લંડનના કણબી યુવા એનઆરઆઈ ભાઈ-બહેનો સ્વદેશમાં સેવાની પરંપરાને જીવંત રાખવા તત્પર
પટેલ ચોવીસીના પ્રતિનિધિત્વ સ્વરૂપે ઇંગ્લેન્ડના કુલ પાંસઠ યુવા અને યુવતીઓ અમદાવાદથી ભુજની સાયકલ યાત્રાના માધ્યમે દિવ્યાંગો માટે કરશે આર્થિક સહયોગ
ભુજ : લંડનમાં મેક એ ચેન્જ ફાઉન્ડેશનના માધ્યમથી કચ્છના એનઆરઆઈ યુવાનોનું મંડળ ઇંગ્લેન્ડના અનેક લોકોના સહકારથી ૨૦૨૧થી જરૂરિયાતમંદ લોકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે. તે અંતર્ગત ભારતના દિવ્યાંગ લોકોના લાભાર્થે તારીખ ૩, ૪, ૫ માર્ચ અમદાવાદ થી ભુજ સુધી ઇંગ્લેન્ડના પંચાવન યુવકો અને દશ યુવતીઓ સાથે પાંસઠ સાઈકલ સવારો અને બાર જેટલા સહયોગીઓ મળીને ત્રણસો પચાસ કિલોમીટરની ત્રણ દિવસીય સાઈકલ સેવા યાત્રાના પ્રારંભે સ્વામિનારાયણ મંદિર કાલુપુરમાં વહેલી સવારે મંગળા આરતી, દર્શન પછી મહંત પી. પી. સ્વામીજીએ આશીર્વચન સાથે વિલસ્ડન મંદિરના પ્રમુખ કુરજીભાઈ કેરાઈ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેષભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહીને સેવા યાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.આ યાત્રાના ઉદ્દેશ્ય વિશે જણાવતા મુખ્ય આયોજક અને ફાઉન્ડેશનના પ્રમુખ કિરણભાઈ પીંડોરીયા જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ મંદિર, વિલ્સડનની સુવર્ણ જયંતિ નિમિત્તે કંઈક કરવાના ભાવથી ‘સેવા સાધના’ સાથે વ્યવસ્થાકીય સંકલન કરીને આ સેવા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની અમદાવાદમાં નિવાસ અને ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવી હતી. બીજા દિવસે બપોરના ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા વાઘરવા ગામે અમૃત જ્યોત વિહારધામના મેનેજીંગ ટ્રસ્ટી કમલનયન એ. ડી. મહેતા દ્વારા જૈન દેરાસર મધ્યે તો રાત્રિ ભોજન અને નિવાસ ભચાઉ મધ્યે કારિયા ધામ મુકામે ખેતશીભાઈ કારિયા તથા સમસ્ત ટ્રસ્ટી મંડળ સાથે વાડીલાલભાઈ સાવલા, રાપર સહયોગ આપી રહ્યા છે. અંતિમ દિવસે બપોરનું ભોજન ધાણેટી મધ્યે રામ મિલરન્સ કંપની કાર્યાલય પરિસરમાં સ્વ. પરસોત્તમભાઈ સોલંકી પરિવારના સહયોગથી યોજવામાં આવેલ છે. તારીખ ૫/૩ બુધવારે બપોરના ત્રણ વાગ્યે યક્ષ મંદિર પરિસરથી આ યાત્રા પ્રસ્થાન કરશે અને સ્વામિનારાયણ મંદિર, ભુજ પહોંચી સમાપન સમારોહમાં પૂ. સંતોનાં આશીર્વચન સાથે પૂર્ણ કરવામાં આવશે. આ સંપૂર્ણ સેવા યાત્રામાં એમ્બ્યુલન્સ સેવાનો સહયોગ કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ વતી એમ.એમ.પી.જે. હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ છે.
આ યાત્રાના પ્રારંભમાં સાઈકલ સવારો સાથે મેક એ ચેન્જના મંત્રી મહેશ હાલાઈ, ટ્રસ્ટી દિપેશ કેરાઈ, રાજેશ હાલાઈ, સલાહકાર ભરત સીયાણી વગેરે સંકલન કરી રહ્યાં છે. કાર્યકર્તાઓ ધનસુખ ભુડીયા, રવી ભુડીયા, અનિશ માવજી વગેરે સહયોગી થઈ રહ્યા છે. સમગ્ર રૂટ પર ક્રમશઃ મનોજસિંહ અમદાવાદ, અર્જુનસિંહ મકવાણા સાણંદ, રાજેશભાઈ ચનિયારા માલવણ અને ધ્રાંગધ્રા, પંકજભાઈ નકુમ ભચાઉ, દામજીભાઈ જાટીયા, જયદીપભાઈ સોલંકી ધાણેટી, માધાપર એમપુરા રુટ પર સાઈકલ સેવા યાત્રીઓના સ્વાગત, લીંબુ પાણી, ભોજન વગેરે વ્યવસ્થાઓ સાથે સેવા સાધનાના ટ્રસ્ટી નારાણભાઈ વેલાણી સંપૂર્ણ સેવા યાત્રાનું સંકલન કરી રહ્યા છે તેવું મેક એ ચેન્જ ફાઉન્ડેશન લંડનના પ્રમુખ કિરણભાઈ અને વિલ્સડન ઉત્સવ સમિતિના સહ કન્વીનર અવનીશ વેકરિયાની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.
-------

Comments