ધુળની ડમરીઓના કારણે જાટાવાડામાં ગાડી પલ્ટી મારી જતા શિક્ષકનું મોત
દિયોદરના શિક્ષક ડાવરી ગામે બેસણામાં આવતા હતા ત્યારે સર્જાઈ કરૂણાંતિકા : સતત બીજા દિવસે અકસ્માતમાં શિક્ષકનું મોત શિક્ષણ જગતમાં અરેરાટી
રાપર : નખત્રાણાના દનણાના બોર્ડના વિદ્યાર્થીનું દેવપર ગઢ પાસે અકસ્માતમાં મોત થયું, બીજા દિવસે માધાપરમાં કપચી પર એક્ટિવા સ્લીપ થતા ટાયરના જોટામાં આવી જતા કોલેજના પી.ટી. શિક્ષિકાનું કરૂણ મોત થયું. આ સદમામાંથી શિક્ષણ જગત બહાર આવે તે પહેલા રાપર તાલુકાના જાટાવાડા નજીક ધુળની ડમરીઓના કારણે ગાડી પલ્ટી મારી જતા બેસણામાં આવતા દિયોદરના શિક્ષકનું મોત થતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ દિયોદરમાં રહેતા હીરલબા મકનસિંહ ચૌહાણે બાલાસર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના પિતા મકનસિંહ ચૌહાણ વી.કે. વાઘેલા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત ૯ માર્ચના રાપરના ડાવરી ગામે સબંધી ગુજરી ગયા હોવાથી બેસણામાં આવતા હતા. ફરિયાદીના પિતા મકનસિંહ અને કાકાઈ ભાઈ સત્યપાલસિંહ ચૌહાણ આઈ-૧૦ ગાડી નંબર જી.જે.૮ ડીડી ૮૮૩૯ લઈને બેસણામાં જવા નિકળ્યા હતા. મૌવાણા ગામની સીમમાં રણમાં પહોંચ્યા ત્યારે આગળ સાધન જતું હોવાથી ધુળ ઉડતા આગળ કંઈ ન દેખાતા ગાડી રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી અને બે થી ત્રણ પલ્ટી ખાઈ જતા બન્નેને ઈજાઓ થઈ હતી. બન્નેને ૧૦૮ મારફતે સાંતલપુરની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં ગંભીર ઈજાઓના કારણે મકનસિંહ ચૌહાણનું મોત થયું હતું. જે બાબતે બાલાસર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

Comments