Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની કૂચ અટકાવાઈ : કચ્છના ૭૦૦ કર્મીઓની અટક

20 March



ગ્રેડ-પે અને ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ સહિતના પ્રશ્નો ન ઉકેલાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ રહેશે યથાવત : એમ. બી. આહિર (પ્રમુખ કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળ)

ભુજ : કચ્છ સહિત રાજ્યભરના આરોગ્ય વિભાગના વર્ગ-૩ ના કર્મચારીઓની અચોક્કસ મુદ્‌તની હડતાલ ચાલી રહી છે. આજે કચ્છ સહિત રાજયભરમાંથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદન પત્ર પાઠવવા આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. ગઈકાલે કચ્છ જિલ્લામાંથી અંદાજીત ૭૦૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર રવાના થયા હતા. આજે ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓની કુચને પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી. પોલીસે કચ્છ અને રાજયના અન્ય જિલ્લાઓમાંથી પહોંચેલા આરોગ્ય કર્મીઓની અટકાયત કરી હતી. 
આ અંગે ગાંધીનગરથી વિગતો આપતા કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ એમ. બી. આહિરે જણાવ્યું હતું કે ગ્રેડ-પે સહિતના પડતર પ્રશ્નો અંગે રાજયના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલી રહી છે. આજે રાજયના મુખ્યમંત્રીને માંગણી સબંધી આવેદનપત્ર આપવા કચ્છના ૭૦૦ સહિત રાજયભરમાંથી હજારો આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે. આરોગ્ય કર્મીઓની કુચને અટકાવવામાં આવી છે. અને ગાંધીનગર પોલીસ દ્વારા આરોગ્ય કર્મીઓની અટક કરવામાં આવી રહી છે. હાલે રાજય આરોગ્ય કર્મચારી મંડળના તમામ હોદ્દેદારો ગાંધીનગર આવી પહોંચ્યા છે. જયાં સુધી ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષાઓ સહિતના મુદ્દે સરકારશ્રી દ્વારા સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી કચ્છના તમામ આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં જ રહેશે. રાજય મંડળના હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ લડતના કાર્યક્રમો ઘડવામાં આવશે. જયાં સુધી આરોગ્ય કર્મચારીઓની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આરોગ્ય મુદ્દતની હડતાળ યથાવત જ રહેશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે જેમાં આરોગ્ય કર્મીઓ જે કોઈ સચિવાલયમાં ઘૂસીને કોઈ આંદોલન કે અન્ય ઘટના ન થાય એ માટે ખાસ પોલીસ બંદોબસ્ત અગાઉ ગોઠવી દેવામાં આવ્યો છે. આરોગ્ય કર્મચારીઓ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન 
પત્ર આપવા પહોંચે તે પહેલા જ ગાંધીનગર ગેટ નંબર ૧ આગળ ૩ લેયર ચેકીંગ ગોઠવી દેવામાં આવ્યું છે. જેમાં અમુક જિલ્લાના પ્રમુખોને પોલીસ દ્વારા ગાંધીનગર તરફ જતા અટકાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અમુક જિલ્લાઓમાં આરોગ્ય કર્મીઓની અટકાયત તેમના જિલ્લાઓમાંથી શરૂ થઈ ગઈ છે. ગાંધીનગર પોલીસ સહિત ગાંધીનગર રેન્જની પોલીસ અને અધિકારીઓને ગાંધીનગર ગોઠવી દેવામાં આવ્યા છે. દરેક ચેક પોસ્ટ પર સ્થાનિક લોકોનું પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ફરજિયાત ઓળખ પત્ર બતાવીને જ સચિવાલય તરફ જવા દેવાના આવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, પણ કોઇ નિકાલ ન આવતા સરકારને ૧લી માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જે બાદ ૫મી માર્ચે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું હતું. ૭મી માર્ચથી ઓનલાઈન-ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો હતો. જે બાદ કર્મચારીઓ ૧૭ માર્ચથી અચોકસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.

 

Comments

COMMENT / REPLY FROM