પૈયા પંથક સહિત બન્ની - પચ્છમ કોલસાનો ગેરકાયદે વેપલો ચાલતો હોવાનો આક્ષેપ
વન વિભાગને કોલસાની એક બોરી દીઠ રૂા. ૩૦ની ચુકવાય છે રકમ : એસીબી સહિત વન વિભાગના વરિષ્ઠ અધિકારી કચ્છમાં હોવા છતાં આવી કૌભાંડના અંકુશ જરૂરી
ભુજ : કચ્છમાં કોલસાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. ગેરકાયદે રીતે કોલસા ઉત્પાદનથી માંડી વેંચાણની પ્રવૃતિમાં જંગલ ખાતાના અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. પૈયા પથક સહિત બન્ની - પચ્છમ સહિત કોલસાનો ગેરકાયદેસર વેપલો ચાલતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કચ્છમાં એસીબી સહિત વન વિભાગના વરિષ્ઠ અધિકારી હોવા છતાં આ કૌભાંડ ફુલ્યો ફાલ્યો છે. આ કૌભાડ ઉપર અંકુશ લાવવા માંગ કરવામાં આવી છે. આ બાબતે અરજદારે મુખ્યમંત્રી કાર્યાલયમાં રજુઆત કરતા જણાવ્યું કે, વન વિભાગની મીઠીનજર હેઠળ દાઉદ, અનવર અને અબ્દુલ ગેરકાયદે કોલસાનો કારોબાર ચલાવી રહ્યા છે. જંગલ ખાતા દ્વારા કોલસાની એક બોરી દીઠ રૂા. ૩૦ ઉઘરાવવામાં આવે છે. કોલસાનો ધંધો કરનારા ઝાડી કટીંગ કરે તેના ચોપડે ૭/૧ર અલગ બતાવાય છે જયારે વાસ્તવિકતામાં અલગ જગ્યાએથી કટીંગ કરાય છે. વન વિભાગને જાણ હોવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી. કેટલાક અધિકારીઓ વેપારીઓ સાથે મળી કોઈ પણ જાતની જાહેરાત કે ટેન્ડર પ્રસિધ્ધ કર્યા વિના મનપસંદ મળતીયા લોકોને કામ સોંપી દે છે. સરકારી નિયમોનું પાલન થતું ન હોવાથી સરકારી તિજોરી ખાલીખમ રહે છે. ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે કે, પરિવહન વાહતુક પાસ ઓફીસમાં બેઠા બેઠા જંગલ ખાતાના અધિકારીઓ બનાવી આપે છે. ખરેખર નિયમ પ્રમાણે સ્થળ પર જઈ પંચનામા સાથે વીડીયો ગ્રાફી કરવાની હોય પરંતુ ઓફીસમાં બેઠા બેઠા પાસ બનાવી અપાય છે. જેથી પ૦૦ બોરીની પાસમાં ૭૦૦ બોરી ભરી વેચાણ કરવામાં આવે છે. કોલસાની કામગીરી ગામથી દોઢ કિલોમીટર દુર કરી શકાય પરંતુ પૈયા ગામમાં તળાવની પાસે કામગીરી થઈ રહી છે. જેથી પશુઓને પાણી પીવામાં તકલીફ થાય છે અને પાણી પણ ખરાબ થઈ રહ્યું છે. ગામના લોકો સમજાવવા જાય તો ધમકી અપાય છે કે, અધિકારી અને રાજકીય આગેવાનો ચાર હાથ હોવાથી ખુલ્લેઆમ ધમકી અપાય છે અને તમને જયાં જવું હોય ત્યાં જઈ આવજો. મારૂં કોઈ બગાડી નહીં શકે. જંગલ ખાતાના અધિકારીઓને માત્ર એક બોરી દીઠ રૂા. ૩૦ના કમીશનથી મતલત છે. સરકારને નુકશાન થાય છે, પ્રદુષણ ફેલાય છે તે બાબતે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેથી મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે. લાંબા સમયથી કોલસાના ધંધો ફરી ફુલ્યો ફાલ્યો છે. વન વિભાગ અને એસીબી તંત્ર આ બાબતે તપાસ કરાવે તો કેટલાક કૌભાડો બહાર આવે તેમ છે.
...............

Comments