અંજારમાં બળાત્કારનો ભોગ બનેલી વૃદ્ધ માતાએ દમ તોડયો : બનાવ હત્યામાં પલ્ટાયો
સગી જનેતાને હવસનો શિકાર બનાવનાર કપુત્ર સામે ચારે બાજુથી ફીટકાર વરસ્યો : અંજાર બાર એસોસીએશને નરાધમનો કેસ ન લડવાની કરી જાહેરાત
અંજાર : તાલુકાના નાનકડા ગામમાં પુત્રએ સગી માતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં સારવાર તળે રહેલી વૃદ્ધ માતાનું મોત થતા બનાવ હત્યામાં ફેરવાયો છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ તાલુકાના એક ગામમાં ઘરમાં એકલી રહેતી ૮૦ વર્ષિય વૃદ્ધ અશકત માતા સાથે તેના પ૦ વર્ષિય પુત્રે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ખુદ નાના ભાઈની પત્નિએ આ ગુનો દાખલ કરાવ્યો હતો. નરાધમે દુષ્કર્મ ગુજારતા વૃદ્ધ માતાને ઈજાઓ થવા સાથે બ્રેેઈન હેમરેજ થયું હતું. જેને ગંભીર હાલતમાં સારવાર તળે દાખલ કરવામાં આવી હતી. તેમનું આજે સવારે ભુજની જી.કે. જનરલમાં સારવાર દરમ્યાન મોત થતા સમગ્ર મામલો રેપ વીથ મર્ડરમાં ફેરવાયો છે. આરોપી અગાઉ ઝડપાઈ ચુકયો છે. પોલીસે આરોપીને પકડયો ત્યારે નશાની હાલતમાં મળી આવ્યો હતો. લોકોના કહેવા પ્રમાણે આરોપી દારૂના નશામાં ચકચુર રહેતો અને સ્થાનીક આડોશ - પાડોશમાં પણ લોકો તેની કરતુતથી ત્રસ્ત થઈ ગયા હતા. આ બનાવને પગલે ચકચાર મચી જવા પામી છે. દરમ્યાન આ જધન્ય કૃત્ય આચરનાર નરાધમ પુત્રનો કેસ ન લડવાની અંજાર બાર એસોસીએશન દ્વારા જાહેરાત કરાઈ છે. આ બાબતે અંજાર પીઆઈ એ.આર.ગોહિલથી વાત કરતા તેઓએ ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે અને આગળની તપાસ ચાલુમાં હોવાનું જણાવ્યું હતું.

Comments