Trending News
સ્થાનિક સમાચાર

પડતર પ્રશ્નો મુદ્દે આરોગ્ય વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓની હડતાલ

17 March




કચ્છના ૭૦૦ જેટલા આરોગ્ય કર્મીઓ  હડતાલમાં જોડાયા : શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સરકારી આરોગ્ય સેવાને માઠી અસર : ખાતાકીય પરીક્ષા અને ગ્રેડ પે સહિતના મુદ્દે જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્રને પાઠવ્યું આવેદન પત્ર 


ભુજ : કચ્છ જિલ્લાના વર્ગ-૩ ના આરોગ્ય કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સાથે આજથી સરકાર સામે મોરચો માંડયો છે. વર્ગ-૩ના આરોગ્ય કર્મચારીઓ દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવેલ વિવિધ માંગણીઓ લાંબા સમયથી ન સંતોષાતા આખરે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. આજે કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓએ હડતાલ કરી જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્રને વિવિધ માંગણીઓ સંદર્ભે રાજય સરકાર વતી આવેદનપત્ર પાઠવ્યું હતું. જિલ્લા મથક ભુજમાં આજે વર્ગ-૩ના આરોગ્ય કર્મચારીઓ એકઠા થયા હતા. વિવિધ માંગણીઓ સંદર્ભે સુત્રોચ્ચાર સાથે વિરોધ વ્યકત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.  આવેદનપત્રમાં આરોગ્ય કર્મચારી મહાસંઘે જણાવ્યું હતું કે, રાજય પંચાયત વિભાગ દ્વારા વર્ગ - ૩ ના આરોગ્યની વિવિધ કેડરને ટેકનીકલ સંવર્ગમાં ગણી ગ્રેડ પેના પગારમાં સુધારણા કરવામાં આવે, પંચાયત વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ વિવિધ ખાતાકીય પરીક્ષાઓ રદ્‌ કરવામાં આવે અને વિવિધ તાલીમો અને પરીક્ષાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી હાલની તારીખે પાત્રતા ધરાવતા કર્મચારીઓને આરોગ્ય વિભાગ દ્વારા નિયત થાય તે પરીક્ષા પાસ કરવાની શરતે પ્રમોશનનો લાભ આપવા માંગ કરાઈ હતી. અગાઉ માસ સીએલ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો કર્યા છતાં હજુ સુધી સરકાર દ્વારા માંગો સ્વીકારવામાં આવી નથી. જેથી આજથી કચ્છ સહિત ગુજરાતના તમામ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. કચ્છમાં અંદાજીત ૭૦૦ જેટલા વર્ગ-૩ના કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર જતા આરોગ્ય વિભાગની ફિલ્ડ સહિતની કામગીરી પર માઠી અસર થઈ હતી.  અત્રે નોંધનીય છે કે, કચ્છના સરકારી દવાખાના અને આરોગ્ય કેન્દ્રમાં અગાઉથી જ તબીબોની મોટી ઘટ્ટ છે તેવામાં વર્ગ - ૩ ના કર્મચારીઓ પણ હડતાલ પર ઉતરી જતા શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સરકારી આરોગ્ય સેવાઓ ખોરવાઈ હતી.  કચ્છ જિલ્લા આરોગ્ય મહામંડળના પ્રમુખ મહેશભાઈ ગાગલ, મહામંત્રી ઉમંગભાઈ ઉંડવીયા, મુખ્ય કન્વીનર ભાવનાબેન ભીલ, ઉપપ્રમુખ સૂર્યકાંત પરીખ, રાજય પ્રતિનિધિ નિલેશ મકવાણા ઉપરાંત જિલ્લાના વર્ગ-૩ના આરોગ્ય કર્મીઓ હાજર રહ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM