પોલીસ સહિતના તંત્રોની મીઠી નજરથી ખાવડા હાઈવે અકસ્માત ઝોનમાં ફેરવાયો
લોરિયા ચેકપોસ્ટ પાસે શ્રમિકોથી ભરેલી ઈકો ગાડી ટ્રકમાં ઘૂસી જતા પાંચ લોકો ઘવાયા : જામ કુનરિયા પાસે બોલેરો પલટી જતા વધુ બે શ્રમિક ઘાયલ
ભુજ : ખાવડા ખાતે સરહદી વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક તૈયાર થઈ રહ્યું છે. જેના કારણે હજારોની સંખ્યામાં પરપ્રાંતિયો અહીં કામ કરે છે. સોલાર પાર્કમાં દરરોજ નાની-મોટી ઘટનાઓ સામે આવે છે. જેમાં ગાડી પલટી જવી, સોલાર પ્લેટ વાગવી તેમજ જીવ-જંતુ કરડવા અને ડીહાઈડ્રેશન સહિતના મામલા સામે આવતા હોય છે. તેવામાં હવે અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. ગઈકાલે સાંજે ખાવડાથી ભુજ ઈકો ગાડીમાં શ્રમિક આવતા હતા તેઓને લોરિયા ચેકપોસ્ટ પાસે અકસ્માત નડયો હતો. આ બાબતે મળતી વિગતો મુજબ ઈકો ગાડીમાં ઈરફાન રહેફુલ, જમાલુદ્દીન શેખ, ભોલા, રાજુમાજી અને બહરામ નામના શ્રમિકો સવાર હતા. તેઓ અદાણી લેબર કોલોનીમાં રહે છે. ઈકો ગાડીમાં બેસીને ભુજ આવતા હતા. લોરિયા ચેકપોસ્ટ પાસે ટ્રક સાથે ભટકાતા ઈકો ગાડીનો ભૂકો બોલી ગયો હતો. જેમાં પાંચ શ્રમિકોને ઈજાઓ થતા સારવાર માટે જી.કે.માં ખસેડવામાં આવ્યા હતા. આ તરફ અંધૌ અને જામકુનરિયા વચ્ચે આજે સવારે પાંચ વાગ્યે અકસ્માત થયો હતો. અદાણી ગ્રીન્સ ખાવડામાં કામ કરતા અશોકભાઈ અને ગોકુલભાઈ નામના શ્રમિકો બોલેરો ગાડીમાં જતા હતા ત્યારે ગાડી પલટી જતા બન્નેને ઈજાઓ થતા જી.કે.માં લાવવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં પોલીસ, આરટીઓ, નેશનલ હાઈવે ઓથોરિટી અને રસ્તામાં ટોલ ઉઘરાવતી એજન્સીની લાપરવાહીના કારણે સતત અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે હવે કલેક્ટર કક્ષાએથી પગલાં લેવાય પછી આ તંત્રો અકસ્માતો અટકાવવા માટે જાગશે તેવું લાગી રહ્યું છે.
.........
