમેન્ટનો શિકાર બન્યો છું. જયારે તમે આ વીડીયો જોશો ત્યારે હું આ દુનિયામાં નહી હોંઉં. મારી જિંદગીમાં જે સારી પળો રહી અને જેમાં સહકાર મળ્યો તે સૌનું આભાર માનું છું અને જવાબદાર વ્યક્તિઓના નામ પણ લખ્યા હતા. ટાઈપીંગ કરીને જીવનની વાર્તા લખવામાં આવી છે. જેમાં જન્મથી લઈ અત્યાર સુધી પરિવારના સભ્યો તેમજ અન્ય લોકોએ કઈ રીતે ત્રાસ આપ્યો તે સહિતની તમામ બાબતો તેમાં વર્ણવી છે. જિંદગીથી કંટાળી જતા આ પગલું ભર્યું હોય તેમ માનવામાં આવે છે પણ પોલીસ દરેક દિશામાં તપાસ કરી રહી છે. દરમ્યાન ગતરોજ ભુજના પ્રમુખસ્વામીનગરમાં રહેતા તેના પિતાએ એ ડિવિઝનમાં પુત્ર સામે જ ઘરે આવી મકાન બાબતે મારામારી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝનમાં દાખલ થયેલી ફરિયાદ તે બાદ વીડીયો અપલોડ થવો અને સવારે દેહ મળી આવતા પોલીસ ખુદ હાલ અસમંજસતામાં મુકાઈ ગઈ છે. તમામ તાણાવાણાઓ એકત્ર કરવા સાથે પુછપરછના આધારે તપાસ આગળ ધપાવવામાં 
આવી છે.

Comments

COMMENT / REPLY FROM