Trending News
સ્થાનિક સમાચાર

ઉદયપુરથી મુંદરા બંદર સાથે ડાયરેકટ માલ પરિવહનની સુવિધા શરૂ 

04 March



રાજસ્થાનના ખેમલી કોનકોર ડેપોથી ૪પ કન્ટેઈનર સાથેની પ્રથમ ટ્રેન આજે રાત્રે મુંદરા પહોંચશે : એક કન્ટેનરમાં ૩૧ ટન માલ મોકલી શકાશે : હાલમાં દરરોજ ૩૦૦-૪૦૦ ટ્રકનું ઉદયપુર-મુંદરા વચ્ચે પરિવહન : નવી સુવિધાથી પોર્ટ વપરાશકારોમાં ખુશી ફેલાઈ

ભુજ : રાજસ્થાનનું ઉદયપુર કચ્છના મુન્દ્રા બંદર સાથે સીધું રેલ જોડાણ ધરાવતું ચોથું શહેર બન્યું છે. મેવાડથી સીધા વિદેશમાં માલસામાન પહોંચાડવા માટે રેલવે દ્વારા પહેલીવાર નિકાસ ટ્રેન શરૂ કરવામાં આવી છે. સોમવારે રાત્રે ૧૦ વાગ્યે ખેમલી ડેપોથી ૪૫ કન્ટેનર સાથેની રેક મુન્દ્રા પોર્ટ આવવા માટે રવાના કરાઈ હતી. જેમાં પેકિંગ મટિરિયલ્સ, પ્લાસ્ટિક મટિરિયલ, પ્લાયવુડ, પોલી બેગ વગેરે મોકલવામાં આવ્યા હતા. આ ટ્રેન હિંમતનગર થઈને ૬૩૦ કિમીનું અંતર કાપી આજે મંગળવારે રાત્રે મુન્દ્રા બંદર પહોંચશે. રાજસ્થાનના જોધપુર, જયપુર અને કોટા રેલ માર્ગ દ્વારા મુન્દ્રા બંદર સાથે સીધા જોડાણ ધરાવે છે ત્યારે હવે ઉદયપુર પણ ઉમેરાયું છે. આ બાબતે મળતી વિગતો મુજબ, ટ્રેનના એક કન્ટેનરમાં ૩૧ ટન માલ મોકલી શકાય છે. તેનું ભાડું ૫૦ હજાર રૂપિયા હશે. ફેક્ટરીથી ખેમલી કોનકોર ડેપોમાં માલ લાવવા માટે જીએસટી અને નૂર ચાર્જ પણ સામેલ છે. ટ્રેનના ૪૫ કન્ટેનરમાં ૧૩૯૫ ટન માલ મોકલી શકાય છે. દરેક કન્ટેઈનર ૪૦ ફૂટ લાંબું છે. ભવિષ્યમાં ૨૦ ફૂટ ઊંચાઈનો કન્ટેનર પણ રજૂ કરવામાં આવશે. અત્યાર સુધી મેવાડમાં મુન્દ્રા બંદર પર ફક્ત રોડ માર્ગે માલ મોકલવાની સુવિધા હતી. ખેમલી ડેપો રેલવે વિભાગ હસ્તક છે. આ ટ્રેન રેલવેના ડાયરેક્ટ પોર્ટ એન્ટ્રી અભિયાન હેઠળ શરૂ કરવામાં આવી છે. એટલે કે ટ્રેનને બંદર પર સીધો પ્રવેશ મળશે. બંદર પર માલ ઉતારવા માટે કોઈ રાહ જોવી પડશે નહીં. જ્યારે રોડ મારફતે માલ લઈ જતી ટ્રકોને ક્યારેક અનલોડ કરવા માટે ૧-૨ દિવસ રાહ જોવી પડે છે. આમાં એજન્ટની પણ ભૂમિકા છે. ટ્રકો માટે બંદર પર એજન્ટ પાસેથી મંજૂરી મેળવ્યા પછી જ માલ ઉતારી શકાય છે. જ્યારે, રેલ્વેમાં આવું નહીં થાય. હાલમાં ઉદયપુરથી રોડ માર્ગે દરરોજ સરેરાશ ૩૦૦-૪૦૦ ટ્રક મુન્દ્રા બંદરે જઈ રહ્યા છે. રેલવેનો દાવો છે કે તેઓ અઠવાડિયામાં એકવાર ટ્રેન મોકલવાનો પ્રયાસ કરશે. જ્યારે વેપારી પોતાની જરૂરિયાત મુજબ ટ્રક દ્વારા માલ મોકલી શકે છે.


.............................

Comments

COMMENT / REPLY FROM