લોકોત્તર દયા કરવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ : આચાર્યશ્રી મહાશ્રમણજી
ભુજ : માનવીના અંતરમાં નિષ્ઠુરતા અને આક્રોશ પણ હોઈ શકે છે, પરંતુ તેમાં કરુણા અને ક્ષમાશીલતા પણ રહેલી હોય છે. દયા, અનુકંપા, કરુણા અને મૈત્રી - આ બધા અહિંસાના પારિવારિક સભ્યો છે. જે માણસમાં દયા અને અનુકંપાની ભાવના હોય છે, તે હિંસાના પાપોથી બચી શકે છે અને અન્ય પાપોથી પણ બચી શકે છે. દયા અને અનુકંપાને વ્યાખ્યાયિત પણ કરી શકાય છે. એક લોકોત્તર (પરમાર્થિક) અનુકંપા-દયા હોય છે અને બીજી લૌકિક (સાંસારિક) દયા-અનુકંપા હોય છે. જ્યાં આત્માની રક્ષા કરવાનો પ્રશ્ન હોય, પાપાચરણોથી આત્માને સુરક્ષિત રાખવાનો પ્રશ્ન હોય ત્યાં દયાને લોકોત્તર દયા કહેવામાં આવે છે, જ્યારે શરીરની રક્ષા અને શરીરને બચાવવી એ લૌકિક દયા કહેવાય. બાહ્ય સંદર્ભમાં દયા લૌકિક હોય છે અને આંતરિક, આધ્યાત્મિક રૂપમાં તે લોકોત્તર બની જાય છે.
સાધુ કોઈને ચોરી, વ્યસન અથવા હિંસા-હત્યા જેવા પાપોથી બચવાનો સંકલ્પ કરાવે છે, તો એ લોકોત્તર દયા છે. જ્યારે કોઈ ગૃહસ્થ કોઈ ભૂખ્યા માણસને ભોજન કરાવે, શિયાળામાં કાંબળા કે વસ્ત્રો વહેચે, હોસ્પિટલોમાં દવાઓ અપાવે, અશક્તોને ટ્રાયસિકલ આપતો હોય, તો એ બધું લૌકિક ઉપકાર અને દયા છે. આત્માના કલ્યાણ માટે કરવામાં આવતો ઉપકાર લોકોત્તર ઉપકાર છે, જ્યારે શરીર માટે કરાતો ઉપકાર લૌકિક ઉપકાર કહેવાય.એ જ રીતે, દાન પણ બે પ્રકારનું હોય છે - એક લોકોત્તર દાન અને બીજું લૌકિક દાન. જે દાન સાધુ-સંતોને પવિત્ર ભાવથી આપવામાં આવે, જે વ્યક્તિને ધાર્મિક ગ્રંથો કે શાસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવે, તે લોકોત્તર દાન છે. સાધુઓને રહેવા માટે જગ્યા આપવી પણ લોકોત્તર દાન છે. પ્રાણીઓને અભયદાન આપવા માટે છકાય જીવહિંસા છોડવી એ પણ લોકોત્તર અભયદાન કહેવાય. જે કાર્યો આત્માની સાથે જોડાયેલા હોય તે લોકોત્તર દયા, ઉપકાર અને દાનની શ્રેણીમાં આવે છે, જ્યારે જે કાર્યો શરીર અથવા બાહ્ય સંદર્ભમાં કરવામાં આવે તે લૌકિક દયા, ઉપકાર અને દાનમાં ગણાય. જે સાધુ પોતાનું જીવન તન, મન અને વચનથી અહિંસા પર આધારિત રાખે, તેઓ દયામૂર્તિ બની લોકોના પાપકર્મોને નષ્ટ કરી શકે છે.
ગૃહસ્થ માણસ પણ પોતાના જીવનમાં શક્ય તેટલી હિંસાને ઓછી કરી શકે છે. દયા, અનુકંપા અને અહિંસાની ભાવનાને જીવનમાં પ્રબળ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી, બીજા લોકોને જ્ઞાન આપવું,મનમાં સદભાવ પ્રેરિત કરવો - એ પણ લોકોત્તર દયા અને ઉપકાર ગણાય. આમ, માનવીને આત્મિક અને આધ્યાત્મિક કલ્યાણ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ.આ પવિત્ર પ્રેરણા જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના એકાદશમ અધિશાસ્તા, શાંતિદૂત, યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીએ સોમવારે ખારોઈ ગ્રુપ પ્રાથમિક શાળામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને આપી હતી. આચાર્યશ્રીના સ્વાગતમાં ઓસવાલ સમાજ-ખારોઈ તરફથી મોતીલાલભાઈ નંદૂએ ભાવભીની અભિવ્યક્તિ આપી અને આચાયર્શ્રીના મંગલ આશીર્વાદ મેળવ્યા હતા. સોમવારના પ્રભાત સમયે શાંતિદૂત આચાર્યશ્રી મહાશ્રમણજીએ મંગલ પ્રસ્થાન કર્યું. લોકોના મનમંથન અને તનતાપ દૂર કરતાં તેઓ મંગલ યાત્રાએ નીકળ્યા. અનેક લોકો એ તેમના દર્શનનો લાભ લીધો અને મીઠી સ્મિત સાથે આશીર્વાદ પ્રાપ્ત કર્યા. યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીએ સોમવારે આશરે ૧૨ કિમીનો વિહાર કરીને ખારોઈ ગામમાં ખારોઈ ગ્રુપ પ્રાથમિક શાળાએ પધાર્યા હતા, જ્યાં તેમનો એકદિવસીય પ્રવાસ રહ્યો હતો. આચાર્યશ્રીએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા હતા. આચાર્યશ્રી સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કે.કે. સંઘવી તેમજ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે તેવું એક યાદીમાં જણાવાયું હતું.
------

Comments