Trending News
સ્થાનિક સમાચાર

અબડાસાના વાગોઠમાં બોગસ ડ્રાઈવીંગ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ

28 February




કોઈપણ જાતની પરીક્ષા આપ્યા વગર અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીના ટ્રકના ૧૪ ચાલકોના હેવી લાયસન્સ ઈસ્યુ થઈ ગયા : પિન્ટુભાઈ નામના શખ્સે આરટીઓ અધિકારીની બોગસ સહીઓ કરી લાયસન્સ ઇસ્યુ કર્યા : અગાઉ નખત્રાણામાં સ્થાનીક પોલીસે બોગસ લાયસન્સ છાપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યાના છ મહિનામાં વધુ એક ઘટના


એક તરફ આરટીઓ કચેરીમાં પારદર્શિતા અને ભ્રષ્ટાચાર - એજન્ટ મુક્ત વહીવટના દાવાઓ વચ્ચે પોલીસે કરેલી કામગીરી સુચક : બેફામ બનેલા વહીવટદારો હવે બોગસ લાયસન્સ ઈસ્યુ કરી નાખે છતાં કમિશનર કચેરીએથી કોઈ કાર્યવાહી નહીં 



ભુજ : રાજયના સૌથી વિશાળ અને ભારત - પાકિસ્તાનની સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા કચ્છ જિલ્લામાં બધું બોગસ હોય તેમ ફરી એકવાર બોગસ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે. અબડાસાના વાગોઠમાં આવેલી સીમેન્ટની કંપનીના ટ્રકના ચાલકો પાસે કોઈપણ જાતની પરીક્ષા વગર હેવી લાયસન્સ હોવાનું સામે આવ્યું છે, જેથી ફરિયાદ નોધાઈ છે.
આ અંગેની વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે, અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીમાં ચાલતા ટ્રકના ચાલકો પૈકી અમુક ટ્રક ચાલકો પાસે શંકાસ્પદ હેવી ડ્રાઈવીંગ લાયસન્સ છે, જેથી વાગોઠ ચેકપોસ્ટ પાસે તેઓને બોલાવી ડ્રાઈવીંગ લાયસન્સ ચકાસવામાં આવ્યા હતા. ૧૪ ચાલકોના ડ્રાઈવીંગ લાયસન્સ નંબર અને જન્મ તારીખથી એમ પરિવહન પોર્ટલ પર ચકાસવામાં આવ્યા હતા. જેમાં પુછપરછમાં જાણવા મળ્યું કે, તેઓએ કોઈપણ જાતની પરીક્ષા આપી નથી અને આરટીઓ કચેરીએ ગયા નથી છતાં તેઓ પાસે આરટીઓ લાયસન્સ આવી ગયા હતા. ૧૪ ડ્રાઈવરોની અલગ અલગ પુછપરછ કરવામાં આવી હતી. તેઓ પાસેથી બોગસ લાયસન્સ કબજે કરવામાં આવ્યા હતા અને આરટીઓ અધિકારીને યાદી પાઠવી ખરાઈ કરવા માટે જણાવતા વિસંગતતા જણાઈ હતી. જેમાં હાજી હુસેન મીયાજીના નામે ઈસ્યુ થયેલું ડ્રાઈવીંગ લાયસન્સ રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજાના નામનું હતું. જુમા હારૂન મીયાજીના લાયસન્સની અવધીમાં ફેરફાર જણાયો હતો. ર૦ર૬ આ લાયસન્સ પૂર્ણ થવાનું હતું છતાં ર૦૩૯ સુધી લંબાવી દેવાયું હતું. ઈસ્માઈલ ઈબ્રાહીમ ઘા ના લાયસન્સનું ખરૂ નામ અહેમદ રજાક હાસમ દરાડ નિકળ્યું હતું. ફરદીન અલીમામદ સુમરાના ડ્રાઈવીંગ લાયસન્સ હોલ્ડરનું નામ કાસુ સાલે સુમરા, સલીમ જુમાભાઈ સુમરાના નામે ઈસ્યુ થયેલ લાયસન્સના કર્તાહર્તા પુનીત મનજી ડાયા હતા. તેવી જ રીતે જાવેદ હારૂન કેરના નામે ઈસ્યુ થયેલું લાયસન્સ જગદીશ માયાભાઈ આહીરનું