ભુજમાં ભારતીય કિસાન સંઘના સ્થાપના દિનની કરાઈ ઉજવણી
ભુજ : આજથી લગભગ ૫૦ થી ૬૦ વર્ષ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક શ્રદેય દતોપંતજી ઠેગણીજી ભારત ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમણે ખેડૂતોની દયનીય હાલત જોઈ અને મનમાં વિચાર આવ્યો કે મારા દેશના શોષિત પીડિત ખેડૂતોની વાત સાંભળવા માટે કોઈ એક સંગઠનની જરૂરત હોઈ શકે, ત્યારે તેમણે ૪ માર્ચ ૧૯૭૯ના રોજ રાજસ્થાનના કોટા ખાતે માત્ર સાતથી આઠ લોકોના સમૂહ દ્વારા ભારતીય કિસાન સંઘની સ્થાપના કરી હતી. આજે તેમના વિચારો દ્વારા રાષ્ટ્રીય સ્તરથી ગ્રામ સમિતિ સુધીની રચના સમગ્ર ભારતમાં થઈ ચૂકી છે અને આ સંગઠન મોટા વટવૃક્ષ સમાન છે, ત્યારે ખેડૂતોના કોઈપણ પ્રશ્નોને વાચા આપી સરકાર સુધી પહોંચાડવા તેમજ દરેક કાર્યકર્તાએ દતોપંતજીના વિચારો ખેડૂતો સુધી પહોંચાડવા તે હેતુથી સમગ્ર ભારતમાં કિસાન સંઘના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ભુજના જિલ્લા કાર્યાલય કાર્યાલય ખાતે ભુજ તાલુકા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભૂજ તાલુકા પ્રમુખ કાનજીભાઈ, મંત્રી અશોકભાઈ, રવજીભાઈ, કાંતિભાઈ, શિવજીભાઈ, રમેશભાઈ, વાલજીભાઈ વગેરે કાર્યકર્તાઓ જોડાયા હતા. પ્રથમ ભગવાનને દીપ પ્રગટાવી, પ્રસાદી બાદ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ કાનજીભાઈ દ્વારા ખેડૂતોની સુખાકારી માટે ભગવાન બલરામજી અને ભારત માતાને પ્રાથર્ના કરવામાં આવી હતી અને ખેડૂતોને પણ શ્રદેય દતોપંતજીના વિચારોને હૃદયમાં ઉતારી અને દરેક કાર્યકર્તાઓે સંગઠનની રીતિ-નીતિ મુજબ કામ કરે તેવું આહ્વાન કરવામાં આવ્યું હતું.
------

Comments