શેખપીર પાસે લકઝરી બસે છકડો રીક્ષાને ઉડાવતા યુવાનનું મોત : ચાર ઘવાયા
ભુજ - ભચાઉ હાઈવે રોડના ખાડા સહિતની અધુરાશો દૂર કરવા તંત્ર કયારે જાગશે ?
ભુજ : શેખપીરથી ભચાઉ જતા હાઈવે રોડ પર ગઈકાલે રાત્રે અકસ્માત થયો હતો. બીકેટી કંપનીથી કર્મચારીઓને લઈ ભુજ તરફ આવતા છકડાને લકઝરી બસના ચાલકે ટક્કર મારતા છકડામાં સવાર એક વ્યક્તિનું મોત થવા સાથે ચાર જણા ઘાયલ થયા હતા. અકસ્માતમાં છકડાનો બુકડો બોલી ગયો અને રોડ પર કાચ વેરાઈ ગયા હતા.
આ બાબતે મળતી વિગતો મુજબ બીકેટી કંપનીથી છકડામાં બેસીને વાયબલ કોલોની જયોતિ પાર્ક જતી વખતે અકસ્માત નડયો હતો, જેમાં મુળ રાજસ્થાનના ૩૦ વર્ષિય ટીંકુ મોહનસિંઘને ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું. જયારે છકડામાં સવાર મહેન્દ્રભાઈ, રામભાઈ, બ્રિજેન્દ્રભાઈ તેમજ રીક્ષા ચાલક સાગરભાઈ મહેશ્વરીને ઈજાઓ થઈ હતી. જેઓને સારવાર માટે જી.કે.માં ખસેડવામાં આવ્યા હતા. લકઝરી બસ નંબર જી.જે.૧૮ વાય ૯૪૯૮ ના ચાલકે ટક્કર મારતા આ બનાવ બન્યો હતો. જે બાબતે પધ્ધર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બનાવને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
...........

Comments