ભુજ સર્કલની ૧૩૧૧ સરકારી કચેરીઓમાં સ્માર્ટ વીજ મીટર કાર્યરત
ભુજ, માંડવી અને નખત્રાણા ડિવિઝનમાં કુલ ૧૭૭૭ સ્માર્ટ મીટર લાગ્યા : તમામ સરકારી કચેરીઓમાં મીટર લગાવવાની કામગીરીનો ધમધમાટ : ભુજ ડિવિઝનમાં ૪૬૬ ખાનગી વીજ જોડાણમાં સ્માર્ટ મીટર કાર્યરત કરાયા
ભુજ : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડે હવે ડિજિટલ યુગમાં પ્રવેશ કર્યો છે. કચ્છ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી નવા વીજ જોડાણ અને સરકારી કચેરીઓમાં ડીજીટલ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પીજીવીસીએલના ભુજ સર્કલ હેઠળના ૩ ડિવિઝનમાં અત્યાર સુધી કુલ ૧૭૭૭ સ્માર્ટ મીટર કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્યમાં વીજ ગ્રાહકોના જોડાણમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં આ કામગીરી શરૂ થયા બાદ સ્માર્ટ મીટરને લઈ ભારે હોબાળો પણ થયો હતો. લોકોએ પ્રિ-પેઈડ રિચાર્જ સિસ્ટમને લઈ સ્માર્ટ
મીટરનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ વીજ કંપનીએ નીતિમાં ફેરફાર પણ કર્યો છે. ઉર્જા વિભાગના જણાવ્યા અનુસાર હાલના મેન્યુઅલ રીડિંગ મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી એક સમાન છે. સ્માર્ટ મીટરના અનેક ફાયદાઓ પણ છે. સ્માર્ટ મીટરથી વીજ ગ્રાહકોને પોતાના વીજ વપરાશની જાણકારી મોબાઈલ ફોન પર મળી શકશે. લોકોના ભારે વિરોધ બાદ વીજ તંત્રએ પ્રાથમિક તબક્કામાં તમામ સરકારી કચેરીઓના વીજ કનેકશનોમાં ડીજીટલ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી શરૂ કરી છે.
પીજીવીસીએલ દ્વારા ભુજ સર્કલના ભુજ, માંડવી અને નખત્રાણા ડિવિઝન વિસ્તારમાં આવેલી ૧૩૧૧ સરકારી કચેરીઓમાં જુના મીટર બદલાવી નવા સ્માર્ટ મીટર કાર્યરત કર્યા છે. જેમાં ભુજ ડિવિઝનમાં ૩૭૦, માંડવી ડિવિઝનમાં ૧પપ અને નખત્રાણા ડિવિઝનમાં ૭૮૬ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે. આ ઉપરાંત ભુજ ડિવિઝનમાં ૪૬૬ અન્ય ખાનગી વીજ જોડાણમાં સ્માર્ટ મીટર કાર્યરત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ભુજ સર્કલમાં કુલ ૧૭૭૭ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આગામી દિવસોમાં જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં ડીજીટલ સ્માર્ટ મીટર કાર્યરત કરવામાં આવશે.’
...............
મેન્યુઅલ મીટર નીકળી જતાં કેટલીક કચેરીઓને મળી નોટીસ.. !
ભુજ : ભુજ સર્કલના ત્રણ ડિવિઝનમાં હાલે સરકારી કચેરીઓમાંથી જુના મેન્યુઅલ વીજ મીટરની બદલે નવા ડીજીટલ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે, તયારે જુનુ વીજ મીટર તંત્ર દ્વારા કાઢી લેવાયા બાદ કેટલીક સરકારી કચેરી અને આરોગ્ય સબ સેન્ટરોને વીજ જોડાણ કપાયાની નોટીસ મળતાં અચરજ ફેલાયું હતું. સ્માર્ટ મીટર લગાવવા માટે જુનું વીજ મીટર રદ થતાં કચેરીઓને વીજ જોડાણ કટ થયાની નોટીસ મળી હતી. વીજતંત્ર દ્વારા જ સ્માર્ટ મીટર લગાવવા જુનું મીટર કાઢવામાં આવ્યું હોવા છતાં નોટીસ મળતાં વીજ તંત્રની કામગીરી સામે અચરજ ફેલાયું છે.
.............
નવા વીજ જોડાણમાં હવે સ્માર્ટ મીટર લાગશે
ભુજ : પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા જુના વીજ મીટરોને નવા સ્માર્ટ મીટરમાં બદલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કચ્છમાં પ્રાથમિક તબક્કે સરકારના વિવિધ વિભાગોની કચેરીઓમાં નવા ડીજીટલ સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યા છે. આ સાથે જ નવા વીજ જોડાણ મેળવનાર ગ્રાહકોના કનેકશનમાં પણ હવે જુના મીટર નહીં પરંતુ સ્માર્ટ મીટર લગાડવામાં આવશે. ભુજ ડિવિઝનમાં અત્યાર સુધીમાં ૪૬૬ ખાનગી વીજ કનેકશનમાં ડીજીટલ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે.

Comments