પૂર્વ કચ્છ પોલીસે ગુનેગારોને ભેગા કરી બીજીવાર ગુનો ન આચરવા સમજાવ્યા
શિણાય પોલીસ હેડ કવાર્ટર ખાતે એસપીની હાજરીમાં ગુનેગારોનું ઈન્ટ્રોગેશન કરાયું
ગાંધીધામ : હાલમાં ડીજીપી તરફથી અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે. પૂર્વ કચ્છમાં ખાસ કરીને મારામાર સહિતના બનાવો બનતા હોવાથી આ પ્રમાણેના ગુના અટકાવવા માટે પૂર્વ કચ્છ પોલીસે વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી યાદી મંગાવી ગુનેગારોને શિણાય પોલીસ હેડ કવાર્ટર ખાતે ભેગા કર્યા હતા. જયાં એસપી સાગર બાગમાર દ્વારા આરોપીઓનું ઈન્ટ્રોગેશન કરાયું હતું. મારામારી અને મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલા આરોપીઓ એક બાદ એક પોતાનું નામ અને ગુના કહી હવે ગુનો આચરશું નહીં તે પ્રમાણેની બાંહેધરી આપી હતી. તમામના કાન પણ પકડાવાયા હતા. શિણાય હેડ કવાર્ટરમાં કુલ્લ ર૪૩ વ્યક્તિઓનું ઈન્ટ્રોગેશન કરાયું હતું. જિલ્લા પોલીસવડા સાગર બાગમારે જણાવ્યું કે, છેલ્લા ચાર - પાંચ વર્ષ દરમ્યાન ગુનો આચરનાર લોકોને બોલાવવામાં આવ્યા હતા. હાલમાં તેઓ શું કરે છે ? અને બીજીવાર ગુનો ન આચરવા સમજાવી રીપીટ ક્રાઈમ હિસ્ટ્રી ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં ક્રાઈમ રેશીયો ઘટે અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પગલા ભરવામાં આવી રહ્યા છે.
..........
ગુનેગારોમાં અંદરોઅંદર કચવાટ ફેલાયો
દરમ્યાન ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે હેડ કવાર્ટરમાં જે ગુનેગારો ભેગા થયા હતા, તેમાં અમુક આવ્યા અને અમુક બચી ગયા હતા. જેથી અંદરો અંદર કચવાટ ફેલાયો હતો. તેમજ હાજર ખાખીધારીઓમાં હાજર ન રહેલા ગુનેગારોની ચર્ચાઓ થઈ હતી.
.........

Comments