Trending News
સ્થાનિક સમાચાર

‘બારાતુ’ રીઢા અપરાધીઓની ‘કુંડળી’ પણ પોલીસ તંત્ર કરે તૈયાર

18 March

સરહદી કચ્છના ક્રાઈમ રેટને વધારનાર




રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશના પગલે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્ત્વો સામે કાર્યવાહી ટાંકણે કચ્છવાસીઓની સૂચક ટકોર




ભુજ : ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના આદેશ બાદ પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે ગુનાહિત ઈતિહાસ ધરાવતા જિલ્લાના હિસ્ટ્રીશીટર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તંત્રની આ કાર્યવાહીથી ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોમાં ફફડાટ જરૂર ફેલાયો છે. સ્થાનિક અપરાધી તત્ત્વોની યાદી પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી છે ત્યારે છેલ્લા અઢી દાયકા દરમ્યાન કચ્છમાં આવી વસેલા ગુનાહિત માનસ ધરાવતા પરપ્રાંતિય માથાભારે તત્ત્વોની સામે પણ કાર્યવાહી થાય તેવી લોકલાગણી પ્રબળ બની છે.
કચ્છના જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર ર૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ બાદ કચછનો ઔદ્યોગિક, વાણિજ્ય અને બંદરિય ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. કચ્છમાં રોજગારીની વિપુલ તકોનું સર્જન થતાં હજારો પરપ્રાંતિય લોકો નોકરી - ધંધાર્થે કચ્છમાં આવીને સ્થાયી થયા છે, જેમાં અનેક લોકો ગુનાહિત માનસ અને ઈતિહાસ ધરાવતા હોય છે. દેશના અન્ય રાજ્યમાં ગંભીર ગુના આચરી કચ્છમાં આવી સ્થાયી થઈ ગયા છે. આવા અપરાધી માનસ ધરાવતા લોકોના કારણે વિતેલા બે દાયકા દરમ્યાન કચ્છ જિલ્લામાં પણ હત્યા, બળાત્કાર, લૂંટ વગેરે જેવા ગંભીર પ્રકારના ગુનાઓ સાથે ચોરી, ઘરફોડી, મારામારી જેવા સામાન્ય ગુનાઓનો ગ્રાફ પણ ખૂબ ઉંચકાયો છે. 
કચ્છ જિલ્લામાં દેશના અન્ય રાજ્યોમાંથી આવી વસેલા અપરાધી તત્ત્વો સામે પણ કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવે તેવી લાગણી પ્રવર્તિ રહી છે. પરપ્રાંતિયોના બી-રોલ ભરવામાં આવે તો દેશના અન્ય રાજ્યમાં ગુના આચરી કચ્છ ભાગી આવેલા પરાધીઓને ઝડપી પાડી શકાય. નિયમ અનુસાર કોઈપણ કંપની કે પેઢીમાં પરપ્રાંતિય લોકોને નોકરીએ રાખતા પહેલા અને પરપ્રાંતિય લોકોને ઘર કે દુકાન ભાડે આપતા સ્થાનિકોએ તેની નોંધણી સંબંધિત પોલીસ મથકે કરાવવાની રહે છે, પરંતુ મોટા ભાગે તે નિયમનું પાલન થતું નથી, જેથી પરપ્રાંતિય અપરાધી તત્ત્વોને કચ્છમાં આશ્રય મળી જાય છે. આવા લોકો ગુનાહિત માનસ ધરાવતા હોઈ કચ્છમાં નાના-મોટા અપરાધ કરતા રહે છે, જેથી છેલ્લા બે દાયકામાં કચ્છ જિલ્લાના ક્રાઈમ રેટમાં વધારો થયો છે.
રાજ્યના ડીજીપીના આદેશના પગલે હવે સ્થાનિક અપરાધીઓ સામે કડક કાર્યવાહીના મંડાણ થયા છે ત્યારે જિલ્લામાં ક્રાઈમ રેટ વધવાનું મુખ્ય કારણ એવા પરપ્રાંતિય અપરાધીઓને ઓળખી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કચ્છના જાગૃત નાગરિકો કરી રહ્યા છે.



