Trending News
સ્થાનિક સમાચાર

અસામાજીક તત્ત્વોની ગેરકાયદે મિલ્કતો પર ‘દાદા’નું બુલડોઝર ફરી વળ્યું

21 March


વરસામેડીમાં લાખાપરના બુટલેગરનું દબાણ તોડી પડાયું


અંજાર પીઆઈ એ.આર.ગોહિલની ટીમનો સપાટો : લાખાપરના બુટલેગરે વરસામેડીના અંબાજીનગર - ૧ ખાતે ઓરડી બનાવી ભાડે આપી હતી : ગેરકાયદે મકાન હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાયું ધ્વસ્ત : શિકારપુર બાદ પૂર્વ કચ્છ પોલીસની બીજી કાર્યવાહી



ભુજ : રાજયમાં અસામાજીક તત્વોની યાદી બનાવી ગેરકાયદે મકાન, વીજ કનેક્શન કાપી કડક કાર્યવાહી સુચના અન્વયે શિકારપુરમાં માથાભારે શખ્સનુ મકાન તોડી પાડવામાં આવ્યું જે બાદ આજે અંજાર પોલીસ દ્વારા વહીવટી તંત્રને સાથે રાખી વરસામેડીમાં બુટલેગરે બનાવેલું મકાન તોડી પાડવામાં આવ્યું હતું. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મુળ અંજાર તાલુકાના લાખાપરના હાલે વરસામેડીમાં રહેતા બુટલેગર સુજા દેવા રબારી સામે દારૂના ૧૭થી વધુ ગુના નોંધાયેલા છે. તેમણે વરસામેડીમાં અંબાજીનગર - ૧ ના ગેટ પાસે ગ્રામ પંચાયતની સરકારી જમીન પર ઓરડી બનાવી ભાડે આપવા સાથે પોતાના રહેવા માટે ઉપયોગ કરતો હોવાનું જણાઈ આવતા મહેસુલી વિભાગને સાથે રાખી આ દબાણ દુર કરવામાં આવ્યું છે. કુલ્લ ર૦૦ મીટર દબાણ દૂર કરાયું છે. જેની કિંમત અંદાજે ર૦ લાખ રૂપિયા આંકવામાં આવી છે. પૂર્વ કચ્છમાં પોલીસની ધાક બેસાડતી કાર્યવાહીથી ફફડાટ ફેલાયો છે.




...................

પશ્ચિમ કચ્છ પોલીસ હજુ પા પા પગલી ભરે છે

ખુદ ડીજીપીએ ૧૦૦ કલાકની અંદર અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવાની સુચના આપી છે. જેના ૭ર કલાકમાં જ એસએમસીએ માથાભારે શખ્સોનું લીસ્ટ બનાવી જાહેર કર્યું જેમાં પૂર્વ કચ્છના બે બુટલેગરોના દબાણ પણ સામેલ હતા. તે પૈકી એક બુટલેગરને ગાંધીધામ એલસીબીએ પાસામાં ધકેલી દીધો અને ગામે ગામ વીજ કનેક્શન કાપવા સાથે બે સ્થળોએ દબાણ પણ દૂર કરવામાં આવ્યા છે. ડીજીપીએ અસામાજીક તત્વોએ વસાવેલી મિલ્કતમાં ગેરકાયદે વીજ કનેક્શન કાપવા, દબાણ તોડવા, પાસા, હદપાર સહિતની કડક કાર્યવાહીની તાકીદ કરી છે. પરંતુ પશ્ચિમ કચ્છમાં જાણે સબ સલામત હોય તેમ પશ્ચિમ કચ્છના મોટા ભાગના પોલીસ સ્ટેશનો દ્વારા નામ માત્રની કામગીરી થઈ નથી. અમુક થાણાઓએ વીજ કનેકશન કપાવ્યા છે. પશ્ચિમ કચ્છમાં કેબલ ચોરી, ખનીજ ચોરી અને દેશી દારૂના ધંધાનો ગેરકાયદે વેપલો ફુલ્યો ફાલ્યો છે ત્યારે આ સંલગ્ન આરોપીઓ પર કયારે કાર્યવાહી થશે તેવું લોકો પુછી રહ્યા છે. 

 

Comments

COMMENT / REPLY FROM