Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં સસ્તા અનાજના દુકાનદારો બીપીએલ કાર્ડધારકોનું રાશન કરે છે સગેવગે

23 March



નવા બીપીએલ કાર્ડ ઈસ્યુ થવાના થયા બંધ : જેની પાસે બીપીએલ કાર્ડ છે તે પૈકી મોટા ભાગના સધ્ધર હોવાથી દુકાનદારો ‘અનાજ આટલું જ મળશે..’ કહી સસ્તા અનાજની દુકાનના ધારકો જ માલ બારોબાર વેચી નાખતા હોવાની બૂમરાડ


ભુજ : સરકાર દ્વારા રાશનકાર્ડમાં એપીએલ અને બીપીએલ યોજના લાગુ કરવામાં આવી જેમાં અતિ ગરીબ પરિવારનો બીપીએલ યોજનામાં સમાવેશ કરાયો, જેમાં વધુ રાશન ઉપરાંત અન્ય સરકારી લાભો મળે છે. હાલમાં નવા બીપીએલ કાર્ડ ઈસ્યુ થવાનું બંધ થઈ ગયું પણ જેની પાસે બીપીએલ કાર્ડ છે તે પૈકી મોટા ભાગનાને રાશન મળતુ નથી, જેમાં બન્ને પક્ષે એક -બીજાના હાથ દબાયેલા છે. આ બાબતે મળતી વિગતો મુજબ મોટે ભાગે જેની પાસે બીપીએલ કાર્ડ છે તેમના સરકારી રેકર્ડ પ્રમાણે પાકું મકાન નથી, વાહનો નથી, ફ્રીઝ નથી અને અત્યંત ગરીબ છે. જો કે વાસ્તવિકમાં ચિત્ર કંઈ અલગ છે. ઘણા પરિવારો સાચે ગરીબ છે, તેઓના રાશનકાર્ડ બનતા નથી અને જે રાશન મેળવે છે તેમાં અમુક પરિવાર સરકારની ગરીબીની વ્યાખ્યામાં આવતા નથી. મહત્વની બાબત એ છે કે, જે તે બીપીએલ ઈસ્યુ થયા ત્યારે ભલામણ અને લાગવગના આધારે સૌના કાર્ડ બની ગયા હવે અંદરખાને શરત એવી મુકાઈ ગઈ દુકાનદારો બીપીએલ કાર્ડધારકોને કહે છે કે તમને રાશન આટલું જ મળશે. કારણ કે અમને ખબર છે તમે બીપીએલના સાચા લાભાર્થી નથી, છતાં કાર્ડ ધરાવો છો. અન્ય લાભો મેળો પણ રાશન આટલું જ મળશે તેમ સ્પષ્ટ કહી દેવાય છે. તેમજ લાભાર્થી પણ અન્ય સરકારી લાભો મેળવવા માટે રાશન જતું કરે છે અથવા પ૦ - રપ ટકા જે માલ મળે તે લઈ લે છે. બાદમાં આ રાશન દુકાનદારો દ્વારા બહાર બજારમાં વેચી દેવામાં આવતું હોવાનો ગણગણાટ સંભળાઈ રહ્યો છે. સરકારી અને ઘઉં અને ચોખા જે લાભાર્થીને બે થી પાંચ રૂપિયામાં મળે છે તે બહારથી ર૦ થી રર રૂપિયામાં વેચાય છે. 
કચ્છમાં સસ્તા અનાજની દુકાનોમાં ફાળવાતો જથ્થો બારોબાર જ વેચી મરાતો હોવાના કિસ્સા અનેક વખત પ્રકાશમાં આવી ચુકયા છે. ભુજમાં એ ડિવિઝન પાસેથી ટેમ્પોમાં ઘઉં - ચોખા પકડાયા અને બાદમાં ભીડ નાકાની દુકાન સુધી રેલો પહોંચ્યો તે તાજું ઉદાહરણ છે. અગાઉ પણ મસમોટા પ્રકરણો જિલ્લામાં અવારનવાર બનતા હોવા છતાં તેના મુળિયા ઉલેચવામાં આવી રહ્યા ન હોઈ આ પ્રકારની પ્રવૃતિ અવિરત પણે ચાલી રહી છે. અમુક સસ્તા અનાજની દુકાનો ઉપર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અનાજનો પુરવઠો લેવા જાય ત્યારે દુકાનદાર દ્વારા ફક્ત એક જ જવાબ આપવામાં આવી રહ્યો છે કે ઉપલીકક્ષાએથી પુરતો જથ્થો ફાળવવામાં આવ્યો ન હોઈ એટલે કાર્ડ દીઠ જથ્થો ઓછો આપવામાં આવી રહ્યો છે. જિલ્લાના શહેરી વિસ્તારોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની પ્રવૃતિ વધુ હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આ મામલે પુરવઠા અધિકારી સહિતના જવાબદારો દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક લોભીયા વેપારીઓના પગ નીચે રેલા આવી શકે તેમ છે. 

...........

 

Comments

COMMENT / REPLY FROM