હતું. ઈરફાન હારૂન કેરનું લાયસન્સ ઈરફાન હાસમ દરાર, રતનજી સંગ્રામજી જાડેજા અને અર્જુનસિંહ હરિસંગજી પઢીયારના લાયસન્સનો રેકોર્ડ આરટીઓમાં ઉપલબ્ધ જ નથી. પ્રેમજી હાલુભા પઢીયારનું લાયસન્સ પીયુષ અરજણભાઈ રાઠોડના નામે ઈસ્યુ થયું હતું. જયદીપસિંહ જગમાલજી જાડેજાના લાયસન્સનું ખરૂં નામ હેતલ દેવદાસ ખેમાણી છે. કાદર ખાનભાઈ મોકરશીનું ખરૂં લાયસન્સ રીશી વીરજીભાઈ સોરઠીયાના નામે ઈસ્યુ થયેલું છે. તેવી જ રીતે સલીમ ખાનભાઈ મોકરશીના નામે ઈસ્યુ થયેલ લાયસન્સનું ખરૂ નામ પ્રીતેશ મનજી આસાણી છે. જયારે ઈમરાન ઓસમાણ ખોડના લાયસન્સનુ ખરૂ નામ પાર્થ મીલનભાઈ શાહ હોવાનું સામે આવ્યું છે. અન્ય વ્યક્તિના ડ્રાઈવીંગ લાયસન્સના નંબર મેળવી તેમાં ફોટો બદલાવી લાયસન્સની અવધી વધારી બોગસ રીતે ઈસ્યુ કરવામાં આવ્યા હતા. તમામ લાયસન્સ એક બીજાનો સંપર્ક કરી બનાવવામાં આવ્યા હતા. આ લાયસન્સ બનાવવાના કૌભાંડનો મુખ્ય સુત્રધાર પિન્ટુભાઈ છે. જેણે લાયસન્સ બનાવવા માટે ગુગલ પે થી રૂપિયા પણ લીધા છે. આ પિન્ટુએ આરટીઓ અધિકારીની ખોટી સહી ખોટા ડ્રાઈવીંગ લાયસન્સ ઈસ્યુ કર્યા હતા. જેથી એસઓજીએ સરકાર તરફે બોગસ લાયસન્સ બનાવવા સંદર્ભે વાયોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે મહત્વની બાબત એ છે કે, અગાઉ નખત્રાણામાં કોમ્પ્યુટર અને પ્રિન્ટરની મદદથી બોગસ લાયસન્સ છાપવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો., તે સમયે નખત્રાણા પોલીસે કાર્યવાહી કરી હતી. આ વખતે વાગોઠમાં એસઓજીએ કાર્યવાહી કરી છે. જિલ્લામાં આરટીઓ કચેરી હોવા છતાં પોલીસ કાર્યવાહી કરે તે સુચક માનવામાં આવે છે. એકતરફ કચ્છમાં ઓવરલોડ વાહનોનું દુષણ વધ્યું છે. બેફામ ડ્રાઈવીગના કારણે અકસ્માતો થાય છે. ગઈકાલે ભચાઉમાં અકસ્માત થયો તેમાં ટ્રેઈલરમાં ત્રણ અલગ અલગ નંબર પ્લેટ લગાવેલી હતી. જેથી કહી શકાય કે આરટીઓ કચેરીના ઈન્સ્પેકટરો માત્ર ઓફીસમાં બેઠા બેઠા પગાર લેતા હોય તેમ રસ્તા પર કોઈ પ્રકારની ચેકીંગની કાર્યવાહી થતી નથી. જેના કારણે એજન્ટો ફાવી ગયા છે. એક તરફ ભુજ આરટીઓમાં એજન્ટ રાજની નાબુદી અને ભ્રષ્ટાચાર મુકત વહીવટની વાતો થાય છે પરંતુ એજન્ટ રાજના કારણે જ આવા બોગસ લાયસન્સો ઈસ્યુ થતા હોય છે. ખરેખર જે લોકોએ પૈસા દઈને બોગસ લાયસન્સ બનાવ્યા તેઓ પણ તેટલા જ ગુનેગાર કહી શકાય. કારણ ખોટી રીતે લાયસન્સ મેળવવું તે પણ એક પ્રકારે ગુનો છે. ખરેખર આ બનાવમાં સંડોવાયેલા આરટીઓના જવાબદાર અધિકારી - કર્મચારીને સામે પણ પગલા ભરવામાં આવે અને કમિશનર કચેરી દ્વારા કચ્છભરમાં આવા બોગસ લાયસન્સની તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ ખુલે તેમ છે. પરંતુ જો ઉપર સુધી વહીવટ થતો હશે તો ટુંક સમયમાં આ પ્રકરણ પર પણ પડદો પડી જશે. 


............

 

Comments

COMMENT / REPLY FROM