કચ્છમાં ૧૬૬ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ
ચૂંટણીના કામની તૈયારી કરવા પંચના આદેશના પગલે
ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી એપ્રિલ માસના છેલ્લા વીક કે મે માસના પ્રથમ સપ્તાહમાં આવે તેવી શક્યતા : ૧લી એપ્રિલ-૨૦૨૨થી ૩૦મી જૂન-૨૦૨૫ સુધીમાં મુદત પૂર્ણ થતી હોય તેવી ગ્રામ પંચાયતોને આવરી લેવાની રહેશે
ભુજ : ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી મે માસના પ્રથમ કે એપ્રિલ માસના છેલ્લા વીકમાં આવે તેવી શક્યતા છે. કેમ કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય, પેટા, વિભાજનવાળી, મધ્યસત્ર ચૂંટણીઓ યોજવાની હોવાથી તેની કામગીરીની તૈયારીઓનો આદેશ કરવામાં આવ્યો છે. વધુમાં ગ્રામ પંચાયતોમાં ઉપરોક્ત બાબતો લાગુ પડતી હોય તો ગત તારીખ ૧લી, એપ્રિલ-૨૦૨૨થી ૩૦મી, જૂન-૨૦૨૫ સુધીમાં મુદત પૂર્ણ થતી હોય તેવી ગ્રામ પંચાયતોને આવરી લેવાની રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તાજેતરમાં પૂર્ણ થઇ છે. ત્યારે હવે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવાનું આયોજન રાજ્યના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ અંગેની વિગતો મુજબ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને ચૂંટણી સબંધી તૈયારીઓની કામગીરી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
કચ્છની વાત કરીએ તો જિલ્લામાં કુલ્લ ૬૩પ ગ્રામ પંચાયત આવેલી છે. ગાંધીધામ મહાનગરપાલિકામાં પાંચ ગ્રામ પંચાયત મેઘપર બોરીચી, મેઘપર કુંભારડી, પડાણા, કિડાણા, અંતરજાળનો સમાવેશ કરાયો છે. આ પાંચ સિવાય કચ્છમાં કુલ્લ ૧૬૬ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની થાય છે. આ ગામોમાં હાલ વહીવટદાર શાસન હોવાથી લોકોને પાયાની સવલતો મેળવવામાં પણ વલખા મારવા પડે છે. સૌથી વધુ ૩પ ગ્રામ પંચાયતની ચૂંટણી ભુજ તાલુકામાં થનાર છે.
ચૂંટણીની તૈયારીઓના આદેશને પગલે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ આગામી એપ્રિલ માસના છેલ્લા કે મે માસના પ્રથમ વીકમાં યોજાય તેવી શક્યતા રહેલી છે. ત્યારે જિલ્લાના દસેય તાલુકામાંથી ૧૬૬ ગ્રામ પંચાયતની સરપંચ તેમજ વોર્ડ સદસ્યોની ચૂંટણી યોજાશે. અત્યાર સુધી આવી ગ્રામ પંચાયતમાં વહિવટદાર તરીકે અન્ય ગામના તલાટીઓને નિમણુંક કરવામાં આવી હતી. જોકે ચૂંટણીની તૈયારીઓના રાજ્ય ચૂંટણીપંચના આદેશને પગલે જિલ્લામાં ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.ગ્રામ પંચાયતની ચૂંટણી બિન રાજકીય હોવાથી તેના માટે ગામડાઓમાં સરપંચ, વોર્ડના સદસ્ય બનવા માટે ઉમેદવારી નોંધાવવાની હોય તેવા જૂથોએ બેઠકોનો દૌર શરૂ કરી દીધો છે. ગ્રામ પંચાયતની ચૂંટણીને પગલે મતદાન મથકોની ભૌત્તિક સુવિધા સહિતની ચકાસણી કરવાનો પણ આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચૂંટણી કામગીરીમાં અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંક તેમજ મતદાર યાદી સુધારણા સહિતની કાર્યવાહી કરવાની રહેશે. ચૂંટણીપંચના આદેશને પગલે જિલ્લામાં ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.
.......................

Comments