ભુજમાં હોસ્પિટલ ખોલી કરોડોનું ફુલેકું ફેરવનાર તબીબ સામે હવે પોલીસ કાર્યવાહીનો ગાળિયો કસાયો
હોસ્પિટલમાં ભાગીદારી માટે ભચાઉના વેપારીને ૧પ લાખનો ચુનો ચોપડાયો : ભુજના ભાગીદારોએ પોલીસમાં અરજી કરી છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થઈ : પોતાને ડોકટર ગણાવનાર જયનુલઅલી અમીરઅલી કાજાણી વિરૂદ્ધ આરોગ્ય વિભાગે કોઈ પગલા ન ભર્યા
ભુજ : હાલમાં ભુજ શહેરમાં બિલાડીના ટોપની જેમ ખાનગી હોસ્પિટલો ખુલી રહી છે. દવાખાના કે હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરવાની હોય પરંતુ ભુજ શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં ખુલેલી હોસ્પિટલો ફાઈવ સ્ટાર હોટલને ટક્કર મારે તેવી બનાવી છે. તેવામાં થોડા મહિનાઓ અગાઉ ભુજના ઘનશ્યામનગરમાં મોટા ઉપાડે કાજાણી હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. ખુદ ભુજના નેતાઓ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં જોડાયા હતા. બાદમાં છેલ્લા મહિના ઉપરાંતના સમયથી આ હોસ્પિટલ ભેદી કારણોસર બંધ થઈ ગઈ છે અને તેમાંથી મોટા ભાગનો તબીબી સામાન પણ સગેવગે થઈ ગયો છે. બજારમાં ચર્ચા એવી છે કે, મુખ્ય ડોકટર કાજાણી અલગ અલગ ભાગીદારો પાસેથી રૂપિયા મેળવી કરોડોનું ફુલેકું ફેરવી ગયા છે. હોસ્પીટલમાં ડોકટરને પોતાનું ંતબીબી સર્ટીફીકેટ દર્શાવવાનુ હોય છે. જે પણ બોગસ હોવાનું સામે આવ્યું છે. રૂપિયા ડુબી જતા એક બાદ એક ભાગીદારો પોલીસમાં કાર્યવાહી માટે અરજી કરી રહ્યા છે. ભુજના એક વેપારીએ પોલીસમાં અરજી કરી છે પરંતુ હજુ સુધી તેમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પરંતુ ભચાઉના વેપારીએ કરેલી અરજીમાં પોલીસ તપાસ કરીને જયનુલઅલી અમીરઅલી કાજાણી સામે ફરિયાદ નોંધાવી છે. મુળ ભચાઉના દરબારગઢના અને ભુજના પ્રમુખસ્વામીનગરમાં આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા જાલમસિંહ બળવંતસિંહ જાડેજાએ ભચાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, ભુજમાં લોહાણા સમાજવાડીની બાજુમાં ધર્મનાથ એપાર્ટમેન્ટમાં રહેતા જયનુલઅલી અમીરઅલી કાજાણીએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. તેમની કાજાણી હોસ્પિટલમાં ભાગીદારી માટે લાલચ આપી મહિને પાંચ લાખના નફાના ખોટા હિસાબ બતાવી વિશ્વાસ કેળવી પ્રથમ એક લાખ રૂપિયા બાદમાં ૧ર.પ૦ લાખ તેમજ બાદમાં પાંચ લાખ અને ૬.પ૦ લાખ રૂપિયા આપ્યા હતા. કુલ્લ રપ લાખ રૂપિયા ચુકવી ભચાઉમાં નોટરી કરાર કરાવ્યો હતો. બાદમાં ઠગાઈ થયાનું જણાઈ આવતા રૂપિયા પરત માંગ્યા હતા. જેમાં ૧૦ લાખ રૂપિયા પરત મળ્યા પરંતુ બાકીના ૧પ લાખ રૂપિયા પરત મળ્યા ન હતા. જેથી વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ભચાઉ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ચર્ચાસ્પદ મામલામાં આગળ પણ ફરિયાદો થાય તો નવાઈ નહીં.
......................

Comments