- તો ભુજના ઓનલાઈન ક્રીકેટ સટ્ટાકાંડમાં થાય વધુ કડાકા - ભડાકા
બુકી મિત આણી ટોળકી ઝડપાતા ગર્ભિત ઈશારો
ભુજ - મુન્દ્રા હાઈવે પર ક્રેટા કારમાં ભારત - ઓસ્ટ્રેલિયાની સેમિ ફાઈનલ પર રમાતો હતો સટ્ટો : રોકડા ત્રણ લાખ સહિતના મુદ્દામાલ સાથે બબુની ધરપકડ : ભાગીદાર સહિત આઈડી આપનાર અને રમનાર ૧૬ શખ્સોના નામો ખુલ્યા : ભુજ બી ડિવિઝન પોલીસની હદમાં કાર્યવાહી થતા જવાબદારના તપેલા ચડી જાય તો નવાઈ નહીં
ભુજ : હાલમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી અને મહિલા આઈપીએલની ટુર્નામેન્ટને પગલે ક્રિકેટ રસીયાઓમાં અનોખો માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં આઈપીએલનો મહાકુંભ એટલે કે બુકીઓની સીઝન શરૂ થવાની હોવાથી નાના મોટા બુકીઓ સહિત તમામ પંટરો સક્રિય બની ગયા છે, તેવામાં લાંબા સમયથી ક્રિકેટ સટ્ટામાં જેનું નામ ચર્ચાતું હતું તે ભુજના બુકીને ગાંધીનગરથી એસએમસીની ટુકડીએ દરોડો પાડી તેને ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેકવિધ સવાલો ઉઠવા પામ્યા છે.
આ બાબતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ ભુજ - મુન્દ્રા હાઈવે રોડ પર ટ્રોલી મોલની સામે દરોડો પાડવામાં આવ્યો હતો. ક્રેટા ગાડી નંબર જી જે ૧ર એફસી ૩૦૦૦ માં બેસીને આ શખ્સ ઓનલાઈન સટ્ટો રમાડતો હતો. મંગળવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિ ફાઈનલનો રસ્સાકસ્સી ભર્યો જંગ હતો, તેમાં આ શખ્સ સટ્ટો રમાડતો હતો. એસએમસીએ દરોડો પાડીને પ્રમુખ સ્વામિનગરમાં આવેલ ઓધવપાર્ક - ર માં રહેતા મીત ઉર્ફે બબુ કાંતિલાલ કોટકને ઝડપી તેની પાસેથી ૩.૦૪ લાખ રોકડા, ૬૦ હજારના બે મોબાઈલ અને ૧૦ લાખની ગાડી કબજે કરી છે. તપાસ કરતા તેના ફોનમાં ત્રણ અલગ અલગ માસ્ટર આઈડી મળી આવી હતી, જે
હિંમાશુ કીલીંગર, મીત રાઠોડ અને ગોપાલ ગઢવીના નામે હતી, જેમાં કુલ્લ ૭૮.૯ર લાખ બેલેન્સ હતું. આરોપીને ઝડપી મુદ્દામાલ સાથે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવાઈ હતી. તપાસ કરતા ૧૬ લોકોના નામ ખુલ્યા છે. જેમાં મીત કોટકનો પાર્ટનર માધાપરનો નીરજ પરમાર, માસ્ટર આઈડી આપનાર હિંમાશુ કીલીંગર, મીત રાઠોડ, ગોપાલ ગઢવી તેમજ આઈડી ધારક અક્ષયભાઈ, દીપકભાઈ, ધવલભાઈ, જયભાઈ, જુણસ, પારસ, ધવલભાઈ, જીત રૂપારેલ, યુવરાજ, જીગર, ધવલભાઈ, સાહીલના નામ ખુલ્યા હતા. આ ખેલીઓની આઈડી અને મોબાઈલ નંબર સહિતની વિગતો સ્ટેટ મોનીટરીંગ સેલને હાથ લાગી છે. જેના આધારે તેઓની તપાસ કરી ક્રિકેટના મસમોટા સટ્ટાકાંડનો પર્દાફાશ કરવામાં આવશે. એસએમસીના પીએસઆઈ કે. એચ. ઝણકાટે દરોડો પાડી સપાટો બોલાવ્યો હતો. મહત્વની બાબત એ છે કે, બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ, એલસીબી, એસઓજી, સ્થાનીક બી ડિવિઝન પોલીસને આ બાબતે અંધારામાં રાખીને ગાંધીનગરથી ટીમે બોલાવેલો સપાટો ઘણો સુચક માનવામાં આવે છે. આ બાબતે અગાઉ પણ ઘણી ફરિયાદો થઈ ચુકી છે, પરંતુ સ્થાનીક પોલીસે આંખ મીચામણા કર્યા હોવાનું કહેવાય છે, જેથી ગાંધીનગરથી ટીમને આવીને દરોડો પાડવાની ફરજ પડી હતી. આટલી મોટી માત્રામાં પશ્ચિમ કચ્છમાં પહેલી વખત કેસ થયો છે. સ્થાનીક પોલીસની દેખીતી રીતે બેદરકારી સામે આવતા કોઈનો તપેલો ચડી જાય તો નવાઈ નહીં.
............
સ્થાનીક પોલીસ પોતાની મુળ કામગીરી ભુલીને અન્ય
પ્રવૃતિમાં રસ ધરાવતી હોવાથી ગાંધીનગરથી દરોડા પડે છે
ખરેખર પોલીસનું મુળ કામ દારૂ, જુગાર જેવી બદીઓ અટકાવવાનું હોય છે અને ઘરફોડ કે લૂંટના કિસ્સામાં આરોપીઓને તાકીદે ઝડપી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાની હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમ કચ્છ પોલીસ પોતાની મુળ કામગીરી ભુલીને અન્ય પ્રવૃતિમાં વધારે રસ દાખવતી હોય તેવું ચિત્ર જોવા મળે છે. પોલીસ સરકારી સંસાધનોનો થતો વ્યય અટકાવે છે તે સારી બાબત પરંતુ જોવા જઈએ તો દારૂનું બેફામ વેચાણ છતા બુટલેગરો અને માલ પકડાતો નથી. જુગારની બદીમાં અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે. તેમજ પશ્ચિમ કચ્છમાં તો કેબલ ચોરોએ તરખાટ મચાવ્યો છે. ભુજના જ ઘણા વિસ્તારોમાં થયેલી લાખોની ઘરફોડ ચોરીમાં આરોપી મળતા નથી. અનેક મર્ડર વણઉકેલાયેલા છે. ખરેખર પોલીસ આ દિશામાં પણ કામગીરી કરે તો ગાંધીનગરથી એસએમસીને ભુજ આવી દરોડા પાડવાની ફરજ ન પડે તેવું જાણકારો જણાવી રહ્યા છે.

Comments