દેવપર ગઢ ગામે અકસ્માતમાં બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મોત
નખત્રાણા તાલુકાના દનણા ગામના બે વિદ્યાર્થી ગઢશીશા પરીક્ષા કેન્દ્ર પર ધો.૧૦ની પરીક્ષા આપવા જતા હતા ત્યારે સર્જાઈ કરૂણાંતિકા : દેવપર ગઢના બસ સ્ટેશન પાસે બાઈક હાર્વેસ્ટરમાં ભટકાતા ગંભીર ઈજાઓના કારણે એકનું મોત : બીજાને ઈજાઓ થતા જી.કે.માં સારવાર તળે : બનાવને પગલે અરેરાટી ફેલાઈ
ગઢશીશા : હાલમાં ધો.૧૦ અને ૧ર ની બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે, તેવામાં ગઢશીશા નજીક દેવપર ગઢ ગામે આજે સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મોત થતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગઢશીશા નજીક દેવપર ગઢ ગામના બસ સ્ટેશન પાસે આ બનાવ બન્યો હતો. આજે સવારે બે વિદ્યાર્થી બાઈક પર પરીક્ષા કેન્દ્ર જતા હતા ત્યારે બસ સ્ટેશન પાસે ઘઉં કાપવાના હાર્વેસ્ટર સાથે ભટકાતા ગંભીર ઈજાઓના કારણે એક વિદ્યાર્થીનું મોત થયું હતું. ગઢશીશા પોલીસ સ્ટેશન અને સુત્રોના જણાવ્યા પ્રમાણે નખત્રાણા તાલુકાના કોટડા રોહા ખાતે આવેલી શેઠ નાગજી વિશ્રામ હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓનો નંબર ગઢશીશાની નુતન વિદ્યાલયમાં આવ્યો હતો. નખત્રાણા તાલુકાના દનણા ગામે રહેતા બે વિદ્યાર્થી સોઢા હિતેશસિંહ ગુલાબસિંહ અને સોઢા ધ્રુવરાજસિંહ મંગલસિંહ આજે સવારે બાઈક લઈને ગઢશીશા પરીક્ષા કેન્દ્ર પર ધો. ૧૦ ની પરીક્ષા આપવા જતા હતા ત્યારે દેવપર બસ સ્ટેશન પાસે અકસ્માત નડયો હતો. જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે હિતેશસિંહનું મોત થયું હતું. જયારે ધ્રુવરાજસિંહને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા ઘટના સ્થળે લોકો ભેગા થઈ ગયા હતા. ગઢશીશા પોલીસે બનાવ બાબતે અકસ્માતની નોંધ દાખલ કરી છે. ધો. ૧૦ ના વિદ્યાર્થી વિજ્ઞાનનું પેપર આપવા જતા હતા ત્યારે નડેલા અકસ્માતને પગલે નાનકડા ગામ દનણામાં શોક ફેલાઈ જવા સાથે દેવપર ગઢમાં પણ અરેરાટી ફેલાઈ હતી.
...................
આ રોડ પર ત્રણ વર્ષથી જીવલેણ અકસ્માત સર્જાવાનો સીલસીલો યથાવત છતાં તંત્ર બેફિકર
ગઢશીશાથી દેવપર જતા રોડ પર અવારનવાર અકસ્માત સર્જાય છે અને તેમાં પણ છેલ્લા ત્રણ વર્ષથી જીવલેણ અકસ્માત સર્જાવાનો સીલસીલો થંભતો નથી. આ રોડ પર ખનીજ પરિવહન કરતા ભારે અને ઓવરલોડ વાહનો બેફામ દોડી રહ્યા છે. જે બાબતે અવારનવાર રજુઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. રોડની બન્ને સાઈડ ખરાબ રીતે ઉતરી ગઈ છતાં નવીનીકરણ કરવામાં આવતું નથી. રોડ પર પડેલા ખાડાના કારણે અવારનવાર દ્વિચક્રી વાહનોને અકસ્માત નડે છે. ભારે અને ઓવરલોડ વાહનો રોકવા માટે સરપંચ ચાંપશીભાઈ ધેડાની આગેવાનીમાં અવારનવાર રસ્તા રોકો આંદોલન કરાયું છતાં પોલીસ દ્વારા માત્ર ખાતરીઓ આપવામાં આવે છે. તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી, ગ્રામજનોમાં પણ રોષ ફેલાયો છે.

Comments