Trending News
સ્થાનિક સમાચાર

બજારો - ચૌરાહાઓ સુધી પહોંચે અણુવ્રત : આચાર્યશ્રી મહાશ્રમણજી

01 March


૭૭માં અણુવ્રત સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

ભુજ : ૫૭ હજાર કિમીથી વધુની પદયાત્રા કરીને દેશ-વિદેશમાં સદાચારની સુગંધ ફેલાવતા અણુવ્રત અનુશાસ્તા આચાર્યશ્રી મહાશ્રમણજી હાલ ગુજરાત રાજ્યમાં વિહાર કરી રહ્યા છે. આચાર્યશ્રીના સાન્નિધ્યમાં અણુવ્રતનો ૭૭મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. અણુવ્રત પ્રવર્તક આચાર્યશ્રી તુલસી દ્વારા પ્રેરિત આ આંદોલન નાની-નાની પ્રતિજ્ઞાઓ દ્વારા વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રમાં નૈતિક વિકાસ લાવવા માટે છે. હાલ આચાર્યશ્રી મહાશ્રમણજીના નેતૃત્વમાં વિવિધ ક્ષેત્રોમાં અને વર્ગોમાં અણુવ્રતનું કાર્ય થઈ રહ્યું છે.વિહારના ક્રમમાં આચાર્યશ્રીએ શનિવારે સવારે મુન્દ્રામાંથી પ્રસ્થાન કર્યું અને આશરે ૯.૬ કિમીનો વિહાર કરીને લૂણી ગામ પહોંચ્યા હતા, જ્યાં મહાજન વાડીના ભવનમાં ગુરુદેવનું રોકાણ થયું હતુ.આ અવસર પર અણુવ્રત વિશ્વભારતી સોસાયટી દ્વારા અણુવ્રત રેલી પણ કાઢવામાં આવી હતી.મુખ્ય પ્રવચન કાર્યક્રમમાં ઉદ્દબોધન આપતાં ગુરુદેવએ પરમપૂજ્ય આચાર્યશ્રી તુલસીએ વિક્રમ સંવત ૨૦૦૫માં સરદારશહરમાં અણુવ્રતનો પ્રારંભ કર્યો હતો. આજના દિવસે તેરાપંથના અષ્ટમ આચાર્યશ્રીકાલુગણીનો જન્મદિવસ પણ છે. કદાચ પોતાના ગુરુના જન્મદિવસને ધ્યાનમાં રાખીને જ આચાર્યશ્રી તુલસીએ આજે અણુવ્રતની શરૂઆત કરી. આચાર્યશ્રી તુલસીએ અનેક નવોચાર અને યોગદાન આપ્યાં છે, જેમાં એક અગત્યનું યોગદાન આ અણુવ્રત આંદોલન છે. અણુવ્રત અપનાવવા માટે ધાર્મિક હોવું જરૂરી નથી, કોઈપણ વ્યક્તિ તેને સ્વીકારી શકે છે. ગુરુદેવ તુલસીએ અણુવ્રતના પ્રારંભ પછી વિવિધ વિસ્તારોની યાત્રા કરી, કોલકાતા ગયા, દક્ષિણ ભારત અને કચ્છની પવિત્ર ધરતી પર પણ પધાર્યા હતા.
આચાર્યશ્રીએ આગળ કહ્યું હતું કે, આજે અણુવ્રત સ્થાપનાનો વિશેષ પ્રસંગ છે. અણુવ્રતની અનેક સંસ્થાઓ પણ છે, જેમ કે અણુવ્રત વિશ્વભારતી સોસાયટી અને અખિલ ભારતીય અણુવ્રત ટ્રસ્ટ. અણુવ્રત માત્ર ધર્મસ્થાનોમાં જ નહીં, પણ તે જેલોમાં, બજારોમાં, ચૌરાહાઓમાં, દુકાનોમાં, ઓફિસોમાં, શાળાઓમાં પહોંચવું જોઈએ. જો અણુવ્રત દરેક વ્યક્તિના જીવનમાં આવે તો તે હંમેશ માટે જીવનમાં પ્રવર્તી શકે. અહિંસાનું અણુવ્રત જીવનમાં આવે અને સંયમની સાધના થાય, સાથે તપસ્યાનું પણ મહત્ત્વ રહે. વિવિધ સ્થળોએ અણુવ્રત સમિતિઓ કાર્યરત છે. આ એક વિશાળ નેટવર્ક છે. રાજકારણ, શિક્ષણ, વેપાર - દરેક ક્ષેત્રમાં અણુવ્રતની જરૂરિયાત છે.
આ કાર્યક્રમમાં અણુવિભાના અધ્યક્ષ પ્રતાપજી દુગ્ગડ અને મહામંત્રી મનોજજી સિંઘવીએ પોતાના વિચારો રજૂ કર્યા. અણુવિભા ટીમ દ્વારા અણુવ્રતના ભાવવિભોર ગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.અણુવ્રત સમિતિ ભુજ તથા ગાંધીધામે વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો. કચ્છ અને સૌરાષ્ટ્રના રાષ્ટ્રીય સંયોજક મહેશ પ્રભુલાલ મહેતા ભુજ સમિતિના અધ્યક્ષ નરેન્દ્રજી મહેતા તથા ગાંધીધામ સમિતિના અધ્યક્ષ અનંતજી ભંસાલીએ કાર્યક્રમને સુચારુ રૂપ આપ્યું હતું. મહાજન વાડી ભવન તરફથી નિતિન કેડિયાએ ગુરુદેવનું સન્માન કર્યું હતુ.આચાર્યશ્રીએ સૌને આશીર્વચન  આપ્યા હતા. આચાર્યશ્રી સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કે.કે. સંઘવી તેમજ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે. સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે. તેરાપંથી સભા ગાંધીધામમાં આચાર્યશ્રી મહાશ્રમણજીનો આગામી  ૫ માર્ચથી ૧૯ માર્ચ સુધીનો પ્રવાસ રહેશે તેમજ તેઓ પણ સેવામાં છે તેવું એક યાદીમાં આચાર્યશ્રી મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કચ્છના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું. 
------

Comments

COMMENT / REPLY FROM