વટવા ક્રેન અકસ્માત : કચ્છની તમામ ટ્રેનો પ્રભાવિત
ગઈકાલે મુંબઈથી રવાના થયેલી સયાજીનગરી, કચ્છ એકસપ્રેસ, એસી એકસપ્રેસ પોતાના નિર્ધારીત સમયથી કલાકો થઈ મોડી : શાલીમાર એકસપ્રેસ સૌથી વધુ ૧૧ કલાક વિલંબીત : કચ્છથી મુંબઈ તરફ દોડતી તમામ ટ્રેનો પણ અટવાઈ
બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન સર્જાઈ દુર્ઘટના : અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે દોડતી ૨૫ ટ્રેન રદ, અન્ય ૧૧ રિશિડ્યુલ-ડાયવર્ટ
ભુજ : ગઈકાલે રાતે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક એકાએક બુલેટ ટ્રેનની કામગીરી સમયે વિશાળ ક્રેન ધસી પડતા રેલ વ્યવહાર બાધીત થયો હતો. મુંબઈથી કચ્છ આવતી તમામ ટ્રેનો મોડી પડી હતી. તો ભુજથી રાત્રે ઉપડેલી કચ્છથી મુંબઈ તરફ જતી ટ્રેનો પણ પ્રભાવિત થઈ હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર બુલેટ ટ્રેનના પિલ્લર ઉપર મૂકવામાં આવેલી ક્રેન અચાનક જ કોઈ કારણોસર ધરાશાયી થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં રેલવે ટ્રેકને નુકશાન થવાના કારણે ટ્રેનોની અવરજવરને અસર પહોચી હતી. વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજીનગરી, એકતાનગર- અમદાવાદ સહિતની ૧૦ ટ્રેનોને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવાઈ હતી. હાલ અપલાઈન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉન લાઇન બંધ છે, જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનોને રદ્ કરવી પડી છે. અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે દોડતી ૨૫ ટ્રેનોને રદ કરવામાં આવી છે. તો ૫ ટ્રેનોના સમય બદલાય છે, જ્યારે ૬ ટ્રેનોને અન્ય રૂટથી દોડાવવામાં આવી રહી છે. ગઈકાલે મુંબઈથી ઉપડેલી સયાજીનગરી એકસપ્રેસ આજે તેના નિર્ધારીત સમયથી ત્રણ કલાક મોડી ભુજ પહોચી હતી. સયાજીનગરી આજે સવારે ૬.૩૦ કલાકના બદલે ૯.૩૬ કલાકે ભુજ પહોચી હતી જયારે બરેલી એકસપ્રેસ તેના નિર્ધારીત સમય ૮.પ૦ ના બદલે ૧૦.ર૬ ભુજ પહોંચી હતી. કચ્છ એકસપ્રેસ ટ્રેન બપોરે ૧ર કલાકના અરસે ભુજ પહોંચી હતી. મુંબઈથી નિકળેલી એસી એકસપ્રેસ ટ્રેન પણ ત્રણ કલાકથી વધુ મોડી પડી હતી. શાલીમાર એેકસપ્રેસ સૌથી વધારે પ્રભાવિત થઈ હતી. આ ટ્રેન તેના નિર્ધારીત સમયથી ૧૧ કલાક લેટ થઈ હોવાનું ભુજ રેલવે સ્ટેશનના ડેપ્યુટી સ્ટેશન સુપરવાઈઝર પ્રશાંત જાખડે જણાવ્યું હતું. મુંબઈથી નિકળેલી તમામ ટ્રેનો ભુજ આવી પહોંચ્યા બાદ આજે સાંજે તમામ ટ્રેનો તેમના નિર્ધારીત શેડયુઅલ અનુસાર રવાના થશે. જો કે ગઈકાલે ભુજથી રવાના થયેલી ટ્રેનો લેટ પડી હોવાનું તેમણે જણાવ્યું હતું. કચ્છ રેલવે પ્રવાસી સલાહકાર સમિતિના પ્રબોધભાઈ મુનવરે વિગતો આપતા જણાવ્યું હતું કે, તેઓ મુંબઈથી ગઈકાલે એસી એક્સપ્રેસ ટ્રેનમાં રવાના થયા હતા. પરંતુ આ ટ્રેન ક્રેન અકસ્માતના કારણે મોડી ચાલી રહી છે. સવારે ૧૧.૩૦ કલાકે ગાંધીધામ પહોંચવાના બદલે આ સમયગાળા દરમ્યાન ટ્રેન વડોદરા હોવાનું તેમણે જણાવ્યું હતું.
----
રેલવે પ્રવાસીઓ માટે હેલ્પ ડેસ્ક શરૂ કરાયું
અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલવે વ્યવહારને અસર થતા રેલવે વિભાગ દ્વારા અમદાવાદ, સાબરમતી, વિરમગામ મહેસાણા, ગાંધીધામ અને પાલનપુર રેલ્વે સ્ટેશનના રેલવે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેના પરથી ટ્રેનોની અવરજવર અંગેની માહિતી લોકો મેળવી શકશે.
------

Comments