અંતે ભચાઉ પટ્ટામાં કોલસાના કાળા-કારોબારનો પર્દાફાશ ૯૪ લાખનો મુદામાલ કબ્જે : કોલસા માફીયાઓ ફ.રા.ર.!
એસપીશ્રી સાગર બાગમાર કેમ ન લે એલસીબીના પુછાણા? : શું આટલા મોટા કોલસાના વાડાઓ ચાલે છે, તેની એલસીબીને કંઈ ખબર શુદ્ધા નથી? કોલસા હેરફેર માટે મુકાયેલા હલ્કી ગુણવત્તાની કોલસી તથા સારી ગુણવત્તાના વિદેશી કોલસાના ઢગલાના ઢગલા એલસીબીને ન દેખાયા?
ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડી સુપરવાઈઝર સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી : વાહનો સહિત ૯૪ લાખનો મુદ્દામાલ કબજે કરાયો : કોલસાનો ધંધો કરનાર મુખ્ય આરોપી હાજર ન મળ્યો
ભચાઉ : કંડલા અને મુન્દ્રા બંદરે વિદેશથી ઈમ્પોટેડ કોલસો આયાત થાય છે. લાંબા સમયથી આ કોલસામાં ભેળસેળ કરાતી હોવાની ફરિયાદ છે ત્યારે ગઈકાલે ભચાઉ પાસે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડી કાર્યવાહી કરી હતી.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ભચાઉ-સામખિયાળી હાઈવે પર આવેલા વાડામાં દરોડો પાડવામાં આવ્યો હતો. કંડલા અને મુન્દ્રા બંદરેથી વાહનોમાં ઈમ્પોટેડ કોલસો ભરી ગંતવ્ય સ્થાને પહોંચાડવાને બદલે મીલીભગત કરી આ વાડામાં લઈ અવાતો જ્યાં ઈમ્પોટેડ કોલસો કાઢી તેમાં હલકી ગુણવત્તાનો કોલસો ભેળસેળ કરવામાં આવ્યો હતો. અવાર-નવાર આ પ્રમાણેની ફરિયાદો ઉઠી હતી. જોકે, સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા ગાંધીનગરથી એસએમસીને આવવું પડ્યું હતું.
દરમીયાન આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. એસએમસીએ આપેલી માહિતી પ્રમાણે સામખિયાળીથી ભચાઉ હાઈવે જતા રોડ પર સર્વિસ રોડથી અંદર જતા કાચા રસ્તા પર મોમાય પેવર બ્લોક અને રાજશક્તિ કન્ટ્રકશનની બાજુમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી મૂળ મહેસાણાના કડીના હાલે ભચાઉમાં રહેતા અને સ્થળ પર સુપરવાઈઝર તરીકે કામ કરતા મયોદ્દીન રસુલભાઈ ચૌહાણ, રાજસ્થાનના ડ્રાઈવર લક્ષ્મણસિંહ નાથુસિંહ ચૌહાણ, મૂળ ઝારખંડના હાલે ભચાઉ રહેતા સંતોષકુમાર રામજન્મ વિશ્વકર્મા, ભચાઉમાં રહેતા અશરફભાઈ અલીમામદ કુંભાર અને મૂળ સૂરેન્દ્રનગરના પાટડીના હાલે રાજશક્તિ કન્ટ્રકશનની ઓરડીમાં રહેતા આમીનભાઈ પીરુભાઈ જુણેજા પકડાયા હતા. જ્યારે કોલસાનો ધંધો કરનાર મુખ્ય આરોપી ભચાઉના દરબારગઢનો દિવ્યરાજસિંહ હિતેન્દ્રસિંહ ઝાલા, કોલસાની ગાડી મોકલનાર ગાંધીધામના રાહુલભાઈ તથા ટ્રેઈલર નં.જીજે૧ર-બીઝેડ-પ૧૩પ, લોડર નં.એચઆર-રર-૯૮૩૮, મશીન નં.જીજે૧ર-સીએમ-૦૧૮૯ ના ચાલક હાજર ન મળી આવતા ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ભેગા મળી પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદે રીતે ઈમ્પોટેડ કોલસો ભરીને આવતી ગાડીઓના ડ્રાઈવરોને ફોડી તેમાંથી ઉત્તમ ગુણવત્તાના પીસીઆઈ કોલની ચોરી કરવામાં આવતી અને તેના બદલે હલકી ગુણવત્તાના કોલસાની ભુકીની ભેળસેળ કરવામાં આવતી હતી. સ્થળ પરથી ૧૭પ ટન ઈમ્પોટેડ કોલસો કિંમત રૂા.રર.૭પ લાખ તથા ઓછી ગુણવત્તાવાળો કોલસો ૧૩પ ટન કિંમત રૂા.૧.૦૮ લાખ તથા ૭૦ લાખના ત્રણ વાહનો, રોકડા અને મોબાઈલ મળી કુલ ૯૪,ર૬,૩૭૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓ સામે
ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી દિવ્યરાજસિંહ ઝાલા કંડલા બંદરે આવતા ઈમ્પોટેડ કોલસો ભરીને જતા વાહનોના ડ્રાઈવરોને ફોડી લઈ તેમાંથી સારી ગુણવત્તાનો
કોલસો કાઢી તેના બદલે હલકી ગુણવત્તાનો કોલસો ભરી ભેળસેળ કરતો હતો. એસએમસીના પીએસઆઈ એસ.એચ.ગઢવીએ દરોડો પાડ્યો હતો.
............
એસએમસી ત્રાટકી? હવે સ્થાનિકે કોના ચડશે તપેલા?
ભચાઉનો દિવ્યરાજ, ગાંધીધામનો રાહુલ કેમ નાશી છુટયા? આ શખ્સોને દબોચવામાં આવશે તો મોટા નેટવર્કનો થશે ભાંડાફોડ : આ બન્ને શખ્સોના ફોનના કોલ ડીટેલ્સની ચકાસણીઓ કરાવમા આવશે તો ખાખીના કોણ કોણ સંડોવાયેલા હતા તેના પણ નામો ખુલશે?
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં વિવિધ બેનામી ધંધાઓ પર સમયાંતરે તવાઈ બોલાવાઈ રહી છે તો બીજીતરફ એસએમસીની ટુકડી પણ અહી સફળ દરોડાની કામગીરી કરી રહી છે. ત્યારે હવે જાણકારોમાં ચર્ચાવા પામી રહ્યુ છે કે, એસએમસી ત્રાટકી છે ત્યારે હવે સ્થાનિકમાથી કોના તપેલા ચડવા પામશે.
ગાંધીધામ એલસીબી દ્વારા અવાર-નવાર હાઈવે પર સળિયા ચોરી, તેલ ચોરીના કારસ્તાનનો પર્દાફાશ કરવામાં આવે છે, પરંતુ આ પ્રમાણે કોલસાના ભેળસેળ પર દરોડો પડયો નથી. આ કાર્યવાહી બાદ કોનો ભોગ લેવાય છે તે જોવું રહ્યું.

Comments