તુણા ડીપી વર્લ્ડમાં તાર ફેન્સિંગના કામ બાબતે લેબર કોન્ટ્રાકટરની હત્યાનો પ્રયાસ
સાત શખ્સોએ ખુની હુમલો કરી સ્કોર્પીયોમાં તોડફોડ કરી : સામે પક્ષે કીડાણાના લેબર કોન્ટ્રાકટરે પણ વળતી ફરિયાદ નોંધાવી
ગાંધીધામ : તુણા પોર્ટની બાજુમાં ડીપી વર્લ્ડનું કામ ચાલુમાં છે, જેમાં તાર ફેન્સિંગના કામ બાબતે લેબર કોન્ટ્રાકટરની હત્યાનો પ્રયાસ થતા દોડધામ મચી ગઈ છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ તુણામાં રહેતા કાસમ મામદ મથડાએ જણાવ્યું કે, આરોપી હાસમ આમદ સોઢા અને વસીમ આમદ સોઢાએ તારા ફેન્સિંગના કોન્ટ્રાકટ બાબતે ફરિયાદી સાથે બોલાચાલી કરી લેબર કામ અટકાવી દીધું અને બાદમાં ગેરકાયદે મંડળી બનાવી ધારીયા, તલવાર, પાઈપ જેવા હથિયારો ધારણ કરી ખુની હુમલો કર્યો હતો. ફરિયાદીનું ઢીમ ઢાળી દેવાના ઈરાદે ગંભીર હુમલો કર્યો હતો. તેમજ સ્કોર્પીયો ગાડીમાં તોડફોડ કરી ૩૦ હજારનું નુકશાન કરવામાં આવ્યું હતું. જે બાબતે હાસમ અને વસીમ ઉપરાંત અસગર અયુબ જુણેજા, ગની અયુબ જુણેજા, તાલીબ અસગર જુણેજા, સલીમ ગની જુણેજા, જુબેર હારૂન પટેલ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સામે પક્ષે કીડાણાના લેબર કોન્ટ્રાકટર વસીમભાઈ હાજી આમદ સોઢાએ આરોપીઓ સલીમ કાસમ મથડા, કાસમ ઉર્ફે મમુડો મથડા, અનવર ગાંધ, જમુડો મથડા, મુસ્તાક અબ્દુલ મથડા, અનવરનો છોકરો કલીપો સામે ગુનો દાખલ કરાવ્યો હતો.
આરોપીઓએ તાર ફેન્સિંગના કોન્ટ્રાકટ અંગે અગાઉ થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી ગેરકાયદે મંડળી રચી ધારીયા, પાઈપ, ધોકા વડે હુમલો કર્યો હતો. તેમજ સ્કોર્પીયો ગાડી અથડાવી ઈજા પહોચાડી હતી. કંડલા મરીનના પીઆઈ એ. એમ. વાળાએ સામ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બનાવની ગંભીરતાને પગલે ડીવાયએસપી મુકેશ ચૌધરી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

Comments