પરપ્રાંતિયોની અવરજવરથી દેશીનો ધંધો વકર્યો
હાઈવે હોટલોની સાથે ખાવડા પટ્ટામાં ઠેકઠેકાણે દેશી દારૂ વેચાતો હોવાથી અકસ્માતો વધ્યા હોવાનો સ્થાનિકોનો મત : ખાવડામાં ખુલ્લેઆમ કોથળીઓ વેચાતી અને પીવાતો હોવાનો વીડિયો વાયરલ
ભુજ : એક સમયે સાવ સુમસામ લેખાતા ખાવડા પટ્ટામાં સફેદ રણ તેમજ રોડ ટુ હેવન સહિતના પ્રવાસન સ્થળોના કારણે લોકોની અવર-જવર વધતા સ્થાનિકોના મોઢા મલકાયા હતા પરંતુ ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ આવ્યા બાદ રોજગારી મળતા ખુશી ફેલાઈ પરંતુ સ્થાનિકો જ સૌથી વધુ હાલાકી વેઠી રહ્યા છે. કારણ કે, જ્યાં જુઓ ત્યાં દેશી દારૂ વેચાય છે. મોટે ભાગે ભારે વાહનના ચાલકો નશામાં ધૂત થઈ મનફાવે તેમ ગાડીઓ ચલાવતા હોવાથી ખાવડા, બન્ની-પચ્છમ સહિતના વિસ્તાર અનેક નિર્દોશ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. અનેક પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવતા માળા વિખાઈ ગયા છે. અવાર-નવાર લોકોની રજૂઆતો હોવા છતાં દેશીના વેપલા પર કોઈ કાર્યવાહી થતી નથી. ખાવડા વિસ્તારમાં રોજગારી માટે આવતા પરપ્રાંતિયો જ દેશી દારૂ પીતા હોવાનું જણાવી સ્થાનિકો હવે વીડિયો પણ વાયરલ કરી રહ્યા છે. જવાબદાર એવી માધાપર અને ખાવડા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. થોડા દિવસો પહેલાં ઝુરા પટ્ટામાં એક-બે ભઠ્ઠી તોડી ફોટો સેશન કરી સંતોષ માની લેવાયો પરંતુ નક્કર પગલાં અભાવે આ વિસ્તાર હવે દેશી દારૂનો હબ બની ગયો છે. સતત અકસ્માતો થતા હોવાથી સ્થાનિકો દ્વારા દેશી દારૂનું વેચાણ બંધ કરાવવા માટે અનેક રજૂઆત કરવામાં આવી છતા કોઈ નિવારણ આવ્યું નથી. સાંજ પડતા જ દારૂની રેલમછેલ જોવા મળે છે. ખાવડા પોલીસ જાણે અંધારામાં હોય તે રીતે વર્તી રહી છે.
.........
માધાપર પોલીસ હજુ અકસ્માતની રાહ જુએ છે !
પખવાડિયા પહેલાં થયેલા અકસ્માતના વાહનો રૂદ્રમાતા ગોલાઈથી ખસેડાયા નથી
ભુજ : ભુજ-ખાવડા નેશનલ હાઈવેમાં માધાપર અને ખાવડા પોલીસની હદ લાગે છે. નેશનલ હાઈવે હોવા છતાં પોલીસ, ટ્રાફિક પોલીસ, આરટીઓ, નેશનલ હાઈવે ઓથોરિટી અને ટોલ ઉઘરાવતી એજન્સી બેફીકર હોય તેમ જણાઈ આવે છે. આજથી ૧પ દિવસ પહેલાં રૂદ્રમાતા ગોલાઈ પાસે બે ટ્રેઈલરો સામ સામે ભટકાયા હતા. જેમાંથી એક ટ્રેઈલર ખસેડી લેવાયો પરંતુ બીજુ ટ્રેઈલર ૧પ દિવસ પછી પણ રસ્તાની વચ્ચોવચ્ચ પડ્યું છે. ગોલાઈ પર ટ્રેઈલર હોવાથી ટર્ન લેવામાં સામેથી આવતા વાહનો દેખાતા નથી. પરિણામે, ગંભીર અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. તાજેતરમાં બોલેરો ટેન્કર અને ગાડી વચ્ચે અકસ્માત થયો. આ વાહનો પણ રોડ સાઈડમાં પડ્યા છે. માધાપર પોલીસ સ્ટેશનની એકદમ સામે રસ્તાની બાજુમાં રહેલી કપચીના કારણે એક્ટિવા સ્લીપ થતા માધાપરના શિક્ષિકાનું મોત થયું છતાં માધાપર પોલીસની આંખ ઉઘડી નથી. સામેથી અકસ્માતને આમંત્રણ અપાતું હોય તેમ રૂદ્રમાતા પાસેથી વાહનો ખસેડાયા નથી. ભુજમાં સામાન્ય વાહન ચાલકો પર દમડાટી કરતી ટ્રાફિક પોલીસ પણ તડકામાં ક્યાંક છુપાઈ ગઈ હોય તેમ અકસ્માત ગ્રસ્ત વાહનો ખસેડવા બાબતે કોઈ કામગીરી ન કરાતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
........

Comments