Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં પેસેન્જર વાહનોમાં ચોક્કસ સ્ટીકર લગાવી દર મહિને હપ્તાનું બાંધણું 

06 March



ખીચોખીચ ભરેલી ગાડીઓ પોલીસ અને આરટીઓની નજર સામે નિકળે છતાં કાર્યવાહી ન કરવા પાછળનું કારણ આવ્યું સામે : ભૂતકાળમાં ભુજ ટ્રાફિક પોલીસમાં ગાજેલું ડાયરી પ્રકરણ ફરી એકવખત ચર્ચામાં આવ્યું : જ્યુબિલી પાસે ચારે તરફ પોલીસ હોય અને છકડા, તુફાન, લક્ઝરીમાં લટકતા માણસો પસાર થાય અને પોલીસ માત્ર હેલ્મેટ વગર નિકળતા વાહન ચાલકને પકડે તેમાં સમજવું શું ? 


પોલીસ સ્ટેશનોમાં વહિવટદાર બદલાયા પરંતુ સીટી અને જિલ્લા ટ્રાફિકમાં વહિવટદાર બદલવાના બદલે ભરતી કરવાનો મુદ્દો તાજેતરમાં બન્યો હતો ટોક ઓફ ધી ટાઉન : ઘણા કર્મચારીઓ વર્ષોથી ટ્રાફિક શાખામાં ફરજ બજાવે છે તેઓની બદલી ન થતાં ફેલાયું આશ્ચર્ય : પોલીસ સ્ટેેશનના સ્ટાફની છેવાડાના વાયોર, કોઠારા, જખૌમાં બદલી થાય તો ટ્રાફિકના કર્મચારીઓની કેમ નહીં ?  



