Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં વધતી વીજ ખપતના પગલે એપ્રિલથી જ થશે પ્રિ-મોન્સૂન કામગીરી

18 March

આગ લાગ્યા પહેલાં જ કુવો ખોદશે વીજ તંત્ર 




શહેરી રહેણાંક વિસ્તારોમાં ર૯૪ર કિલોમીટર નવા એબી કેબલ લાગશે : ૮પ૭ વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતામાં કરાયો વધારો : વધુ રપ૦ જેટલા ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારશે : ઉનાળા અને ચોમાસા દરમ્યાન વીજવિપેક્ષ અટકાવવા તંત્રની કવાયત



ભુજ : ઉનાળાની સિઝનની શરૂઆત સાથે જ કચ્છ જિલ્લામાં વીજ ખપતમાં વધારો થયો છે.  ખાસ કરીને મે અને જૂન મહિનામાં સૌથી વધુ ગરમી પડતી હોવાથી વીજળીની માંગ સર્વોચ્ચ સપાટીએ પહોંચતી હોય છે. છેલ્લા  થોડા વર્ષોથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની સિઝન દરમ્યાન લોકો એસી અને કુલર વસાવી  ગરમીથી રાહત મેળવતા થયા છે ત્યારે અચાનક વધી જતી વીજ ખપતના કારણે વિતેલા વર્ષો દરમ્યાન લોકોને છાશવારે સર્જાતા વીજવિક્ષેપથી પરેશાન થવાની નોબત આવી પડી હતી. ગત વર્ષે ભુજના પ્રમુખસ્વામીનગર અને આસપાસની સોસાયટીઓમાં વીજવિક્ષેપની સમસ્યા રોજીંદી બની હતી. ગત વર્ષોના અનુભવોને ધ્યાને લઈ આ વરસે પીજીવીસીએલ તંત્રએ ઉનાળા દરમ્યાન વીજ ફોલ્ટના બનાવો અટકાવવા નક્કર આયોજન ઘડી કાઢ્યું છે. મે મહિનામાં વધતી વીજ માંગના પગલે વીજવિક્ષેપના બનાવો ઘટાડવા વીજ તંત્રએ એપ્રિલ મહિનાથી જ પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે મે-જુન મહિનામાં વીજ તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ આ વર્ષે આ કામગીરી એક મહિનો વહેલી શૃ કરવામાં આવશે તેવું પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર બી.સી. રાઠોડે જણાવ્યું હતું.ઉનાળાની સિઝનમાં વીજવિક્ષેપનું પ્રમાણ ઘટાડવા પશ્ચિમ કચ્છના છ તાલુકામાં કરવામાં આવેલ કામગીરી અંગે વિગતો આપતાં શ્રી રાઠોડે જણાવ્યું હતું કે, વધતી વીજ ખપતને ધ્યાને લઈ અત્યાર સુધીમાં કુલ્લ ૮પ૭ ટ્રાન્સફોર્મરની ક્ષમતામાં વધારો કરવામાં આાવ્યો છે. એપ્રિલ મહિનાના અંત સુધી વધુ રપ૦ જેટલા વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. બોર્ડ પરીક્ષાના કારણે થોડા દિવસોનો વિલંબ થયો છે પરંતુ એપ્રિલમાં કામગીરી પુર્ણ કરી લેવાશે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં ર૯૪ર કિલોમીટર એબી કેબલ પાથરવાની કામગીરી ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. ઉચ્ચ કચેરી દ્વારા તેનો કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો છે. કોન્ટ્રાકટરને સત્વરે કામ શરૂ કરી દેવા તાકીદ કરવામાં આવી છે. ગત વર્ષે પીજીવીસીએલ દ્વારા રહેણાંક વિસ્તારમાં લોકોને પોતાના વીજ ભાર વધારવા ફોર્મ ભરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. પરંતુ વીજભાર વધારવાની અરજી કરવામાં લોકોનું વલણ ઉદાસીન રહેતાં આ વર્ષે તંત્રએ જાતે જ  વિવિધ રહેણાંક વિસ્તારોમાં લોડ વધારવાની કામગીરી હાથ ધરી છે.ઉનાળા અને ચોમાસામાં ઓછામાં ઓછા વીજ વિક્ષેપ થાય તે દિશામાં કાર્ય થઈ રહ્યું હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Comments

COMMENT / REPLY FROM