ગુજકેટ પ્રથમસત્ર : ભુજમાં ૧૭૩૯ છાત્રોએ આપી પરીક્ષા
કચ્છના ૯ પરીક્ષા કેન્દ્રોના ૯૪ બ્લોકમાં ચૂસ્ત બંદોબસ્ત સાથે ત્રણ સત્રમાં લેવાશે પરીક્ષા : ગુજરાતી માધ્યમના ૭૬૭, અંગ્રેજી માધ્યમના ૧૦૪૯ અને હિન્દી માધ્યમના ૩ વિદ્યાર્થીઓ નોંધાયા
ભુજ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજરોજ કોમન એન્ટ્રસ ટેસ્ટ (ગુજકેટ) લેવામાં આવી હતી. કચ્છમાં ભુજ ખાતે ૯ પરીક્ષા કેન્દ્રો પર ચૂસ્ત સુરક્ષા વ્યસ્થા સાથે ત્રણ સેશનમાં ગુજકેટ લેવાનું આયોજન ગોઠવાયું છે. આજે સવારના સત્રમાં ૯ પરીક્ષા કેન્દ્રોના ૯પ બ્લોકમાં પરીક્ષા શાંતિપૂર્ણ પરીક્ષા લેવાઈ હતી, જેમાં નોંધાયેલા કુલ ૧૮રર છાત્રો પૈકી ૧૭૩૯ છાત્રોએ પરીક્ષા આપી હતી. જયારે ૮૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ૧ર બ્લોકમાં ૧૯૩, ઈન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ૧૧ બ્લોકમાં ર૧૮, વી.ડી. હાઈસ્કૂલમાં ૧૦ બ્લોકમાં ૧૯ર, માતૃછાયા વિદ્યાલયમાં ૧૦ બ્લોકમાં ૧૮૧, જૈનાચાર્ય અજરામરજી હાઈસ્કૂલમાં ૧૦ બ્લોકમાં ૧૮૩, મુસ્લિમ એજ્યુ. સ્કૂલમાં ૧૦ બ્લોકમાં ૧૮૯, આર.ડી. વરસાણીના ૧૦ બ્લોકમાં ૧૯૩ , સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયમાં ૧ર બ્લોક પર રરપ અને મા આશાપુરા સ્કૂલમાં ૧૦ બ્લોક પર ૧૬પ વિદ્યાર્થીઓએ પ્રથમ સત્રમાં પરીક્ષા આપી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાઈ હતી. કેન્દ્ર સંચાલકો હેતલબેન પોકાર, બેલાબેન મહેતા, એન.એચ. ઝાલા, બિનાબેન માનસતા, અનિલ ગુંસાઈ, જે.આઈ. ટાંક, ખુશ્બુબેન ચાવડા, કોમલબેન ડી. ઠક્કર, જતીન દવેએ વ્યવસ્થા સંભાળી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજકેટની પરીક્ષા માટે એ - ગ્રુપમાં ૭૪પ, બી ગ્રુપમાં ૧૦૬૬ અને સી ગ્રુપમાં ૮ વિદ્યાર્થીઓ સહિત ૧૮૧૯ વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં ૯૧૮ કુમાર અને ૯૦૧ કન્યાઓનો સમાવેશ થયો છે. માધ્યમ વાઈઝ વિદ્યાર્થીઓની સંખ્યા અનુસાર ગુજરાતી માધ્યમમાં ૭૬૭, અંગ્રેજી માધ્યમમાં ૧૦૪૯ અને હિન્દી માધ્યમમાં ૩ વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષા માટે નોંધાયા છે.
..........

Comments