સસ્તા સોનાના નામે ભુજના ચીટરોએ કર્ણાટકના યુવાનને ર૮.૭પ લાખમાં નવડાવી દીધો
ચીટરોએ અલગ અલગ બહાના અને કસ્ટમના ઓથા હેઠળ રૂપિયા પડાવ્યા
ભુજ : સસ્તા સોનાના નામે વધુ એક ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. કૃણાલ જોશી નામ ધારણ કરનાર નવાબ હયાત કકલ, ઈમરાભાઈ અને કસ્ટમ ઓફીસરનું નામ ધારણ કરનાર ઈકબાલ મામદ ચૌહાણ સામે ર૮.૭પ લાખની ઠગાઈ બાબતે બી ડિવિઝનમાં ફરિયાદ થઈ છે. મુળ કર્ણાટકના નિઝામુદ્દીન અબ્દુલરહેમાન સાબે ભુજ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આઠ મહિના પહેલા ફેસબુકમાં કૃણાલ જોશી નામની આઈડી પરથી રીકવેસ્ટ આવી જેમાં તેણે પોતે સોનાનો વેપાર કરતો હોવાનું જણાવી બજાર કરતા ૧પ ટકા ઓછા ભાવે ર૪ કેરેટ સોનું આપવાની વાત કરી અવારનવાર ભુજ આવવા માટે બોલાવ્યો હતો. ૧પ જુલાઈના તે ભુજ આવ્યો અને ઈલાર્ક હોટલમાં રોકાયો હતો. સફેદ કલરની વરના ગાડી નંબર જી.જે. ૧ર. એફ.ડી. ૬૯૭પ માં કૃણાલ જોશી આવ્યો અને એક ઘરે લઈ ગયો જયાં મોહમદ ઈમરાન સાથે પરીચય કરાવ્યો તેણે સોનાના બે બિસ્કીટ બતાવ્યા હતા. જે ખરીદવા માટે ફરિયાદીએ પ.૮૦ લાખ રૂપિયા આંગડીયાથી મંગાવ્યા હતા. ઈમરાને કહ્યુ કે, તમે રૂપિયા આપો હાલમાં પોલીસનું ચેકીંગ ચાલુ છે તેમ કહી રૂપિયા મેળવ્યા હતા. બાદમાં ઈમરાન આવ્યો અને કહ્યું કે તમે મુંબઈ જાઓ ત્યાં હું તમને સોનુ અપાવી દઈશ. પ્લેનની ટીકીટ કરાવી આપતા યુવાન મુંબઈ ગયો અને સાલીમાર હોટલ પાસે રોકાયો સાલીમાર હોટલ પાસે સીગારેટના પેકેટમાં ૧૦૦ ગ્રામ સોનાનુ બિસ્કીટ આપી ગયો હતો. આ યુવાને આ બિસ્કીટ વેચી નાખ્યું, બાદમાં ઈમરાનનો ફોન આવ્યો અને કહ્યું કે, તમે મારી પાસેથી અડધો કીલો સોનુ લ્યો, તમને ફાયદો થશે. આ યુવાનને લાલચ જાગતા તેણે મકાનનો પ્લોટ વેચી ર૭.રપ લાખ રૂપિયા આંગડીયાથી મોકલ્યા હતા. ઈમરાને કહ્યુું કે, તમારા ગામ પાસે કસ્ટમ ઓફીસના સાહેબ આવી અડધો કીલો સોનુ અને બીલ આપી દેશે. ફરિયાદી ગયો ત્યારે કોઈ આવ્યું નહી. બે ત્રણ દિવસ રાહ જોઈ પણ કોઈ આવ્યું નહીં. બાદમાં કહ્યું કે, કસ્ટમ ઓફીસર સાડા પાંચ લાખ રૂપિયા માંગે છે. રૂપિયાની વ્યવસ્થા ન હોઈ ઉછીના લઈ આંગડીયામાં મોકલાવ્યા હતા. રૂપિયા મોકલ્યા પછી તમામ ફોન સ્વીચ ઓફ આવ્યા અને બાદમાં કહી દીધું કે કસ્ટમ ઓફીસરે દુબઈમાં મારા વિરૂદ્ધ ૧૦ કરોડના ગોટાળાની ફરિયાદ કરી છે. જેથી મને દુબઈ જવું પડશે. સૌ એક બીજા પર જવાબદારી ફેંકી સોનું પણ ન આપ્યું અને રૂપિયા પણ ન આપ્યા, બાદમાં વધુ ૧પ લાખ ચુકવ્યા હતા. પણ પાંચ કિલો સોનુ ન મળ્યું. મુંબઈથી બેંગલોર અને બેંગલોરથી ભુજ એમ એમ અલગ અલગ જગ્યાએ ધક્કા ખવડાવ્યા, રૂપિયા પાછા આપવાનું કહેતા ૧૪ લાખ, પાંચ લાખ એમ ટુકડે ટુકડે રૂપિયા મળ્યા પરંતુ ર૮.૭પ લાખ હજી સુધી પરત મળ્યા નથી. ઠગાઈ થયાનું જણાઈ આવતા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
આરોપીઓએ એવી ધમકી આપી હતી કે, તું ભુજમાં છો અને ફરિયાદ કરીશ તો મારીને ફેંકી દેશું, ખબર પણ નહીં પડે. જે અંગે બી ડિવિઝન પોલીસમાં ઠગાઈનો ગુનો દાખલ થયો છે.

Comments