ભુજના ચીટરોની પોલીસને ખુલ્લી ચેતવણી ‘રોક શકો તો રોક લો’
માધાપરમાં મહારાષ્ટ્રના ઈજનેર યુવાનને એકના ત્રણ લાખ આપવાનું કહી શીશામાં ઉતારી દેેવાયો : ઉપર - નીચે અસલી અને વચ્ચે કોરા કાગળીયા ભરી બંડલ ધાબડી દેવાયું : ચીટરોએ ધમકી પણ આપી કે પોલીસમાં ફરિયાદ કરીશ તો મારી નાખશું
ભુજ : તાજેતરમાં ભુજના સસ્તા સોનાના ચિટરો સામે ગુજસીટોકનો ગુનો દાખલ થયો, તે બાદ ગતરોજ સંગઠીત ગેંગનો વધુ એક ગુનો દાખલ કરાયો પરંતુ ચીટરો જાણે પોલીસને લલકાર ફેંકતા હોય તેમ ‘રોક શકો તો રોક લો’ તેમ મામલા સામે આવી રહ્યા છે. ભુજ બી ડિવિઝન પોલીસની હદમાં કર્ણાટકના યુવાનને સસ્તા સોનાના નામે ર૬ લાખમાં નવડાવી દેવાયો તેમાં આરોપી મળતા નથી, ત્યાં હવે માધાપરમાં એક ના ત્રણ લાખ કરવામાં મહારાષ્ટ્રના ઈજનેરે લાખ રૂપિયા ગુમાવતા ફરિયાદ નોધાઈ છે.
મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રના સતારામાં રહેતા સ્વપ્નીલ વિનાયક માનેએ ફેસબુકમાં હેમંત સોનીના એકાઉન્ટ પર પોસ્ટ થયેલો વીડીયો જોયો હતો. જેમાં એક લાખના ત્રણ લાખ આપવાનો વાયદો કરાયો હતો.
સ્વપ્નીલે રસ દાખવતા સામાવાળાએ ભુજ બોલાવ્યો, રેલ્વે સ્ટેશન પર નંબર પ્લેટ વગરની એકસેસ ગાડીમાં એક યુવક આવ્યો જેનું નામ ફારૂક અનવર મોખા હતુું. તે યુવાનને યક્ષ મંદિર લઈ ગયો, જયાં હનીફ ઓસમાણ સમેજા નામનો ચીટર હાજર હતો. હનીફે રોકડા એક લાખ લીધા અને પ્લાસ્ટિકના કવરમાં વીટાળેલું ચલણી નોટોનું બંડલ મુકીને ભાગી ગયા હતા. સ્વપ્નીલે કવર હટાવીને જોતા ઉપર નીચે અસલી અને વચ્ચે કોરા કાગળીયા હતા. ફોન કરતા આરોપીએ ધમકી આપી કે તારી આખી જિંદગી જેલમાં જશે. અહીંથી નિકળી જા, તને જીવતો મારી નાખશું. ફરિયાદી પોતાના ઘરે પહોંચી ગયો પરંતુ ભુજની ચીટર ગેંગ વિશે જાણ્યા પછી માધાપર પોલીસ સ્ટેશને દાખલ કરાવી હતી.
.......
ચિટર ગેંગને જડમુળથી ડામવા માટે શું ગાંધીનગરથી એસએમસીને આવવું પડશે ?
ભુજમાં ચિટર ગેંગના સાગરીતોનો રાફડો ફાટયો છે. સસ્તા સોના અને નકલી નોટના નામે રાજય બહારના લોકોને શીશામાં ઉતારતા હોય છે. ફેસબુકમાં અલગ અલગ વીડીયો પોસ્ટ કરી છેતરપીંડી માટે આકર્ષવામાં આવે છે. પોલીસ માત્ર ગુનો દાખલ કરવા સિવાય અન્ય કોઈ પગલાં ભરતી નથી. જેના પરિણામે ચિટરો ફાટીને ફુલેકે ચડયા છે. એક ગુનામાં છુટી બીજો ગુનો આચરે એમ રીઢા બની ગયા છે. જડમુળથી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ચિટરોનો ચોર - પોલીસનો સીલસીલો ચાલુ જ રહેશે. પોલીસની જ છત્રછાયામાં આ ચિટરો ફાટીને ફુલેકે ચડયા છે. હવે તેઓને ડામવા માટે શું ગાંધીનગરથી એસએમસીને આવવું પડશે ? તેવો ગણગણાટ પણ સંભળાઈ રહ્યો છે.
.........

Comments