ગેડીમાં અન્ડર ગ્રાઉન્ડ ટાંકામાં છુપાવેલો ૬.ર૮ લાખનો દારૂ ઝડપાયો
વાડી વિસ્તારમાં બનાવાયેલા ટાંકામાં માલનો સંગ્રહ કર્યો હતો : એલસીબીની કાર્યવાહીમાં આરોપી હાજર ન મળ્યા
રાપર : તાલુકાના ગેડી ગામથી દેશલપર જતા રોડ પર પાણીના ટાંકાની પાછળ આવેલ વાડી વિસ્તારમાં એલસીબીએ દરોડો પાડયો હતો. જેમાં અન્ડર ગ્રાઉન્ડ ટાંકામાં ગેરકાયદે છુપાવેલો દારૂ કબજે કરવામાં આવ્યો હતો.
આ બાબતે રાપર પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ ટાંકામાં છુપાવેલા ૧૮૦ એમએલના ૩૭૯ર કવાટરીયા કિંમત રૂા. ૪.૭૪ લાખ તેમજ કિંગ ફીશર બીયરના ૧ર૦ ટીન કિમત રૂા. ૧ર૬૦૦, તથા ૭પ૦ એમએલની ર૧૬ બોટલ કિમત રૂા. ૧,૪૧,ર૮૪ મળી કુલ્લ ૬,ર૭,૮૮૮ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. અશોકસિંહ બહાદુરસિંહ વાઘેલાના કબજાની વાડીમાં આ દારૂ છુપાવવવામાં આવ્યો હતો. અશોકસિંહ તેમજ અર્જુનસિંહ હેતુભા વાઘેલા હાજર ન મળી આવતા બન્ને સામે પ્રોહીબીશનની કલમ તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Comments