શ્રમણી ગણનાયક આચાર્ય રશ્મિરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં શાસ્ત્રીય સામાયિકમાં હકડેઠઠ મેદની જામી
વિશ્વ શાંતિ માટે નવકાર ભાષ્યજાપ અનુષ્ઠાન થયું
ભુજ : બુધવારે શત્રુંજય મહાતીર્થની છ ગાઉની ભાવયાત્રા બાદ ગુરુવારે કચ્છની ધરતી પર પહેલીવાર ભુજ શ્વે. મૂર્તિપૂજક તપાગચ્છ સંઘમાં શ્રમણી ગણનાયક આચાર્ય રશ્મિરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં શાસ્ત્રીય સામાયિકનું આયોજન થયું હતું. પ્રેમીલાબેન પ્રેમચંદ સંઘવી સંકુલવીર ગૌતમ ઉપાશ્રય માં શાસ્ત્રીય (જોટો) સામાયિકમાં જોડાવવા હકડેઠઠ મેદની જામી હતી.
પ્રથમ સામાયિકમાં આચાર્યશ્રીએ શાસ્ત્રીય સામાયિકની સમજ આપી હતી. બીજી સામાયિકમાં વિશ્વશાંતિ, રાષ્ટ્રશાંતિ, આત્મશાંતિ અને તીર્થરક્ષા માટે પાંચ મુદ્રા સાથે નવકાર મહામંત્રનું ભાષ્યજાપ અનુષ્ઠાન થયું હતું. પૂજ્યશ્રીએ કહ્યું કે, આ તો ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. આ તો પ્રેક્ટિસ મેચ છે ખરી મેચ તો હજી બાકી છે. એ દિવસ છે ૯ એપ્રિલ. એ દિવસે આખું વિશ્વ નવકારમય બનશે. પૂજ્યશ્રીએ સૂત્ર આપ્યું "અબકી બાર જપો નવકાર" "જહાં નમસ્કાર વહાં ચમત્કાર". નવકાર જાપમાં વર્લ્ડ રેકોર્ડ કરવા "જીતો" સંસ્થાએ કમર કસી છે. કચ્છમાં પણ ઠેર ઠેર જાપ થશે ભુજના સ્મૃતિવનમાં હજારો ધર્મ પ્રેમી ભાઈ-બહેનો ભેગા થઈ વિશ્વશાંતિની પ્રાર્થના કરશે. દરેક સામાયિકના આરાધકને ૧૨૦ રૂપિયાની પ્રભાવના કરવામાં આવી હતી.
પૂજ્યશ્રી ભુજનો ત્રણ દિવસનો યશસ્વી પ્રવાસ પૂર્ણ કરી શુક્રવારે વિહાર કરી સુરજપુર અને તારીખ ૧૬ના ભદ્રેશ્વર પહોંચ્યા હતા. તારીખ ૧૭ - ૧૮ અંજાર , તારીખ ૧૯ - ૨૦ માર્ચ ગાંધીધામ, તારીખ ૨૨ ભચાઉ તારીખ ૨૩ સામખયારી, તારીખ ૨૪ના કટારીયા પહોંચશે. કચ્છનો પદયાત્રા પ્રવાસ પૂર્ણ કરી સુરજબારીથી હળવદ ધાંગધ્રા થઈ શંખેશ્વર પહોંચશે. ત્યાં ભવ્યાતીભવ્ય ચૈત્રી ઓળી કલાપૂર્ણસૂરિ સ્મૃતિમંદિરમાં કરાવશે. પાનસર તીર્થમાં ૧૮ મેથી ૨૫ મે યુવાનોની વેકેશન શિબિર કરાવશે. ચાતુર્માસ અમદાવાદ રેવામાં કરશે તેવું એક યાદીમાં મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
-----

Comments