............

કેબલ ચોરો અને સસ્તા સોનાના ચિટરો સામે ગાજ વરસશે કે કેમ ?


ભુજ : પશ્ચિમ કચ્છમાં આયોજનબદ્ધ ગુનાખોરીની વાત કરીએ તો ખાસ કરીને ગ્રામીણ વાડી વિસ્તારો અને પવનચક્કીના કેબલ વાયરની ચોરી થાય છે. જેમાં મોટા ભાગે વરનોરા, ધ્રોબાણા, દિનારા વિસ્તારના રીઢા શખ્સો જ સંડોવાયેલા હોય છે અને મોટા ભાગનો માલ ભુજના ભંગારના વાડાઓમાં વેચવામાં આવે છે. તો ભુજના ચોક્કસ વિસ્તારમાં રહેતા સસ્તા સોનાના ચિટરો દેશભરમાં ઠગાઈના ગુનાને અંજામ આપે છે. આ જગજાહેર હોવા છતાં અહીં ડીજીપીની સુચના પ્રમાણે દબાણ, વીજ જોડાણ કટ સહિતની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ ? તે સવાલ ઉપસી રહ્યો છે. 

.............


માથાભારેમાંથી નામ કઢાવવા અનેકોના ધમપછાડા




ભુજ : જો ડીજીપીની સુચના પ્રમાણે ૧૦૦ ટકા કામગીરી થાય તો કચ્છમાં રામરાજય સ્થપાઈ જાય. પરંતુ જયારથી આદેશ થયો છે ત્યારથી વગદારો અને ઘણા માથાભારે પોતાનું નામ કઢાવવા ધમપછાડા કરી રહ્યા છે. ઓળખીતા પોલીસ કર્મચારી સાથે વાતચીત કરી પોતાનું કયાંક નામ ન આવે તે દિશામં પોલીસ સ્ટેશનોના ચક્કર ખાઈ રહ્યા છે. ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદનમાં કહ્યુ છે કે, જો અસામાજીક તત્ત્વોની પોલીસ સાથે મીલીભગત કે સાંઠગાંઠ જણાઈ આવશે તો તે પોલીસ કર્મચારીને ઘરભેગા કરવામાં આવશે. હવે જોવાનું એ છે કે, પોલીસ માથાભારે શખ્સોની લાજ બચાવે છે કે પોતાની ?


........


પૂર્વ કચ્છ પોલીસે માથાભારે ર હજાર લોકોની યાદી બનાવી : પશ્ચિમ કચ્છ પોલીસ હજુ ફીફા ખાંડે છે




ભુજ : એક જ રેન્જમાં આવતા ર અલગ અલગ જિલ્લામાં પોલીસ કાર્યવાહીના અલગ અલગ સુર જોવા મળી રહ્યા છે. પૂર્વ કચ્છ પોલીસે ડીજીપીની સુચનાને અનુસરીને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બેકાબુ બનાવનારા અંદાજે ર હજાર લોકોની યાદી બનાવી છે. જેમાં બુટલેગરો સહિતનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પૂર્વ કચ્છ પોલીસે દબાણ તોડવા સાથે લાઈટ જોડાણ કાપવા અને પાસા સહિતની કામગીરી શરૂ કરી છે. જો કે વિપરીત સ્થિતિમાં પશ્ચિમ કચ્છ પોલીસ હજુ ફીફા ખાંડતી હોય તેમ કુખ્યાત શખ્સોની યાદી તૈયાર થઈ નથી. પોલીસ કાર્યવાહી કરવાનું રટણ કરે છે. પરંતુ કયારે કરશે તે પણ એક મોટો સવાલ છે. ડીજીપીએ તમામ આઈજીને પણ કડક શબ્દોમાં કાર્યવાહી માટે આદેશ આપ્યો છે ત્યારે આદેશને ૧૦૦ કલાકનો સમય થવા આવ્યો છતાં પશ્ચિમ કચ્છ પોલીસ હજુ આરોપીઓને છાવરવાની દિશામાં હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. 

.

 

Comments

COMMENT / REPLY FROM