ભુજ : કેરા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતને લઈને ફરી એકવાર કચ્છમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસની કામગીરી ચર્ચાના દાયરામાં આવી છે. નાગરિકો તો તંત્ર સામે નારાજગી વ્યક્ત કરે છે પરંતુ મોકાનો લાભ લઈ કેટલાક આરટીઆઈ એક્ટીવીસ્ટ અને કહેવાતા આગેવાનો પણ હવે જાહેર પત્રો લખીને પોતે સહાનુભુતી વ્યક્ત કરતા હોવાનો દેખાવ કરે છે. જે હોય તે પરંતુ પોલીસ અને આરટીઓની કામગીરી શંકાના દાયરામાં તો છે જ !
ટ્રાફિક પોલીસનું મુખ્ય કામ જાહેર રસ્તા, સર્કલો અને બજાર વિસ્તારમાં ટ્રાફિક ન થાય તે જોવાનું હોય છે. ભુજમાં દરેક જગ્યાએ ટ્રાફિક પોલીસનો પોઈન્ટ ફાળવાય છે, પરંતુ અહીં મુકાતા કર્મચારીઓને જ ટ્રાફિકની સેન્સ નથી. જયારે ટ્રાફિક પોલીસ હોય ત્યારે જ વધારે ટ્રાફિક થાય છે તેવું વાહન ચાલકોનું ખુદનું માનવું છે. જયારે જોઈએ ત્યારે ટ્રાફિક પોલીસ બાઈક સવારોને પકડી અલગ અલગ કાયદા બતાવી કાર્યવાહીનો રોફ બતાવે છે. તેમાં પણ ખાસ કરીને યુવકોને જ પકડવામાં આવે છે. પરંતુ આજ પોલીસની સામે બ્લેક કાચમાં કાર જાય, ફેન્સી નંબર પ્લેટ હોય, સીટ બેલ્ટ ન હોય તેમ છતાં કાર્યવાહીની કોઈ હિંમત થતી નથી. ભુજમાં બધી જગ્યાએ નેત્રમના કેમેરા લગાવ્યા છે, તેમાં સીટ બેલ્ટના મેમો અપાય છે. તો બ્લેક ફિલ્મના મેમો કેમ અપાતા નથી ? કેટલાક પોલીસ કર્મચારીઓ ખુદ હેલ્મેટ પહેરતા નથી અને બીજાને દંડ ફટકારે છે. પોતાની બાઈક કે, કારમાં પોલીસ લખેલા સ્ટીકર લગાવે છે, જે ખરેખર નિયમની વિરૂદ્ધ છે. ટ્રાફિક પોલીસ માટે કાયદો એટલે નાના વાહન ચાલકોને દંડવા અને માત્ર ઉઘરાણી કરવી તે પુરૂતું જ સીમીત રહી ગયું છે. ટ્રાફિક ડ્રાઈવના નામે વાહન ચાલકોને હેરાન પરેશાન કરી ટ્રાફિકના નિયમોના પાલન કરાવવાને બદલે રોકડી કરવામાં આવે છે. ટીઆરબીને વાહન રોકવાની સતા જ નથી, છતાં તેઓ વાહનો ઉભા રખાવી લાયસન્સ ચેક કરવા સાથે સીધી બાઈકની ચાવી જ ઝુંટવી લે છે. અમુક રિક્ષા, છકડા વાળાઓ પાસેથી ૬૦૦ રૂપિયા મહિનાનો હપ્તો ઉઘરાવાય છે, જેથી તેઓને કયાંય પકડવામાં આવતા નથી. 
એક વાત તો એવી છે કે, સુરક્ષાના નામે ભુજમાં પેસેન્જ વાહનોમાં ક્યુઆર કોર્ડ લગાવાયા છે. ખરેખર લોકોને એમ છે. આ અમારી સુરક્ષા માટે માહિતી પ્રદાન કરતા ક્યુઆર કોડ છે. પરંતુ સુત્રો દાવો કરે છે કે, જે વાહનોમાં ક્યુઆર લાગેલા છે તેમની પાસેથી દર મહિને હપ્તો ઉઘરાવાય છે, જેથી તેઓને કયાંય ચેક કરવામાં આવતા નથી. દર મહિનાની ૧થી ૧૦ તારીખમાં હપ્તો લેવાતો હોવાની પણ વાત સામે આવી છે. જો કે, ટ્રાફિક પોલીસ તો એક જ ગીત ગાય છે અમે સુરક્ષા માટે ક્યુઆર લગાવ્યા છે. ભૂતકાળમાં ભુજ ટ્રાફિક પોલીસમાં જ હપ્તા માટે ડાયરીનું કૌભાંડ ગાજ્યું હતું, જેમાં જે તે સમયના અધિકારી સામે આક્ષેપો ઉઠ્યા બાદ કાર્યવાહી થઈ હતી. હાલ તે પૂર્વ કચ્છમાં ફરજરત છે. 
દરમિયાન ગુજરાત રાજ્ય ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના અધ્યક્ષ એમ.એ. બાવાએ એક પત્રમાં સીધો આક્ષેપ કર્યો છે  કે, પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સામાન્ય નાગરિકોને પરેશાન કરીને રીતસરની રોકડી કરવામાં આવે છે. હપ્તા ઉઘરાવવામાં આવે છે, જેથી ટ્રાફિક પોલીસ સામે કાર્યવાહી કરવી જરૂરી છે. ટ્રાફિક વિભાગમાં વર્ષોથી એક જ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. તેઓની મિલકતો તપાસમાં આવે, દરેક પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓની બદલી થતી હોય તો ટ્રાફિક પોલીસમાં કર્મચારીઓની બદલી કેમ થતી નથી ? તેવો સવાલ ઉઠાવી ટ્રાફિક પોલીસ વહિવટદારોનું એપી સેન્ટર હોવાના આક્ષેપ કરી પોલીસની છબી ખરડાતી હોવાનું જણાવ્યું છે. સામાન્ય પગારમાં મોંઘાદાટ ફોન અને ગાડીઓ કેવી રીતે આવે તે સામાન્ય લોકો પણ સમજી શકે તેવી બાબત છે. આવા કર્મચારીઓ સામે જિલ્લા સ્તરેથી પગલાં ન લેવા પાછળની છુપી રમત પણ  સામાન્ય નાગરિકો સમજી ચુકયા છે. 


...........


છકડામાં પેસેન્જર ક્ષમતાના નિયમોનો ઉલાળિયો 



આમ તો આરટીઓના નિયમ પ્રમાણે રિક્ષામાં માત્ર ૩ વ્યક્તિ બેસી શકે અને છકડામાં ૪ વ્યક્તિ બેસી શકે પરંતુ ડ્રાઈવરની બાજુમાં માણસો બેસાડાય, સીટની આગળ પાટિયુ ફીટ કરાય અને છકડામાં પાછળ ચાર ચાર લોકોને બેસાડવામાં આવે છે. ઘણી વખત ઓવરલોડના કારણે છકડો પલટી મારે તેવી શકયતાઓ પણ બને છે. વાણિયાવાડમાં જયાં સિટી ટ્રાફિક પોલીસની ચોકી છે ત્યાંથી છકડા ભરાય છે. છકડા ખાલી થાય છે. સહેજ આગળ જઈએ તો ઘેટા બકરાની જેમ તુફાન, ઈકો, જીપ, બસ ભરાય છે. પરંતુ પોલીસને આ વાહનો દેખાતા નથી. માત્ર બાઈક અને એક્ટિવા જ દેખાય છે. 


...............

Comments

COMMENT / REPLY FROM