ગુજરાતમાં કચ્છ માત્ર એક એવો જિલ્લો જ્યાં માપણી વધારો સમસ્યા રૂપ
મુખ્યમંત્રીને પત્ર પાઠવી ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી એન્ડ લો દ્વારા વિસ્તૃત રજૂઆત કરાઇ
ભુજ : ગુજરાત રાજ્યમાં કચ્છ એક માત્ર એવો જિલ્લો છે જે જમીન માપણી વધારા પ્રશ્ને વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યો છે, જેના કારણે કચ્છના રિયલ એસ્ટેટ વ્યવસાયકારો મંદીમાં સપડાયા છે એટલું જ નહીં કચ્છમાં આવતી મોટી કંપનીઓ જેમને જમીનની જરૂર છે પણ ખરીદવામાં દ્વિદ્યા અનુભવતા હોઈ કચ્છના વિકાસનો વેગ અવરોધાઇ રહ્યો છે. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વિસ્તૃત રજૂઆત કરી આ સમસ્યાનો વ્યવહારૂ ઉકેલ આણવા કચ્છ કલેક્ટરને માપણી વધારાની હાલની મર્યાદિત સતામાં વધારો કરવાની માંગ ગ્લોબલ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી એન્ડ લોના પ્રમુખ રાજેન્દ્ર ટાંક દ્વારા કરાઈ છે.તેમણે પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, કચ્છ કલેક્ટરને માત્ર ચાર એકર જમીન માપણી વધારો કરવા અને ૧૫ લાખ સુધીની રકમ ભરવાની સતા છે આથી વધુ માપણી વધારાના કિસ્સામાં ફાઈલ ક્લિયર થવા સરકારમાં ગાંધીનગર જાય છે અને ત્યાંથી નિર્ણય આવતા બહુ લાંબો સમય નિકળી જાય છે. આ વિલંબને કારણે કંપનીઓ જમીન ખરીદવા હિચકાટ અનુભવે છે કારણ કે હાલના તબક્કે દસ્તાવેજ રજીસ્ટર થઈ ગયા પછી પણ માપણી વધારાની નોંધ પડતી નથી અને મહેસૂલ વિભાગ દ્વારા આ વધારાની જમીનને સરકારી દબાણ તરીકે દર્શાવવામાં આવે છે. આ માપણી વધારો માત્ર કચ્છ જિલ્લાને જ સ્પર્શે છે, જેનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવે તો કચ્છ રિયલ સ્ટેટમાં ખૂબ જ લાંબા સમયથી પડતર રહેલા જમીનના પ્રશ્નો ઉકેલાય તેમ છે. આ દ્વિધાને કારણે જમીનોને લગતા અસંખ્ય સોદાઓ હાલ અટકેલા પડ્યા છે. કિંમતી જમીનો પણ માપણી વધારવાના કારણે વેચાતી નહીં હોવાથી રિયલ એસ્ટેટ વ્યવસાયમાં મંદીનો માહોલ જોવા મળે છે.
શ્રી ટાંકે તેમની રજુઆતમાં વ્યવહારૂ સુચન કર્યું હતું કે, જેટલો પણ માપણી વધારો હોય તે માપણી વધારો કરવાનો કલેકટરને પાવર અને રકમની મર્યાદા વધારી દેવામાં આવે તો પ્રશ્ન જિલ્લા સ્તરે જ ઉકેલી શકાય તેમ છે અને જે કાંઈ માપણી વધારો હોય તે મુજબ જંત્રી મુજબ તેનું રેવન્યુ લેવામાં આવે તો એ રીતે આ કામ સરળતાથી થઈ શકે એમ છે. શ્રી ટાંકે એ પણ ધ્યાન દોર્યું હતું કે રાજાશાહી વખતમાં સ્પષ્ટ માપણી ન હતી. ત્યારબાદ ૧૯૬૫માં પણ લોખંડની સાંકળથી જ માપણી થઈ હતી, મેજરમેન્ટ ટેપ ન હતી તેથી તે પણ સ્પષ્ટ ન થઈ તેથી સરકારે થોડા વરસ અગાઉ ફરીથી ડીજીટલ માપણીનો નિર્ણય લીધો હતો તે પણ ફેલ ગયો, કારણ કે ડીજીટલ માપણીનો કોન્ટ્રેક્ટ રાખનાર સાઉથની કંપનીએ દેખાવ ખાતર સ્થળ માપણી કરી પણ એ ડેટા મુજબ નકશા બનાવવાના બદલે જુના નકશાને સ્કેન કરીને ડીજીટલ માપણીમાં ખપાવવા પ્રયાસ કર્યો જેને લઈ થોડા ઘણા ગામોમાં રેકર્ડ અદ્યતન કર્યું, પણ એ પણ ખોટું જ બન્યું અને ફરિયાદો આવતા પ્રોજેક્ટ અભેરાઈ પર ચઢી ગયો છે. જે ડીજીટલ રેકર્ડ બન્યું તેમાં પણ ભુલ સુધારવા હાલમાં પણ સરકાર વખતો વખત અરજી કરવાની મુદત વધારે છે. આવી હજારો અરજી ડીઆઈએલઆર કચેરીમાં પેન્ડીંગ પડી રહી છે જેની કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે માત્ર કચ્છ જિલ્લાને સતાવતા આ પ્રશ્ને સરકાર સત્વરે રચનાત્મક અભિગમ અપનાવી યોગ્ય નિર્ણય કરશે એવી શ્રદ્ધા પણ શ્રી ટાંકે વ્યક્ત કરી હતી.
-----

Comments