આડેધડ પાર્ક થયેલા ટ્રેઈલરનો ખડકલો : ટ્રાફિક પોલીસ કયા?
સત્તાપર ફાટકના લીધે અંજાર સમીપે ટ્રાફિકની માથાફાડ પીડા : કોઈના પેટનું પાણી નથી હાલતુ?
રોજીંદા વાહનવ્યહવાર પર વિપિરત અસર : મોટરીંગ પબ્લીક ત્રાહીમામ : કિમંતી માનવકલાકો-ઈંધણનો બેફામ બગાડ : કોની બલિહારી?
રોજિંદી બનેલી ટ્રાફિક સમસ્યાથી અંજારવાસીઓ ઝંખે છે છૂટકારો : સતાપર ફાટકથી ગેટકો પાવર હાઉસ સુધી લાંબા ટ્રાફિક જામની સમસ્યા : સવારે દોઢ કલાક સુધી સર્જાયેલા ટ્રાફિકજામમાં વાહનો અટવાયા : ટ્રાફિક પોલીસની ગેરહાજરી સામે ઉઠ્યા સવાલ : દિવસ દરમિયાન ભારે વાહનોની પ્રવેશબંધીથી કળશ સર્કલ પાસે પાર્ક કરી દેવાય છે ભારે વાહનો : સમસ્યાના કાયમી ઉકેલ માટે પ્રબળ બની લોકલાગણી : તંત્રએ પણ આ બાબતે ગંભીરતાથી આગળ આવી સમસ્યાનું નિરાકરણ લાવવું જ ઘટે
અંજાર : કચ્છના ઐતિહાસિક અંજાર શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા રોજિંદગી બની છે. શહેરમાં ભારે વાહનોની પ્રવેશબંધીના નિયમના કારણે ટ્રાફિકનું ભારણ ઘટવાના બદલે શહેરની ભાગોળે આડેધડ પાર્ક કરી દેવામાં આવતા ભારે વાહનોના કારણે અવાર-નવાર લાંબો ટ્રાફિક જામ સર્જાય છે. અંજારવાસીઓ રોજિંદી બની ગયેલી ટ્રાફિકજામની સમસ્યાથી છુટકારો ઝંખી રહ્યા છે. પણ જવાબદાર તંત્રના ઉદાસિન વલણથી સમસ્યા ઠેરની ઠેર
રહી છે. આ અંગેની વ્યથા ઠાલવતા અંજારવાસીઓ જણાવી રહ્યા છે કે, અંજાર શહેરમાં યોગેશ્વર ચોકડી પાસે અકસ્માતોના અનેક બનાવો બન્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સવારે ૬ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી ભારે વાહનોને શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદી દીધો છે. દિવસમાં ૧૬ કલાક શહેરમાં ભારે વાહનોને પ્રવેશ મળતો ન હોવાથી કળશ સર્કલ પર ભારે વાહનોના થપ્પા લાગી જતા હોય છે. ટ્રેઈલર જેવા ભારે વાહનોને દિવસ દરમિયાન આડેધડ પાર્ક કરી દેવામાં આવે છે. જેના કારણે સતાપર ફાટકથી માંડીને ગેટકોના પાવર હાઉસ સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાય છે.
આજે સવારે પણ સતાપર ફાટક પાસેથી ટ્રેન પસાર થવાના સમયે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. અંદાજીત દોઢેક કલાક સુધી નાના-મોટા વાહનો અટવાઈ ગયા હતા. આ સમયે ટ્રાફિક પોલીસની ગેરહાજરી સામે પણ સવાલો ઉઠ્યા હતા. રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. કિંમતી માનવ કલાકો અને ઈંધણનો વ્યય થયો હતો. અંજારવાસીઓ માટે ટ્રાફિકજામની સમસ્યા શરદર્દ સમાન બની છે. શહેરના એકમાત્ર પ્રવેશદ્વાર પાસે આડેધડ પાર્ક કરી છોડી દેવાતા ટ્રેઈલરો સામે પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. જવાબદાર તંત્રના ઉદાસીન વલણના કારણે અંજારવાસીઓની મુસિબત ઠેરની ઠેર રહી છે. રોજિંદી બની ગયેલ ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ અંજારવાસીઓ ઝંખી રહ્યા છે.

Comments