Trending News
સ્થાનિક સમાચાર

શેખપીરથી પાલારા જેલ સુધી બાયપાસ રોડ બનાવવા કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરતાં સાંસદ

20 March


ભુજ : લોકસભા સત્ર દરમ્યાન સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નિતિનભાઈ ગડકરીની રૂબરૂ મુલાકાત લઈ ભીમાસર - અંજાર - ભુજ - ખાવડા - ધર્મશાળા સુધી નવનિર્મિત બનતો નેશનલ હાઇવે નંબર ૩૪૧ ભુજ શહેરમાંથી પસાર થાય છે તેને શેખપીરથી પાલારા સુધી બાયપાસ રોડ બનાવવા માટે સાંસદ વિનોદભાઈ ચાવડાએ વિનંતી પત્ર આપ્યો હતો. મંત્રી નિતિનભાઈ ગડકરીએ રજૂઆતની નોંધ લઈ વહેલી તકે આ પ્રશ્નના નિરાકરણ માટે સકારાત્મક અભિગમ દાખવેલ છે તેમ સાંસદે જણાવ્યું હતું કે
૧૫૨ કી.મી.ના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૩૪૧ કચ્છના ભીમાસર - અંજાર - ભુજ - ખાવડા - ધર્મશાળા બનાવવાનું કાર્ય ચાલુમાં છે, જે ધોરીમાર્ગ ભુજ સિટીમાંથી પસાર થાય છે, તેથી ઘર, ઇમારત, દુકાનો હટાવવા પડે, હજારો લોકો વિસ્થાપિત થાય, સડક સુરક્ષા સબંધી તકલીફો થાય તેમ છે. લોકોની ભલાઈ અને પ્રદુષણને રોકવા વૈકલ્પિક માર્ગને કારણે નિર્બોધ આવન-જાવન થાય તે જરૂરી છે. બન્ની પશ્ચિમ, પાશી, ખાવડાની સાથે ધર્મશાળા સુધી આ રોડ બનતાં રાષ્ટ્ર સેવા સમર્પિત સરહદના સંત્રી, અકલ્પનીય વિકાસ, રણોત્સવ, ધોળાવીરા ઐતિહાસિક હડ્ડપન સંસ્કૃતિ સ્થળોનો વિકાસ થશે તેમ જણાવતાં સાંસદે સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમની સાથે રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા જોડાયા હતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૨૭ પર મોરબી માટે નવો બાયપાસ રોડ બનાવવા રજૂઆતો કરી હતી.
-----

Comments

COMMENT / REPLY FROM