પદાર્થોના ઉપભોગનું અલ્પીકરણ થવું જોઈએ : આચાર્ય મહાશ્રમણજી
ભુજ : સંત શિરોમણિ અણુવ્રત અનુશાસ્તા યુગપ્રધાન આચાર્ય મહાશ્રમણજી તેમની ધવલ સેના સાથે કચ્છના નગર-નગર અને ગામે-ગામમાં પ્રવેશ કરી જનતામાં નૈતિક મૂલ્યો અને અહિંસક ચેતનાનું જાગરણ કરવા માટે મહાન કાર્ય કરી રહ્યા છે. આ જ શ્રેણીમાં મુન્દ્રામાં આચાર્યશ્રીએ પદાર્પણ કર્યું હતુ.શુક્રવારે પ્રભાતે ઓ.પી. જીંદાલ વિદ્યા નિકેતન, સમાઘોઘાથી આશરે ૧૩ કિ.મી.નો વિહાર કરીને આચાર્યશ્રી મુન્દ્રા પધાર્યા હતા. વિહાર દરમિયાન ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર સંસ્થા ખાતે ગુરુદેવે શુભાશિષ આપ્યા હતા. એક સ્થળે જૈન સાધ્વીએ પણ ગુરુદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ યાત્રા દરમિયાન અનેક સ્થળોએ જૈન સંપ્રદાયના સાધુ-સાધ્વીઓ સાથે આધ્યાત્મિક મિલન થઈ રહ્યું છે. જૈન એકતા માટે સમર્પિત આચાર્ય પ્રવર તેમના દૃષ્ટિચિંતન દ્વારા આ દિશામાં એક નવું પ્રકાશકીરણ આપી રહ્યા છે. મુન્દ્રાના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરુદેવનું પદાર્પણ થયું હતુ.
આપણી આ આત્મા અનંત જન્મોથી પરિભ્રમણ કરી રહી છે. જન્મ-મરણનો ક્રમ ચાલુ રહે છે. પ્રશ્ન એ છે કે વારંવાર જન્મ-મરણ શા માટે થાય છે ? તેનો જવાબ છે કે આપણાં અંદર જે કર્મ છે, રાગ-દ્વેષ રૂપ કષાય છે, તેના કારણે આ જન્મ-મરણનું ચક્ર ચાલુ રહે છે. માનવમાં લોભ, ક્રોધ, માન, માયા જેવી વૃત્તિઓ રહેલી છે, જેમાં લોભ સૌથી પ્રબળ છે. ગૃહસ્થ જીવનમાં ઘર, પરિવાર, ધન, વ્યવસાય વગેરે અનેક વસ્તુઓ છે, જે માણસને પરિગ્રહથી બંધાઈ રહેવા દે છે. કોઈકમાં ઓછું હોય તો કોઈકમાં વધુ. ગૃહસ્થ અને સાધુ વચ્ચેનો મોટો તફાવત એ છે કે જે ગૃહમાં રહે તે ગૃહસ્થ છે, જ્યારે સાધુ તો અણગાર હોય છે, એટલે કે તેમનું પોતાનું કોઈ ઘર હોતું નથી. સાધુ પાસે બિલ્ડિંગ, મકાન, મઠ કે આશ્રમ પણ હોતાં નથી. તેઓ અનિકેત અને અણગાર હોવા જોઈએ - આ બંને વચ્ચેનું મોટું અંતર છે.જો કોઈ ગરીબ હોય અને તે ઘરવિહોણો હોય, તો શું તે સાધુ બની જાય? નહિ, કારણ કે તેની અંદર તો ઘરની અને પદાર્થોની ઇચ્છા છે. જેની અંદર કોઈ પણ પ્રકારની ઇચ્છા ન હોય, તે સાધુ ગણાય. સાધુના સંસારી સંબંધો ન હોય. સન્યાસ સ્વીકારતાં જ તે પરિવાર સાથેના તમામ સંબંધો છૂટી જાય છે. ગૃહસ્થને સંબંધોની દુનિયા હોય છે, જ્યારે સાધુ ભિક્ષાજીવી હોય છે. તેઓ પોતે જમવાનું બનાવી શકતા નથી કે બીજા પાસે પોતાના માટે બનાવરાવી શકાવાતું નથી, માત્ર ભિક્ષાથી પ્રાપ્ત આહાર જ ગ્રહણ કરે છે. આપણા જીવનમાં અલોભની ચેતના જાગવી જોઈએ. ગૃહસ્થ માટે ’ઇચ્છા પરિમાણ’ અને ’ભોગોપભોગ પરિમાણ’ વ્રત મહત્વનું છે. જો સંપૂર્ણ ત્યાગ શક્ય ન હોય, તો ઓછામાં ઓછું પદાર્થોના ઉપભોગનું અલ્પીકરણ કરવું જોઈએ. પરિગ્રહ ઓછો કરીને વ્યક્તિ પોતાનું જીવન સાર્થક બનાવી શકે છે.
કાર્યક્રમમાં આચાર્યપ્રવરે કોલેજના વિદ્યાર્થીઓને સદભાવના, નૈતિકતા અને નશામુક્તિના સંકલ્પ કરાવ્યા હતા. મુન્દ્રા નગરપાલિકાની મેયર રચના જોષીએ અણુવ્રત અનુશાસ્તાનું સન્માન કર્યું હતુ. જૈન સમાજ તરફથી ભોગીલાલભાઈ મહેતા અને કોલેજના પ્રિન્સિપાલ ડો. ફફલ શાહે પણ તેમના વિચારો રજૂ કર્યા હતા. આચાર્યશ્રીએ સૌને આશીર્વચન આપ્યા હતા.આચાર્યશ્રી સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કે.કે.સંઘવી તેમજ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે.સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે. તેરાપંથી સભા ગાંધીધામમાં આચાર્યશ્રી મહાશ્રમણજીનો આગામી ૫ માર્ચથી ૧૯ માર્ચ સુધીનો પ્રવાસ રહેશે તેમજ તેઓ પણ સેવામાં છે તેવું એક યાદીમાં આચાર્યશ્રી મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કચ્છના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
-------

Comments