માધાપરની મોડેલ સ્કૂલની જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી
જિલ્લામાં શિક્ષણ જગતની સાથે સાથે માધાપરના ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં આનંદ - ઉત્સાહનો માહોલ : શાળા વિકાસ માટે સરકાર તરફથી રૂપિયા એક લાખનું પારિતોષિક અને મોમેન્ટો અર્પણ થશે
ભુજ : ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગની કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા દર વર્ષે શાળાઓની કામગીરીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે જિલ્લા અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરી શિક્ષણ વિકાસ માટે પુરસ્કૃત કરવામાં આવે છે. ભુજ તાલુકા અને શિક્ષણ જગત માટે આનંદની વાત છે કે ચાલુ વર્ષે પાટનગર ભુજના પરા સમાન માધાપરની મોડલ સ્કૂલની જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામી છે.
‘નવીનીકરણ દ્વારા શિક્ષણની ઉચ્ચ ગુણવત્તાના પ્રવાહો સાથે જોડાઈ રહેવું’ તેવા ધ્યેયની સાથે માધાપર ગામે આવેલી મોડલ સ્કૂલની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થતા શાળા પરિવાર, વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને વિશેષ કરીને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં આનંદ ઉત્સાહ અને ગર્વની લાગણી ફેલાઈ છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ ઉચ્ચ સિદ્ધિ બદલ રૂપિયા ૧ લાખનું વિશેષ પારિતોષિક અને મોમેન્ટો શાળા વિકાસ માટે આપવામાં આવશે.
શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની વિવિધ પ્રવૃત્તિઓમાં આ શાળા ભૂતકાળમાં પણ સમગ્ર જિલ્લા અને રાજ્યકક્ષાએ નામના મેળવી ચૂકી છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષાઓના પરિણામમાં વર્ષોથી માધાપરની આ મોડેલ સ્કૂલ ૯૦ ટકા આસપાસની સફળતા મેળવતી રહી છે. એક સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાને આ પારિતોષિક મળતા તેની સિદ્ધિઓમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. રમતગમતનું વિશાળ મેદાન, વૃક્ષોથી આચ્છાદિત વિશાળ પ્રાંગણ, શાંત વાતાવરણ, વિજ્ઞાનની અદ્યતન પ્રયોગશાળાઓ, કોમ્પ્યુટર લેબ, સમૃદ્ધ પુસ્તકાલય, સભાખંડ, સ્વચ્છતાસભર શાળા, ઇકોક્લબની પ્રવૃત્તિઓ તથા યોગ્ય લાયકાત ધરાવતો સ્ટાફ પરિવાર આ સંસ્થાની ઓળખ છે. શાળાને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બનાવવા તેમજ સરકારશ્રી દ્વારા મળતા તમામ લાભો વિદ્યાર્થીઓને મળી રહે તે માટે આચાર્ય સતત પ્રયત્નશીલ છે. સરકારના શિક્ષણની ગુણવત્તાના તમામ માપદંડોમાંથી સફળતાપૂર્વક પસાર થઈ જિલ્લાની શ્રેષ્ઠ શાળા બનતા સમગ્ર શાળા પરિવારને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.
શ્રેષ્ઠ શાળાનું પારિતોષિક મળતા જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે શાળાના આચાર્ય વિજયભાઈ કાલરીયા તેમજ સમગ્ર શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા. શાળાના આચાર્યે સફળતાનો યશ શાળાના વિદ્યાર્થીઓની સખત મહેનત, શિક્ષકોની નિષ્ઠા, પ્રામાણિકતા તેમજ વિદ્યાર્થીઓ પ્રત્યેની વફાદારી અને સમર્પણ ભાવનાને બિરદાવી હતી. આ સફળતા સુધી શાળાને લઈ જવામાં હંમેશા માર્ગદર્શક બની રહેલા જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારનો સહયોગ બદલ આભાર માન્યો હતો.
----

Comments