કચ્છમાં વાહનોમાં આંજી દેતી સફેદ એલઈડી લાઈટનો જોખમી ક્રેઝ
ગત ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પશ્ચિમ કચ્છમાં કુલ પ૯૯ ગેરકાયદેસર એલઈડી લાઈટના કેસ નોંધાયા : આરટીઓ કચેરીને રૂા. ર૯ લાખથી વધુની દંડ પેટે થઈ આવક
નિયમ વિરુદ્ધ મોડિફિકેશન કરાવી દોડતા વાહનો સામે કડક કાર્યવાહી ઈચ્છનીય : પ્રકાશની વધુ તીવ્રતા ધરાવતી એલઈડી લાઈટ અકસ્માતનું બને છે કારણ : સામેથી આવતા વાહન ચાલકોની આંખોને પણ પહોંચાડે છે નુકશાન
ભુજ : કચ્છ જિલ્લાના વાહન ચાલકોમાં આંખોને આંજી દેતી એલઈડી લાઈટ લગાડવાનો જોખમી ક્રેઝ વધી રહ્યો છે. પ્રકાશની ખુબ ઉંચી તીવ્રતા ધરાવતી એલઈડી લાઈટ અકસ્માતનું કારણ બને છે. આવી લાઈટોથી સામેથી આવતા વાહનના ચાલકોની આંખોને પણ નુકશાન પહોંચે છે. કચ્છના ધોરીમાર્ગો પર આવી ગેરકાયદેસર ફીટ કરાયેલ એલઈડી લાઈટવાળા વાહનો બેફામ દોડી રહ્યા છે ત્યારે આરટીઓ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવે તેવી માંગ સ્થાનિક જાગૃત નાગરિકો કરી રહ્યા છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા થોડા વર્ષોથી વાહનોમાં લગાવવામાં આવતી હેડલાઈટમાં આંખોને આંજી દેતા એલઈડી લેમ્પ લગાડવાની ઘેલછા લોકોમાં વધી છે. એક તરફ વાહનોનું વેચાણ કરતી કંપનીઓ ખુદ પોતાના વાહનોમાં સફેદ એલઈડી લાઈટ ફીટ કરી આપી રહી છે તો બીજી તરફ વાહન ચાલકો કંપનીએ કંપનીએ ફીટ કરેલી લાઈટ ઉપરાંત વધારાની એલઈડી લગાવીને ફરતા હોય છે. જેના કારણે સામેથી આવી રહેલા વાહનચાલકો પર બેવડો પ્રકાશ ફેંકાય છે. સામેથી આવતા વાહન ચાલકોની આંખો અંજાઈ જવાના લીધે અકસ્માતનું જોખમ સર્જાય તેવી તીવ્ર સફેદ એલઈડી લાઈટ લગાવવી ગેરકાયદેસર છે અત્યારે વાહનોમાં એલઈડી લાઈટ લગાવવાનો ક્રેઝ વધી ગયો છે. આવી લાઈટનો ત્રાસ માત્ર શહેરો પુરતો જ નહીં પરંતુ હાઈવે પર પણ આવા વાહનો દોડતા જોવા મળી રહ્યા છે. તાજેતરના ભૂતકાળમાં કચ્છના ખાવડા વિસ્તારમાં જોખમી એલઈડી લાઈટ લગાવી દોડતા ભારે વાહનો સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારબાદ આરટીઓ તંત્ર દ્વારા ગેરકાયદેસર એલઈડી લાઈટ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભુજના આરટીઓ અધિકારી પ્રદિપસિંહ વાઘેલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમ્યાન પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર એલઈડીના કુલ પ૯૯ કેસ નોંધાયા હતા. વાહન ચાલકોને રૂા. પ હજાર કે, તેથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છ આરટીઓ કચેરીને દંડ પેટે ર૯ લાખથી વધુની આવક થઈ હતી તેવું વધુમાં ઉમેર્યું હતું.આરટીઓના નિયમ અનુસાર વાહન બનાવતી કંપનીએ લગાવી આપેલી એલઈડી લાઈટ બનાવતી કંપનીએ લગાવી આપેલી એલઈડી લાઈટ માન્ય હોય છે પરંતુ વધારાની લાઈટો લગાવવું નિયમ વિરૂદ્ધ છે. આવી લાઈટો લગાવનારને સ્થળ પર જ ચલણ અપાય છે અને ઓછામાં ઓછો એક હજારનો દંડ થાય છે. વાહનોમાં ફેરફાર કર્યો હોય અને તે આરટીઓ નિયમની વિરુદ્ધ હોય તો વાહન જપ્ત પણ થઈ શકે છે. સફેદ એલઈડી લાઈના તીવ્ર પ્રકાશથી સામેથી આવતા વાહન ચાલકોની આંખો અંજાઈ જવાથી તેની ડાબી અને જમણી બાજુએથી કયા વાહનો પસાર થાય છે તેનો ખ્યાલ આવતો નથી અને અકસ્માત સર્જાય છે. આરટીઓની ટમી વાહન ચેકિંગ કરે છે ત્યારે મૂળ લાઈટ ઉપરાંત વધારાની એલઈડી હોય કે મૂળ લાઈટ કાઢી તેની જગ્યાએ ફીટ કરી હોય તો ખ્યાલ આવી જાય છે અને આવા વાહનો સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે છે.

Comments