Trending News
સ્થાનિક સમાચાર

કચ્છીભાષા આજે પુરબહારમાં મહોરી છે

10 March


યુવા કચ્છી વાર્તાકાર વિષ્ણુ ગોર લિખિત પુસ્તક ‘છાભાસ’નું વિમોચન કરાયું

ભુજ : જોરાવરસિંહ કેશરીસિંહ રાઠોડ પરિવાર આયોજિત યુવા સર્જક વિષ્ણુ ગોર “વિશ્વાસ’ના પ્રથમ વાર્તાસંગ્રહ “છાભાસ’ના વિમોચન પ્રસંગે અધ્યક્ષ સ્થાને જોરાવરસિંહ રાઠોડ, અતિથિ સ્થાને ડો. કાન્તિભાઇ ગોર “કારણ”, ડો. કાશ્મીરાબેન મહેતા, જયેશભાઇ રાવલ રહ્યા હતા. પુસ્તકનો આસ્વાદ ડો. રમેશભાઇ ભટ્ટ ’રશ્મિ’એ કરાવ્યો હતો. આ વિમોચન સમારોહના અધ્યક્ષ સ્થાનેથી જોરાવરસિંહ રાઠોડે કચ્છી ભાષાના મહિમાગાન સાથે જણાવ્યું હતું કે, કચ્છી ભાષાનું સાહિત્ય ઝરણું ભુજિયા ડુંગરથી વહેતું વહેતું સમગ્ર વિશ્વમાં મીઠાશ અને કચ્છીયતની સુગંધ વહેતી કરી રહ્યું છે. જેમાં કચ્છના યુવા સર્જકો લખતા થયા છે. કચ્છી ભાષાના આભૂષણો અને રૂઆબદાર, લિજ્જતદાર વ્યંજનો સાથે કચ્છી ભાષા જે આજના દશકમાં દોડે છે તે જોઇ અનેરો આનંદ થાય છે. કચ્છી ભાષા આજે પુરબહારમાં મહોરી છે. કોઇ પણ કચ્છી લખનાર માટે મદદરૂપ થવાની શ્રી રાઠોડે ખાતરી આપી હતી , જેને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.અતિથિ સ્થાનેથી કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડો. કાન્તિભાઇ ગોરે ઉદ્‌બોધન કહ્યું હતું કે, કચ્છી ભાષામાં ગદ્ય લખવું કે વાંચવું સરળ નથી. તેમાં આજના યુવાનો કચ્છી ભાષામાં સરળતાથી સર્જન કરે તે આવનારા સમયના સારા સંકેત છે. આજના યુવા સર્જક વિષ્ણુ ગોર ફક્ત પચ્ચીસ વર્ષના છતાંય તેઓની કલમમાં પુખ્તતાના દર્શન થાય છે. તેમની કેટલીક વાર્તાઓમાં સ્ત્રીપાત્રોની સ્થિતિ અને મનોદશાનું નિરુપણ ધ્યાન ખેંચે તેવા છે.
અન્ય અતિથિ કચ્છ યુનિવર્સિટીના ડીન કાશ્મીરાબેન મહેતાએ ઉદ્બોધનમાં કલાત્મક રીતે “છાભાસ’ પુસ્તકના આયોજન અને લેખનને બિરદાવ્યું હતું. સાથે જણાવ્યું હતું કે, કચ્છી ભાષાનું સર્જન આજે અનુવાદકોની કેડીએ પોખાય છે તે આનંદની વાત છે. તો આકાશવાણી-ભુજના જયેશભાઇ રાવલે પોતાના પ્રવચનમાં કચ્છી ભાષાની નિરતર સેવા આકાશવાણી-ભુજ ૧૯૬૫થી કરી રહ્યું છે. સાથે કચ્છી સુગમ સંગીતથી નાટકો અને હરિકથા જેવા સાહિત્ય તત્ત્વોને ઉજાગર કરી રહ્યું છે. આકાશવાણી-ભુજે અનેક સર્જકોને તક આપી છે, લખતા કર્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
પુસ્તક ’છાભાસ’નો આસ્વાદ ડો. રમેશ ભટ્ટ “રશ્મિ’એ કર્યું હતું. જ્યારે પૂજાબેન જોશી અને સિરાજભાઇ નોડેએ “છાભાસ’ વાર્તાસંગ્રહમાંથી એક-એક વાર્તાનું વાચકમ્‌? કર્યું હતું. ’છાભાસ’ના સર્જક વિષ્ણુ ગોર “વિશ્વાસ’એ પોતાના પ્રતિભાવમાં પુસ્તક પ્રકાશનના દાતા જોરાવરસિંહ રાઠોડ પરિવાર અને સહયોગી સાહિત્યકારોનો આભાર માન્યો હતો. આવકાર સપ્તરંગના અધ્યક્ષ ઝવેરીલાલ સોનેજીએ જ્યારે આભારવિધિ જાણીતા કચ્છી સાહિત્યકાર ગૌતમજોશીએ કરી હતી. આ પ્રસંગે જયપ્રકાશ ગોર, અજિતભાઇ માનસતા, પબુ ગઢવી “પુષ્પ, મદનકુમાર અંજારિયા “ખ્વાબ’, રસિકભાઇ મકવાણા, દમયંતીબેન બારોટ, ડો. મધુકાંત આચાર્ય, નેષદ મહેતા, બિનાબેન ભાનુશાલી, પૂજાબેન અયાચી, બિહારીલાલ અજાણી અને લેખકના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ભારતીબેન ભરતભાઇ ગોર (માંડવી)એ કર્યું હતું. 
------

Comments

COMMENT / REPLY FROM