Trending News
સ્થાનિક સમાચાર

અંજાર જીઆઈડીસીમાં નીમકોટેડ યુરિયા પકડાવાના સાડા ચાર મહિના જૂના પ્રકરણમાં ફોજદારી

04 March




જે તે સમયે એલસીબીએ દરોડો પાડી સરકારી ખાતરની ર૬૪ બોરી પકડી હતી : જૂનાગઢથી એફએસએલ રીપોર્ટ આવ્યા બાદ ફેકટરી માલિક, ટ્રક માલિક, ખાતર ભરી આપનાર કકરવાની મંડળીના બે શખ્સો સામે નોંધાયો ગુનો : પોલીસે અટકાયત કર્યા બાદ ચારેય જણા જામીન પર છુટી ગયા


અંજાર : પૂર્વ કચ્છમાં ગેરકાયદે રીતે સરકારી ખાતરની હેરાફેરી થાય છે. સરકાર દ્વારા ખેડૂતોને નીમ કોટેડ યુરીયા સબસીડી સાથે આપવામાં આવે છે, જેથી પાકમાં સારી ઉપજ આવે પરંતુ કેટલાક ખાતર માફિયાઓ ખેડૂતોના હક્કનું ખાતર બારોબાર સગેવગે કરી પૂર્વ કચ્છની પ્લાય કંપનીઓમાં સપ્લાય કરતા હોય છે. અગાઉ પણ અનેક મામલાઓ સામે આવ્યા છે તેવામાં સાડા ચાર મહિના પહેલા અંજાર જીઆઈડીસીમાંથી એલસીબીએ આધાર પુરાવા વગરનું ખાતર કબજે કર્યું હતું. જે એફએસએલ તપાસમાં સરકારી હોવાનું પુરવાર થયા બાદ ગુનો દાખલ કરાયો છે. જેમાં આરોપીઓની ધરપકડ પણ થઈ ગઈ હોવાનું અને જામીન પર છુટી ગયાનું જાણવા મળ્યુ છે. 
ગત ૧૭ ઓકટોબરના ગાંધીધામ એલસીબીએ અંજારમાં જીઆઈડીસી ખાતે આવેલ લક્ષ્મી પોલીમર્સ ફેકટરીમાં દરોડો પાડયો હતો. જેમાં નીમકોટેડ યુરીયાની ૭૦૩પ૬ કિમતની ર૬૪ બોરી પકડાઈ હતી. જી.જે.૧ર.એકસ ર૦૯૧ નંબરના વાહનમાં શંકાસ્પદ યુરીયા ખાતર હોવાની બાતમી આધારે દરોડો પાડતા આ વાહનમાંથી લક્ષ્મી પોલીમર્સમાં માલ ખાલી કરવામાં આવતું હતું. જે તે સમયે ફેકટરી માલિક વિનોદ લીંબાણી અને ટ્રક ચાલક ભરત ચૌહાણ પાસે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. જેથી વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પુછપરછ કરતા ડ્રાઈવરને કકરવાના રામજી આહિર અને મહાદેવ આહિરે ટ્રકમાં માલ ભરી આપ્યો હોવાની કેફીયત અપાઈ હતી. બાદમાં નાયબ ખેતી નિયામકે તપાસ કરતા કકરવા ફળ અને શાકભાજી સહકારી મંડળીનો પરવાનો મોકુફ કર્યો હતો. નીમ કોટેડ યુરિયાનો જથ્થો ખેતીપાકમાં ઉપયોગમાં લેવાને બદલે ઈન્ડસ્ટ્રીયલ વપરાશ માટે મોકલવામાં આવતો હતો. ખાતરના નમુના તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. સાડા ચાર મહિના પછી રીપોર્ટ આવતા અંતે એલસીબીએ સરકાર તરફે ફરિયાદ નોંધાવી છે. જેમાં ફેકટરી માલિક દેવપર યક્ષના અને હાલે અંજારમાં રહેતા વિનોદભાઈ જયંતીલાલ લીંબાણી, ટ્રક માલિક ભચાઉના ભરત છગનલાલ ચૌહાણ તેમજ કકરવાના માલ ભરી આપનાર રામજીભાઈ આહિર અને મહાદેવભાઈ આહિર સામે આધાર પુરાવા વીના ભારત સરકાર દ્વારા મોટી સબસીડીથી આપવામાં આવતા નીમ કોટેડ યુરીયા ખાતરની ગેરકાયદે હેરફેર કરી ખેતીના બદલે અન્ય વપરાશ માટે ઉપયોગ કરાતા આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાબતે અંજાર પોલીસે ગુનો દાખલ કર્યા બાદ ગતરોજ ચારેય આરોપીની અટકાયત કરી હતી. જેઓ પોલીસ જામીન પર છુટી પણ ગયા છે. 


.....................

Comments

COMMENT / REPLY FROM