કચ્છમાં ૧૧૦૦ વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતામાં કરાશે વધારો
ઉનાળા દરમ્યાન વીજ વિક્ષેપ ટાળવા પીજીવીસીએલ તંત્રની કવાયત
કચ્છમાં શિયાળાની વિદાય પૂર્વે જ વીજમાંગમાં ૧૦ ટકાનો વધારો : ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ વીજ ખપત વધી : ૬૮૦ ટ્રાન્સફોર્મની ક્ષમતામાં વધારો કરવાની
કામગીરી પૂર્ણ : લગ્નસરાની સીઝન અને બોર્ડની પરીક્ષાના પગલે કામગીરી પૂર્ણ કરવામાં વિલંબ
જ્યોતિગ્રામ યોજનાની ૧૧ કેવીની ૧૧૪ર કિલોમીટર લાંબી વીજલાઈનો પર કવર કંડકટર લગાવવાની કામગીરી પ્રગતિમાં : દૈનિક ૧૦ કિલોમીટર વીજલાઈન પર કંડકટર લગાવવાની ચાલી રહી છે કામગીરી : ભરતભાઈ રાઠોડ (અધિક્ષક ઈજનેર)
ભુજ : આ વર્ષે કચ્છમાંથી શિયાળાની સીઝન વહેલી વિદાય લઈ લીધી છે. સામાન્ય રીતે મહાશિવરાત્રી પર્વ બાદ કચ્છમાંથી ઠંડીની વિદાય થતી હોય છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ ઠંડીમાં ક્રમશઃ ઘટાડા સાથે ગરમીએ દસ્તક દેતાં જિલ્લામાં વીજ માંગામાં ૧૦ ટકાનો વધારો થયો છે. ગત વર્ષે ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વીજમાંગ વધી છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળામાં વીજ માંગ નવી સપાટીએ પહોંચે તેવી સંભાવના છે.આ અંગેની વિગત મુજબ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ ઠંડી ઓછી થઈ હોવાથી રહેણાંક, કોમર્શિયલ, ઔધોગિક અને કૃષિ વિષયક વીજ કનેકશનોમાં વીજ ખપત વધી છે. ખાસ કરીને દિવસ દરમ્યાન પંખા, એસી, ફ્રીઝ જેવા ઉપકરણોનો વપરાશ વધ્યો છે. કોમર્શિયલ વીજ કનેકશનોમાં પણ વીજ ખપત ૧૦ ટકા જેટલી વધી છે. છેલ્લા ચારેક વર્ષથી સીઝન બદલાતી હોય તેવા સમય એટલે કે, ફેબ્રુઆરી મહિનામાં વીજ માંગ સતત વધતી રહે છે. આ વર્ષે કચ્છ સહિત રાજ્યભરમાં ગત ફેબ્રુઆરી માસની સરખામણીએ વીજ માંગ ૧૧ ટકાથી વધુ વધી છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિને જ રાજ્યમાં ર૩,૬૩૩ મેગાવોટ વીજ માંગ ઉભી થઈ છે. જે વિતેલા ચાર વર્ષની સરખામણીએ વધુ છે. વર્ષ ર૦ર૪માં ર૧,ર૪૮ મેગાવોટ, વર્ષ ર૦ર૩માં ૧૯,૧૮પ મે.વો. વર્ષ ર૦રરમાં ૧૭,૩૦૪ મે.વો. અને વર્ષ ર૦ર૧માં ૧૭,ર૯ર મે.વો. રહી હતી. ક્રિસીલ ઈન્ટેલીજન્સના રિપોર્ટ અનુસાર આ વર્ષે દેશભરમાં ૪.પ ટકાથી પ.પ ટકા સુધી વધશેુ.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા ઉનાળા દરમ્યાન કચ્છમાં વીજ વિક્ષેપની ઘટનાઓ ઓછી બને તે માટે કવાયત હાથ ધરી છે. અધિક્ષક ઈનજરે ભરતભાઈ રાઠોડે વિગત આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષે ઉનાળામાં સર્જાયેલ સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે પશ્ચિમ કચ્છના ૬ ડિવિઝનમાં કુલ ૧૧૦૦ જેટલા વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતામાં વધારો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે પૈકી અત્યાર સુધી ૬૮૦ જેટલા ટ્રાન્સફોર્મરની ક્ષમતામાં વધારો કરવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક ફેબ્રુઆરી મહિનાના અંત સુધીનું રખાયું હતું, પરંતુ લગ્નગાળો, બોર્ડની પરીક્ષા અને નવા ટ્રાન્સફોર્મર આવવામાં થતા વિલંબના કારણે કામગીરી પૂર્ણ થવામાં વિલંબ થયો છે, પરંતુ તંત્ર દ્વારા માર્ચ મહિનાના અંત સુધી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે.
આ ઉપરાંત શ્રી રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, આગામી ઉનાળાની સીઝનને ધ્યાને લઈ જ્યોતિગ્રામ યોજનાની ૧૧ કેવીની ૧૪૪ર કિલોમીટર લાંબી વીજ લાઈનોને તાપમાનમાં થતા વધારાની અસરથી ટ્રેપ થતી અટકાવવા કવર કંડકટર લગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૪૦૦ કિલોમીટર જેટલી વીજલાઈનોને કવર કંડકટર લગાડી દેવામાં આવ્યા છે, હાલ દૈનિક ૧૦ કિલોમીટરની લાઈન પર કવર કંડકટર લગાવવામાં આવી રહ્યા છે. એપ્રિલ મહિના સુધી કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રખાયું છે.
ઉનાળાની સીઝનમાં વીજળીની ખપત વધુ રહેતી હોય છે. સાથે વીજ વિક્ષેપના બનાવો પણ વધતા હોય છે. ગત ઉનાળાના અનુભવને ધ્યાને લઈ પીજીવીસીએલના ગ્રાહકોને વધુ સારી સુવિધા પુરી પાડવા તંત્ર કટિબદ્ધ છે. વીજ ટ્રાન્સફોર્મરના લોડ વધારા અને કવર કંડકટરના લીધે વીજ વિક્ષેપની ઘટનાઓ ઓછી થયે ઉનાળાની શરૂઆત પૂર્વે કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય રખાયું હતું, પણ વિવિધ કારણોસર વિલંબ થયો છે તેવું વધુમાં ઉમેર્યું હતું.
.............

Comments