સ્વવશતા સુખ અને પરવશતા દુઃખ : આચાર્ય મહાશ્રમણજી
ગાંધીધામ : ભારતના પશ્ચિમ તટે ખારા સમુદ્ર કિનારે સ્થિત ગાંધીધામમાં પંદર દિવસ સુધી અધ્યાત્મની અમૃતમયી ગંગાનો પ્રવાહ વહાવ્યા બાદ જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના વર્તમાન અધિશાસ્તા, ભગવાન મહાવીરના પ્રતિનિધિ, અખંડ પરિવ્રાજક આચાર્યશ્રી મહાશ્રમણજીએ ગાંધીધામના રિવેરાથી મંગલ પ્રસ્થાન કર્યું હતુ. પોતાના આરાધ્યની મહાન કૃપાથી ભીંજાયેલા ગાંધીધામવાસીઓએ પોતાના આરાધ્ય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સર્વ પર મંગલ આશીર્વાદ વરસાવતા આચાર્યશ્રીએ પોતાની ધવલ સેનાની સાથે પોતાના ચરણો આગળ ગતિમાન કર્યા હતા.
આચાર્યશ્રી આશરે ૧૧ કિ.મી.નો વિહાર કરીને પડાણા સ્થિત પાઈન ઈન્ડિયા સંકુલમાં પધાર્યા હતા.ત્યાંની સંસ્થા સાથે સંકળાયેલા લોકોએ ભાવભીના સ્વાગત સાથે તેમનું ભવ્ય અભિવાદન કર્યું હતુ. આ સંકુલમાં યોજાયેલા મુખ્ય પ્રવચન કાર્યક્રમમાં હાજર શ્રદ્ધાળુઓને શાંતિદૂત આચાર્યશ્રીએ પાવન આશીર્વાદ પ્રદાન કરતાં કહ્યું હતું કે જૈન ધર્મ એ એવો ધર્મ છે, જ્યાં નવ તત્ત્વોની વાત છે, અહિંસાની વાત છે અને સમતાની વાત પણ છે. અધ્યાત્મની સાધનાનું પ્રાણતત્ત્વ સમતાની સાધના છે. વિશેષ આનંદ પ્રાપ્ત કરવા માટે સમતાની સાધના અનિવાર્ય છે, કારણ કે પરિસ્થિતિજન્ય આનંદ ક્યારેક દૂર પણ થઈ શકે છે. જે આનંદ પરિસ્થિતિથી નિરપેક્ષ હોય, આત્મા અને સમતાથી ઉપજતો હોય, તે સ્થાયી બની શકે છે. પરિસ્થિતિઓને હંમેશ માટે એકસરખી રાખવી આપણા હાથમાં ન હોય, પણ સમતા ધારણ કરવી તે આપણા હાથમાં છે.કહેવાયું પણ છે કે સ્વવશમાં સમસ્ત સુખ અને પરવશમાં કોઈ સુખ નથી. પરવશતા એ દુઃખ છે.
સ્થૂલ દ્રષ્ટિએ જોવામાં આવે તો, ઉદાહરણ તરીકે, જો કોઈને લકવો થયો હોય અને તે પોતાના પગે ચાલી શકતો ન હોય, પોતાના હાથથી ખાઈ-પી શકતો ન હોય, તો તેને કોઈ ખવડાવે તો જ તે ખાઈ શકે, નહિતર ભૂખ્યો રહી જાય. આ પરવશતા છે, જે દુઃખદાયી છે. જે વ્યક્તિ પોતાનું કાર્ય પોતે કરી શકે, તે સુખદાયક છે. પોતાની શક્તિ હોય તો મનુષ્ય કોઈપણ કાર્ય કરી શકે. શરીર સક્ષમ હોય તો સાધુઓ પણ અપ્રમત્ત રહીને પોતાનો બોજ ઉપાડી શકે. આચાર્યશ્રી ભિક્ષુસ્વામી પોતે પોતાનો બોજ લઈને ચાલતા હતા. મનુષ્યને સ્વાવલંબી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. મનુષ્યની મનોવૃત્તિ પરવશ ન હોવી જોઈએ. બે હાથ અને બે પગ એવા ચાર નોકરીયાળાં સહવર્તી (સહાયકો) આપણને પ્રાપ્ય છે, તો પછી બીજાની રાહ શું જોવી? વ્યક્તિએ પોતાનું કાર્ય પોતે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અનાવશ્યક રીતે અવલંબિત બનવાથી બચવું જોઈએ.મનુષ્ય પ્રયત્ન કરે તો પરિસ્થિતિઓને અનુકૂળ બનાવી શકે, પરંતુ જો તે શક્ય ન હોય, તો વ્યક્તિએ પરિસ્થિતિઓ મુજબ જાતને ઢાળી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્વવશતા હોય તો સુખ પ્રાપ્ત થઈ શકે. જીવનમાં પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ, દરેક પરિસ્થિતિમાં સમતાભાવ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સૂર્ય સમતાનું સૌથી મોટો ઉદાહરણ છે. મહાન પુરુષ તે જ છે, જે સંપત્તિ અને વિપત્તિ બંનેમાં એકસરખા રહે છે. આ રીતે, સમતાની સાધના કરીને પોતાને વિશેષ આનંદી બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
આચાર્યશ્રીના મંગલ પ્રવચન પછી સાધ્વીપ્રમુખાશ્રીજીએ પણ ઉપસ્થિત જનતાને ઉદ્દબોધન આપ્યું હતુ. આચાર્યશ્રીના સ્વાગત માટે શ્રી કમલ સુરાણા અને શ્રી સિદ્ધાર્થ સુરાણાએ શ્રદ્ધાસૂચક ભાવ વ્યક્ત કર્યા હતા. સુરાણા પરિવારની મહિલાઓએ સ્વાગતગીત ગાયું હતુ. વાવ (બનાશ કાંઠા)ની શ્રીમતી રોપલાબેનએ શ્રદ્ધાપૂર્વક "આરાધ્યમ" થીમ ઉપર ગીત પ્રસ્તુત કર્યું હતુ. વાવ પંથકના સંયોજક વિનીતભાઈ સંઘવીએ ભાવનાપૂર્ણ અભિવ્યક્તિ આપી હતી. આચાર્યશ્રીએ વાવવાસીઓને મંગલ આશીર્વાદ આપ્યા હતા. આચાર્યશ્રી સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કે.કે. સંઘવી તેમજ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે. સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે તેવું એક યાદીમાં આચાર્યશ્રી મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કચ્છના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
-------------

Comments