કુખ્યાત બૂટલેગર પુના ભરવાડને પાસામાં ધકેલાયો
ગત રોજ એસએમસીએ રાપરમાં બુટલેગરે કરેલું દબાણ તોડવા કરી હતી દરખાસ્ત
રાપર :ગુજરાતમાં કાયદો વ્યવસ્થા બેકાબુ બનતા અસામાજિક તત્ત્વો સામે ધોંસ બોલાવાઈ છે. દરેક જિલ્લામાં કાર્યવાહી સાથે એસએમસીએ આખા રાજ્ય માટે અસામાજિક તત્ત્વોની યાદી બનાવી હતી. જેમાં વાગડના કુખ્યાત બૂટલેગર પુના ભાણા ભરવાડનું નામ પણ સામેલ હતું. તેણે રાપરમાં ગેરકાયદે રીતે બંગલો બનાવ્યો હોવાથી તે તોડી પાડવા માટે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કચ્છ કલેક્ટર અને પૂર્વ કચ્છ એસપીને દરખાસ્ત કરવામાં આવી છે. દબાણ તૂટે ત્યારે પણ આજે પૂર્વ કચ્છ એલસીબીએ આ બૂટલેગરને પાસામાં ધકેલી દીધો છે. રાપરના તકિયાવાસમાં રહેતા અને મૂળ ગેડીના પુના ભાણા ભરવાડ સામે મોટી રકમના દારૂના પ૦ જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી સામે ગાંધીધામ એલસીબી દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેને કલેક્ટરે મંજૂરી આપતા અટકાયત કરી લાજપોર જેલ સુરતમાં ધકેલી દેવામાં આવ્યો છે.

Comments