Trending News
સ્થાનિક સમાચાર

આત્મા માટે સત્યતા અને મૈત્રી ભાવના ઉત્તમ : આચાર્ય મહાશ્રમણજી

22 March


જ્યોતિચરણના પદાર્પણથી પાવન બન્યું ભચાઉનું સ્વામિનારાયણ ગુરુકુલ

ભુજ : કચ્છની પવિત્ર ધરા હાલમાં જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના તેજસ્વી મહાસૂર્ય, શાંતિદૂત, યુગપ્રધાન આચાર્ય મહાશ્રમણજીના પાવન ચરણો દ્વારા પવિત્ર બની રહી છે. કચ્છના મોટાં શહેરો અને નગરો જ નહીં, પણ ગામડાઓ પણ પાવન બની રહ્યાં છે. ખારા પાણીથી ભરેલાં આ પ્રદેશમાં, આચાર્યના પવિત્ર મુખેથી સતત વહેતી જ્ઞાનગંગા જનમાનસને ભીંજવી રહી છે. તેઓ જનમાનસને શુભાશિષ અને દર્શનનો લાભ આપીને ફરી પૂર્વ દિશા તરફ ગતિમાન થઈ રહ્યાં છે.
શનિવારની વહેલી સવારે આચાર્ય મહાશ્રમણજીએ પોતાની ધવલસેના સાથે નાની ચિરાઈથી મંગલ વિહાર કરી લોકોને શુભાશિષોથી આચ્છાદિત કરતા લગભગ અગિયાર કિલોમીટરના પગપાળા વિહાર બાદ ભચાઉમાં આવેલ સ્વામિનારાયણ ગુરૂકુલમાં પધાર્યા હતા. આચાર્યના આગમનથી ત્યાંના લોકો ખૂબ જ આનંદિત થયા અને હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું હતુ.
સ્વામિનારાયણ ગુરુકુલના પરિસરમાં આયોજિત પ્રભાતીય મંગલ પ્રવચન કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓનેઆચાર્ય મહાશ્રમણજીએ મંગલ પાથેય પ્રદાન કરતાં જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં બે વાતો જણાવવામાં આવી છે. સ્વયં સત્યની શોધ કરો અને સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ રાખો.સત્યની શોધ કરવી મુશ્કેલ હોઈ શકે, પરંતુ જે સત્યને શોધી લે છે, તે સર્વજ્ઞ બની જાય છે. તીર્થંકર સર્વજ્ઞ અને કેવલજ્ઞાની હોય છે. તેમને બીજાના આધારની જરૂર પડતી નથી. સત્યના સાક્ષાત્કારનું મહત્વ એ છે કે તેમાં અન્ય કોઈનો આધાર લેવાની જરૂર નથી પડતી.
જ્ઞાનએ આંખ જેવું છે, અને વ્યક્તિએ પોતાના જ્ઞાનના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. વ્યક્તિએ પ્રત્યેક જીવમાત્ર માટે મૈત્રીભાવ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. અનાવશ્યક કોઈપણ પ્રાણીની હિંસા ટાળવી જોઈએ. સૌ પ્રત્યે કરૂણા રાખવી જોઈએ અને મૈત્રીભાવ વિકસાવવા માટે પ્રયાસ કરવો જોઈએ. ગૃહસ્થ જીવનમાં શક્ય તેટલી આવશ્યક હોય તે સિવાય કોઈ જીવહિંસા ન થાય એ જોવું જોઈએ. મૈત્રીભાવ દ્વારા આત્મા શ્રેષ્ઠ બની શકે છે, અને સત્ય સાધનાથી આત્મા પવિત્ર રહે છે.
મંગલ પ્રવચન બાદ ગુરૂકુલના શાસ્ત્રી કૃષ્ણદાસજી સ્વામી, ટ્રસ્ટી તથા ભચાઉ ભાજપના પ્રમુખ વાઘજીભાઈ આહીર, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહે પોતાની શ્રદ્ધાસિક્ત ભાવનાઓ વ્યક્ત કરી હતી. આચાર્યએ સૌને મંગલ આશીર્વાદ આપ્યા હતા. આચાર્ય સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કે.કે.સંઘવી તેમજ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે. સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે. તેવું એક યાદીમાં આચાર્ય મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ભુજના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
----

Comments

COMMENT / REPLY FROM