લ્યો બોલો... બિદડાથી ગળપાદર પહોંચેલો અઢી લાખનો દારૂ પકડાયો
ઉલ્ટો સિનારિયો, પશ્ચિમ કચ્છમાં દારૂનો સરેઆમ વેપલો થતો હોવાની વધુ એક ઘટના
ગાંધીધામ એલસીબીએ માલ મંગાવનાર, મોકલનાર, લઈ આવનાર સહિત પાંચ જણા સામે ફરિયાદ નોંધાવી : વાહનો સહિત ૧ર લાખનો મુદ્દામાલ કબજે કરાયો
ગાંધીધામ : સામાન્ય રીતે પૂર્વ કચ્છમાંથી પસાર થઈને પશ્ચિમ કચ્છમાં દારૂ આવતો હોય છે પરંતુ પશ્ચિમ કચ્છના બૂટલેગરે પૂર્વ કચ્છમાં દારૂ પહોંચતો કર્યો હોવાની ઘટના સામે આવી છે. માંડવી તાલુકાના બિદડામાં રહેતા બૂટલેગરે માલ મોકલાવ્યો અને ગળપાદરમાં પકડાયો હતો. જે દર્શાવે છે કે, પશ્ચિમ કચ્છમાં દારૂનો ધંધો ધમધોકાર ચાલે છે ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ દારૂની બદી અટકાવવા માટે પગલાં કેમ ભરતી નથી ? તે સવાલ ઉઠી રહ્યો છે.
પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા દારૂની બદી અટકાવવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત વોચમાં રહેલી એલસીબીને બાતમી મળી કે, ગળપાદરમાં રહેતા સાગર ઈશ્વરદાસ લશ્કરી અને જયેશ બીજલભાઈ બકુત્રા દારૂનો ધંધો કરે છે અને તેઓએ બિદડાના સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા પાસેથી દારૂ મંગાવ્યો છે અને આ સહદેવસિંહનો માણસ વરસામેડી શાંતિધામમાં રહેતો શની સરદાર સફેદ કલરની ક્રેટા કાર નં.૩ર૧૪ મા દારૂ ભરી આવ્યો છે અને ગળપાદર ખાતે ગુરુકૃપા સોસાયટીથી આશરે ૧૦૦ મીટરના અંતરે સાગર લશ્કરીની વાડીમાં બનાવેલી ઓરડીમાં ઉતારે છે જે બાતમીના આધારે પહોંચેલી એલસીબીએ સ્થળ પરથી દારૂની ૩૭૦ બોટલ કિંમત રૂા.ર,પ૧,૪૬૮ નો મુદ્દામાલ કબજે કરયો હતો, જ્યારે ક્રેટા કાર નં.જીજે૧ર-ડીએમ-૩ર૧૪, બલેનો કાર નં.જીજે૩૯-સીબી-૩૦૭પ, એક્ટિવા નં.જીજે૩૯-ઈ-૬૩૯૯ અને બાઈક નં.જીજે૧ર-ડીપી-પ૧રપ મળી કુલ ૧ર,૦૧,૪૬૮ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે વાડીમાંથી ગળપાદરના હિતેન ભરતભાઈ વિરડાની ધરપકડ થઈ હતી. જ્યારે બાકીના ચારેય ઈસમો હાજર ન મળી આવતા એ-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
..........................

Comments